આજે ઇન્ટરનેશનલ ટી ડે એટલે કે આંતરરાષ્ટ્રીય ચા દિવસ છે. દુનિયાભરમાં 21 મેના રોજ ઇન્ટરનેશનલ ટી ડેની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં દૂધ કરતા ચા પીનાર લોકોની સંખ્યા વધારે છે. ભારતમાં મોટાભાગના લોકોની દિવસની શરૂઆત ‘ચ્હાની ચુસ્કી’ સાથે થાય છે. આજે દુનિયાભરમાં વિવિધ પ્રકારના ફ્લેવરની ચા પીવામાં આવે છે જેમ કે, બ્લેક ટી, ગ્રીન ટી, લેમન ટી વગેરે. ભારત ભલે દુનિયામાં સૌથી મોટો ચા ઉત્પાદક દેશ ન હોય પરંતુ દેશમાં ઉત્પન્ન થતી કુલ ચાના 70 ટકા જથ્થાની વપરાશ સ્થાનિક સ્તરે થાય છે.
ઇન્ટરનેશનલ ટી ડેની શરૂઆત કેવી રીતે થઇ?
ઇન્ટરનેશનલ ટી ડે (આંતરરાષ્ટ્રીય ચા દિવસ / International Tea Day) દર વર્ષે 21 મેના રોજ ઉજવવામાં આવે છે. અગાઉ આ દિવસ દર વર્ષે 15 ડિસેમ્બરે વિશ્વના વિવિધ ચા ઉત્પાદક દેશો દ્વારા ઉજવવામાં આવતો હતો. ભારતની ભલામણ પર, સંયુક્ત રાષ્ટ્રએ હવે 21 મેને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે જાહેર કર્યો છે. આમ વર્ષ 2005થી 21 મેના રોજ ઇન્ટરનેશનલ ટી ડેની ઉજવણી કરવામાં આવે છે. હકીકતમાં, મોટાભાગના ચા ઉત્પાદક દેશોમાં ગુણવત્તાયુક્ત ચાના ઉત્પાદનની સીઝન મે મહિનામાં જ શરૂ થાય છે.

ચાની શોધ ક્યાં- કેવી રીતે થઇ?
ચાની શોધને લઇ ઘણા મંતવ્યો છે. એક કહાણી અનુસાર 2700 ઇસ પૂર્વે ચીનની શાસક શેન નુંગ પોતાના બગીચામાં બેસીને ગરમ પાણીથી સ્નાન કરી રહ્યા હતા, ત્યારે ઝાડનું પાંદડુ તેમના પાણીમાં પડ્યુ, જેનાથી સ્વાદ અનં રંગ બને બદલાઇ ગયા. તેમને તેનો સ્વાદ ગમ્યો અને તે પાંદડાનું નામ ‘ચા’ રાખ્યું. મેડેરિન ભાષામાં આ શબ્દનો ખર્થ શોધ કે તપાસ સાથે છે. ચીનમાં ત્યારથી ચાની શરૂઆત થઇ હોવાનું મનાય છે.
ભારતમાં ચા કેવી રીતે લોકપ્રિય બની?
ચા અંગેની વધુ એક કહાણીની વાત કરીયે તો વર્ષ 1834માં બ્રિટિશ ગવર્નર જનરલ લોર્ડ બેન્ટિક ભારત આવ્યા હતા. તે સમયે અસમના કેટલાંક લોકો ચાના પાંદડાને ગરમ પાણીમાં ઉકાળીને દવાની જેમ પી રહ્યા હતા. આ જોઇને તેમના મનમાં ઉત્સુકતા જાગી. ત્યારબાદ તેમણે સ્થાનિક લોકો પાસેથી તેના વિશે જાણકારી મેળવી અને આવી રીતે ભારતમાં ચા પીવાના રિવાજની શરૂઆત થઇ.
દુનિયાના ક્યા દેશમાં સૌથી વધુ ચા પીવાય છે?
દુનિયાના મોટાભાગના દેશો ચા પીવે છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ચાર તુર્કીમાં પીવામાં આવે છે. તુર્કીમાં ચાનો માથાદીઠ વાર્ષિક વપરાશ 3.16 કિગ્રામ છે. એટલે કે તુર્કીમં એક વ્યક્તિ દર વર્ષે 3.16 કિલો ચા પીવે છે. સૌથી વધુ ચા પીતા વિશ્વના ટોપ-5 દેશોમાં તુર્કી બાદ અનુક્રમે આયરલેન્ડર (2.19 કિલો), યુકે (1.94 કિલો), પાકિસ્તાન (1.5 કિલો) અને ઇરાન (1.5 કિલો) છે. દુનિયામાં માથાદીઠ સૌથી વધુ ચાનો વપરાશ ધરાવતા દેશોની યાદીમાં ભારત 22માં ક્રમે છે.
ભારતમાં એક વ્યક્તિ વર્ષે કેટલી ચા પીવે છે?
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર સમગ્ર વિશ્વમાં સૌથી વધુ માથાદીઠ ચાનો વપરાશ ધરાવતા દેશોની યાદીમાં ભારત 22માં ક્રમે છે. ભારતમાં ચાનો માથાદીઠ વાર્ષિક વપરાશ 0.32 કિગ્રા છે. એટલે કે ભારતમાં એક વ્યક્તિ વર્ષ દરમિયાન 320 ગ્રામ ચા પીવે છે, જે ચીન અને પાકિસ્તાનની તુલનામાં ઘણુ ઓછું છે. પાકિસ્તાનમાં માથાદીઠ ચાનો વપરાશ વાર્ષિક 1.50 કિલો અને ચીનમાં 570 ગ્રામ છે. તો અમેરિકામાં એક વ્યક્તિ વર્ષ દરમિયાન 230 ગ્રામ, સિંગાપોરમાં 370 ગ્રામ ચાનો વપરાશ કરે છે.