Crispy Millet Appe Recipe In Gujarati : બાજરી ગ્લુટેન ફ્રી એક પૌષ્ટિક અનાજ છે. શિયાળમાં બાજરી ખાવાથી શરીરને ગરમી મળે છે. બાજરીના લોટ માંથી રોટલા, થેપલા, વડા, રાબ જેવી વિવિધ વાનગીઓ બને છે. ઘણા લોકોને બાજરીના રોટલા ખાવા પસંદ નથી હોતા, ખાસ કરીને બાળકોને. જો અમુક લોકોને બાજરીના વડા ખાવા પસંદ હોય છે. જો કે બાજરીના વડા તેલમાં તળીને બનાવાય છે, આથી ઘણા લોકો તે ખાવાનું ટાળે છે. આવી સ્થિતિમાં તમે બાજરીના અપ્પે ટ્રાય કરી શકો છો. એક સાઉથ ઈન્ડિયન સ્ટાઇલ બાજરીના અપ્પે ઓછા તેલમાં બની જાય છે, જે નાના બાળકોથી લઇ મોટા લોકોને પણ પસંદ આવે છે. તો ચાલો જાણીયે બાજરી અપ્પે બનાવવાની સરળ રીત.
બાજરી અપ્પે બનાવવા માટે સામગ્રી
- બાજરી : 1 વાટકી
- અડદ દાળ : 1 કપ
- દહીં : 1 કપ
- લીલું લસણ : 1 કપ
- લીલું લસણ અને લીલા મરચાની પેસ્ટ : 2 ચમચી
- બેકિંગ સોડા : 1 નાની ચમચી
- સફેદ તલ : 1 ચમચી
- તેલ : 1 ચમચી
- રાઇ : 1 ચમચી
- મીઠા લીમડાના પાન : 5 – 6 નંગ
- પાણી : જરૂર મુજબ
Bajra Appe Recipe In Gujarati : બાજરી અપ્પે બનાવવાની રીત
બાજરી અપ્પે બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકી બાજરી પાણીમાં 5 થી 6 કલાક પલાળી રાખો. તમે બાજરીને આખી રાત પણ પલાળી શકાય છે. તેવી જ રીતે 1 કપ અડદ દાળને પણ પાણીમાં પલાળી રાખો.
હવે મિક્સર જારમાં પલાળી બાજરી અને અડદ દાળ પીસી લો, તેની ખીરું બનાવો. ખીરું બહું પાતળું કરવું નહીં. પછી તેમા 1 કપ દહીં તેમજ લીલા લસણ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરી, હવે ખીરાને સારી રીતે ફેંટી 10 થી 15 મિનિટ સુધી રહેવા દો.
એક કઢાઇમાં 1 ચમચી તેલ ગરમ કરો. તેમા રાઇ જીરું, સફેદ તલ અને મીઠા લીમડાનો તડકો લગાવો. આ તડકાને અપ્પેના ખીરામાં રેડો. પછી તેમા 1 થી 2 ચમચી બેકિંગ સોડા ઉમેરી ખીરાને સારી રીતે ફેંટી લો.
અપ્પે પેનમાં તેલ લગાડી ગેસ પર ગરમ કરો. પછી બાજરીનું ખીરું રેડો, તેને ઢાંકણા વડે ઢાંકી દો અને 5 મિનિટ સુધી શેકાવા દો. ત્યાર પછી અપ્પેને બીજી બાજુથી 5 મિનિટ સુધી શેકો. અપ્પે બંને બાજુથી બ્રાઉન થાય ત્યાં શેકો.
આ પણ વાંચો | ઢાબા સ્ટાઈલ મેથી મટર મલાઈ સબ્જી રેસીપી, માત્ર 15 મિનિટમાં ઘરે આ રીતે બનાવો
ગરમાગરમ અપ્પે નારિયેળ ચટણી, સોશ અને લીલા મરચાની ચટણી સાથે સર્વ કરો. સવાર કે સાંજના નાસ્તામાં કે બાળકને સ્કૂલના લંચ બોક્સમાં આપવા માટે સરળ વાનગી છે. જે બાળકો બાજરીના રોટલા નથી ખાતા તેમના માટે આ ઉત્તમ વાનગી છે.





