Lack Of Sleep Side Effects | નવરાત્રી શરૂ છે આજે ચોથું નોરતું છે, નવરાત્રી (Navratri) માં ગરબા રમવાનું ખુબજ મહત્વું છે. ઘણા લોકો નવરાત્રીમાં 9 દિવસ ગરબા કરે છે, જાગે છે ઉજાગરા કરે છે જેથી તેમની ઊંઘ પુરી થતી નથી, પરંતુ શું તમે જાણો છો કે અપૂરતી ઊંઘ તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ આહાર અથવા કસરતના અભાવ જેટલી જ હાનિકારક છે?
ઊંઘ શરીર અને મન બંને માટે જરૂરી છે. સતત ઊંઘનો અભાવ ડાયાબિટીસ, સ્થૂળતા, નબળી રોગપ્રતિકારક શક્તિ, સ્કિનની સમસ્યાઓ અને હૃદય રોગનું જોખમ વધારી શકે છે.
અપૂરતી ઊંઘના કારણે થતા નુકસાન
- ઊંઘનો અભાવ : બ્લડ સુગરના સ્તરને અસર કરી શકે છે, જે ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે.
- વજન વધવું: જ્યારે તમને ઊંઘ ઓછી આવે છે, ત્યારે ભૂખ લાગવાનું હોર્મોન ઘ્રેલિન વધે છે અને તૃપ્તિ લાગવાનું હોર્મોન લેપ્ટિન ઘટે છે. પરિણામે તમે વધુ ખાઓ છો અને વજન ઝડપથી વધે છે.
- રોગ પ્રતિકારક શક્તિ ઘટે : તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે, જેના કારણે તમને બીમાર પડવાની શક્યતા વધી જાય છે.
- સ્કિનની સમસ્યા : ઊંઘનો અભાવ ખીલ, કરચલીઓ અને ડાર્ક સર્કલમાં વધારો કરી શકે છે. સ્કિન પણ તેની ચમક ગુમાવે છે.
- મગજ પર અસરો: ઘણા અભ્યાસો અનુસાર, એક રાતની ઓછી ઊંઘ પણ ટાઉ પ્રોટીનમાં વધારો કરી શકે છે, જે અલ્ઝાઇમર જેવા મગજના રોગોનું માર્કર છે.
ઉપ્સલા યુનિવર્સિટીના તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે માત્ર ત્રણ રાતની ઓછી ઊંઘ લોહીમાં 16 પ્રોટીન વધારે છે જે હૃદય રોગનું જોખમ વધારે છે. આમાં બળતરા અને તણાવ સાથે સંકળાયેલા પ્રોટીનનો સમાવેશ થાય છે.
શું ધ્યાન રાખવું?
નિયમિત સમયે સૂઈ જાઓ અને ઉઠો. રૂમ શાંત, ઠંડો અને અંધારું રાખો. સૂવાના સમયે ઓછામાં ઓછા એક કલાક પહેલાં ટીવી, મોબાઇલ અને લેપટોપનો ઉપયોગ બંધ કરો. સાંજે, ચા, કોફી, એનર્જી ડ્રિંક્સ, કેફીન અને આલ્કોહોલ ટાળો. સૂતા પહેલા ધ્યાન, યોગ અથવા લાઇટ સ્ટ્રેચિંગનો અભ્યાસ કરો.