14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણ, મકરસંક્રાંતિનો દિવસ. આ દિવસે નાના-મોટા સૌ કોઈ આનંદમાં હોય છે. સૌ કોઈ પોતપોતાની અગાસી પર જઈને મન મુકીને પતંગ ઉડાડતા જોવા મળે છે. અને સાથે સાથે ગોળ સાથે તલ, મગફળીના દાણા, નાળિયેર, દાળિયા વગેરેની ચીકી, લીલા ચણા કે જેને સૌરાષ્ટ્રમાં જીંજરા કહે છે, શેરડી વગેરે જેવા આરોગ્યને લાભ કરનાર દ્રવ્યો પણ આરોગતા હોય છે.
હિંદુ ધર્મમાં દરેક તહેવારની ઉજવણી સાથે કોઈ ને કોઈ વૈજ્ઞાનિક અભિગમ હોય જ છે. શિયાળાની શરૂઆત અને વચ્ચેનાં ગાળામાં ત્વચામાં રૂક્ષતા, સાંધાનાં દુખાવા, શરદી-ખાંસી જેવા વાયુ-કફથી થતાં રોગો વધુ થતાં હોય છે. જયારે ઉતરતા શિયાળા દરમિયાન વાયુની વિકૃતિથી થતાં પાચન સબંધિત રોગ, ચામડીમાં શુષ્કતા, ખરજવું, ખોડો જેવા રોગ થવાની સંભાવના વધી જાય છે. આથી જ શરીરમાં વધતી રૂક્ષતાને ધ્યાનમાં રાખી અને પરંપરાગત બનતી વાનગીઓમાં તલ, ગોળ, શેરડી, નવું ઉગેલું અનાજ વગેરેનો વપરાશ વધુ થતો હોય છે.

ઉત્તરાયણ સ્વાસ્થ્યવર્ધક છે. લોકો સવારે અગાસીએ ચડીને પતંગ ચગાવતા હોવાથી આ દિવસે શરીરને સૂર્યમાંથી ભરપુર માત્રામાં વિટામીન D મળી રહે છે. જે ઇમ્યુનિટી વધારે છે. વિટામીન Dથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમજ ચેતાતંતુઓ અને સ્નાયુઓ માટે ફાયદાકારક છે. હાડકા, સ્નાયુઓને મજબૂત બનાવે છે. ડાયાબિટીસ અને વધુ વજન જેવા રોગોમાં પણ ગુણકારી છે. આ દિવસે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતો હોય છે. તેથી આ દિવસે ભરપુર માત્રામાં વિટામીન D લેવું જોઈએ.
આ પણ વાંચો : ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ જરૂરી છે આ ચાર પોષક તત્વ, ઉણપથી બાળક પર ખતરો, અહીં જાણો
આ ઉપરાંત, ઉત્તરાયણ પર આપણે શેરડી, ચીકી, કચરિયું, અને ચણા ખાતા હોઈએ છીએ. આ ખોરાકમાંથી કેલ્શિયમ, લોહતત્વ, ઝીંક અને પોટેશિયમ જેવા મિનરલ્સ મળતા હોય છે. આ દરેક વિટામિન્સથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો રહે છે. શિયાળામાં આ પ્રકારના ખોરાક દરરોજ ખાવાથી આખું વર્ષ શરીરને ઉર્જા મળતી રહે છે. માટે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની સાથે સાથે સ્વાસ્થ્યને પણ તંદુરસ્તી મળી રહે છે. તો ઉત્તરાયણની મજા માણવાની સાથે સાથે આ વિટામિન્સ ગ્રહણ કરવાનું ચૂકતા નહીં.





