કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને મોટાભાગના લોકોને કેરી કે કેરીનો રસ ગમે છે. હાલ કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે મોટાભાગના ઘરોમાં કેરીનો રસ બનતો હોય છે. જો કે કેરીના રસની મીઠાશ વધારવા માટે તેમાં ખાંડ ઉમેરવામાં આવે છે જે શરીર માટે હાનિકારક છે. કેરીના રસને ટેસ્ટની સાથે હેલ્થ માટે બેસ્ટ બનાવવા હેતુ તેમાં બે વસ્તુ ઉમેરવવી જોઇએ. જો કેરીના રસમાં આ બે વસ્તુ ઉમેરવામાં આવે તો તેનાથી આરોગ્યને ઘણા ફાયદા થવાની સાથે સાથે મેંગો જ્યૂસથી થતી આડઅસરોથી પણ બચી શકાય છે. જાણો આ બે વસ્તુ કઇ છે.
કેરીના રસમાં સૂંઠ અને ઘી ઉમેરો
જુના જમાનામાં કેરીના રસમાં સૂંઠનો પાઉડર અને ઘી ઉમેરવાનો રિવાજ હતો. સૂંઠ અને ઘી – આ બંને ચીજો આરોગ્ય માટે ઘણી ફાયદાકારક છે. કેરીના રસમાં સૂંઠ ઉમેરવામાં આવે તો રસનું પાચન સરળતા થાય છે. સૂંઠ પેટની ગેસ દૂર કરવામાં મદદ કરે છે, તે પિત્ત અને કફનાશક છે. આથી તે વ્યક્તિઓને પિત્ત કે કફ અને સાંધાનો દુખાવો રહેતો હોય તેમણે કેરીના રસમાં સૂંઠ ઉમેરવી જોઇએ. સૂંઠ સાંઘાના દુખાવામાં રાહત આપે છે.
કેરીનો પ્રકૃત્તિ ગરમ છે. કેરી ખાવાથી શરીરમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. આથી જો કેરીના રસમાં સૂંઠની સાથે ઘી ઉમેરીને તેનું સેવન કરવામાં આવે તો કેરીથી શરીરમાં થતી ગરમીની સમસ્યાથી બચી શકાય છે.
કેરીનો રસ વધારે પીવાય જાય તો ?
કેરી અને કેરીનો રસ નાનાથી લઇ મોટી ઉંમરના વ્યક્તિઓને ગમતો હોય છે. ઘણી વખતે કેરીનો વધારે પીવા જાય તો મુશ્કેલી સર્જાય છે. જો કેરીનો રસ વધારે પીવાય જાય તો તમે એક ઘરગથ્થુ ઉપાયથી આ સમસ્યાને દૂર કરી શકો છો. તેની માટે તમારે સૂંઠ, પીપરીમૂળ, જીરું, સિંધવ અને ખડી સાકરને મિક્સ કરીને એક ચૂર્ણ બનાવી લેવું. ત્યારબાદ પાણી સાથે એક ચમચી આ ચૂર્ણનું સેવન કરવું. આ ચૂર્ણનું સેવન કરવાથી કેરીના રસનું પાચન કરવામાં સરળતા રહેશે.