/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Lili-Tuver-Vada-Recipe.jpg)
Lili Tuver Na Vada Recipe : લીલી તુવેરના વડા બનાવવાની રેસીપી (Photo: nehascookbook.com)
Winter Special Green Pigeon Pea Fritters Recipe In Gujarati : લીલી તુવેર માટે ઘણી સ્વાદિષ્ટ વાનગી બને છે. શિયાળામાં લીલી તુવેર ભરપૂર પ્રમાણમાં આવે છે. લીલી તુવેરનું શાક, લીલવાની કચોરી વગેરે તમે ખાધી જ હશે. અહીં લીલી તુવેર માંથી એક સ્વાદિષ્ટ અને ચટપટી વાનગી લીલી તુવેરના વડા બનાવવાની રીત આપી છે. જો તમે દાળ વડા કે બટાકા વડા ખાઇને કંટાળી ગયા છો, તો લીલી તુવેરના વડા ટ્રાય કરવા જોઇએ.
લીલી તુવેરના વડા બનાવવા માટે સામગ્રી
- લીલી તુવેરના દાણા : 1 વાટકી
- ચણાનો લોટ : 1 વાટકી
- પૌંઆ : 1 કપ
- રાઇ : 1 ચમચી
- હિંગ : 1/4 ચમચી
- સફેદ તલ : 1 ચમચી
- વરિયાળી : 1 ચમચી
- કાજુના ટુકડા : 1 ચમચી
- સુકી દ્રાક્ષ : 1 ચમચી
- આદુ મરચાની પેસ્ટ : 2 ચમચી
- કોપરાની છીણ : 2 ચમચી
- ખાંડ : 1/2 ચમચી
- હળદર પાઉડર : 1 ચમચી
- મીઠું : સ્વાદ અનુસાર
- પાણી : 2 - 3 ચમચી
- ગરમ મસાલો : 1 ચમચી
- લીંબુનો રસ : 1 ચમચી
- લીલું કોથમીર : 1 કપ
Lili Tuver Vada Recipe In Gujarati : લીલી તુવેર વડા બનાવવાની રીત
સૌ પ્રથમ એક કઢાઇમાં તેલ ગરમ કરો, તેમા રાઇ, હિંગ, સફેદ તલ અને વરિયાળાનો તડકો લગાવો. પછી તેમા કાજુના ટુકડા, સુકી દ્રાક્ષ અને આદુ મરચાની પેસ્ટ સાંતળી લો. ત્યાર બાદ હળદર અને મીઠું ઉમેરી મસાલાને પકવવા દો. હવે અધકચેરેલા લીલી તુવેરના દાણા ઉમેરી તેને 1 થી 2 મિનિટ સુધી સતત હલાવો. પછી લીલી તુવેરના દાણા રંધાય જાય તેની માટે અડધો કે 1 કપ પાણી ઉમેરી ધીમા તાપે કઢાઇને ઢાંકી દો. લીલી તુવેરના દાણાને 2 થી 3 મિનિટ સુધી રંધાવા દો.
પાણી શોષાઇ જાય પછી તેમા 1 કપ જેટલા પલાળેલા પૌંઆ ઉમેરો. પછી કોપરાની છીણ, 1 ચમચી ખાંડ, ગરમ મસાલો લીંબુનો રસ ઉમેરી બધી સામગ્રી મિક્સ કરીને મસાલો પકવવા દો. લીલી તુવેરના દાણા એકદમ નરમ થાય એટલે ગેસ બંધ કરી દો. તેમા ઉપરથી લીલું કોથમીર ઉમેરો. આ મસાલાને ઠંડુ થવા દો.
હવે એક વાસણમાં વડા માટે ચણાના લોટનું ખીરું તૈયાર કરો. ચણાના લોટમાં પાણી, મીઠું અને બેકિંગ સોડા ઉમેરી વડાનું ખીરું તૈયાર કરો. ખીરું બહુ પાતળું કે ઘટ્ટ ન હોય તેનું ધ્યાન રાખો. લીલી તુવેરના મસાલા માંથી નાના નાના ગોળ બોલ બનાવો.
આ પણ વાંચો | ઇન્સ્ટન્ટ લાઈવ લસણિયા ઢોકળા રેસીપી, માત્ર 15 મિનિટમાં બની જશે
એક કઢાઇમાં વડા તળવા માટે તેલ ગરમ કરો. લીલી તુવેરના બોલ ચણાના લોટના ખીરામાં ડુબાડી તેને ગરમ તેલમાં મૂકો. વડા પર ચણાના લોટનું બરાબર કોટિંગ થાય તેનું ધ્યાન રાખો. મીડિયમ તાપે લીલી તુવેરના વડા સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. શિયાળાની ઠંડીમાં ગરમાગરમ લીલી તુવેરના વડા ફુદીનાની ચટણી, ખજૂરની ચટણી અને સોશ સાથે સર્વ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us