તાજેતરના કેસ સ્ટડીમાં સામે આવ્યું છે કે કબૂતરના પીંછા અને પક્ષીઓની ડ્રોપિંગ્સ (મળમૂત્ર)સાથે લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ગંભીર સ્વાસ્થ્ય જોખમો થઇ શકે છે. પૂર્વ દિલ્હીના એક 11 વર્ષના છોકરાને પક્ષીના મળમૂત્ર સાથે લાંબા સમય સુધી સંપર્ક કર્યા પછી જીવલેણ એલર્જી થઇ હતી. બાળકને શરૂઆતમાં સામાન્ય ઉધરસ હતી ત્યારબાદ સ્થિતિ ઝડપથી બગડવા લાગી હતી જેના કારણે કબૂતરના પ્રોટીનથી થતા હાયપર સેન્સટીવ ન્યુમોનાઈટીસનું નિદાન થયું હતું.
હાયપર સેન્સટીવ ન્યુમોનાઇટિસ શું છે?
હાયપર સેન્સટીવ ન્યુમોનાઈટીસ ફેફસાંની બળતરા સ્થિતિ છે જે શ્વાસમાં લેવાયેલા કાર્બનિક કણો અથવા અમુક રસાયણો પ્રત્યે પ્રતિરક્ષા પ્રતિભાવને કારણે થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ એલર્જનમાં શ્વાસ લે છે, ત્યારે તેની રોગપ્રતિકારક શક્તિ પ્રતિક્રિયા આપે છે, જે એલ્વિઓલી (ફેફસામાં હવાની નાની કોથળીઓ) ની બળતરા તરફ દોરી જાય છે.
તેનું જોખમ કોને રહે છે?
જે વ્યક્તિ પક્ષીઓ અથવા પ્રાણીઓ સાથે લાંબા સમય સુધી હોઈ તેઓને સમસ્યા થઇ શકે છે. મોલ્ડ, ફૂગ અથવા અમુક રસાયણોના ઉચ્ચ સંપર્ક સાથે વાતાવરણમાં કામ કરતા લોકો, જેમ કે ખેડૂતો, અનાજ કોઠારમાં કામ કરતા લોકો અને લાકડા અથવા કાગળના ઉદ્યોગોમાં કામ કરતા લોકોને સમસ્યા થઇ શકે છે.
એલર્જી અથવા અસ્થમાનો ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓમાં શ્વાસમાં લેવાયેલા એલર્જન પ્રત્યે સેન્સિટિવિ વધી શકે છે.
કારણ શું છે?
હાયપર સેન્સિટિવ ન્યુમોનાઇટિસ વાયુજન્ય પદાર્થોના વારંવાર સંપર્કમાં આવવાથી થાય છે.
- પક્ષીઓની ડ્રોપિંગ્સ (મળમૂત્ર) અને પીછાઓ (ખાસ કરીને કબૂતરો)
- ફૂગ
- પ્રાણીઓની ડેડબોડી
- અમુક બેક્ટેરિયા
- કામના સ્થળે રસાયણો
લક્ષણો શું છે?
HP (હાયપર સેન્સટીવ ન્યુમોનાઈટીસ) ના લક્ષણો પ્રકાર (એક્યુટ, સબએક્યુટ અથવા ક્રોનિક) ના આધારે બદલાઈ શકે છે.
આ પણ વાંચો: Diabetes Diet Tips: ડાયાબિટીસ દર્દીઓ માટે ઝેર છે આ 3 સફેદ ચીજ, બ્લડ સુગર લેવલ ઝડપથી વધશે
એક્યુટ એચપીમાં લક્ષણો વધી શકે છે જેમ કે,
- તાવ
- શરદી
- ઉધરસ
- શ્વાસ લેવામાં તકલીફ
- સ્નાયુઓમાં દુખાવો
- થાક લાગવો
સબએક્યુટ એચપી: લક્ષણો વધુ ધીમે ધીમે વિકાસ પામે છે, અઠવાડિયાથી મહિનાઓમાં તે નીચે પ્રમાણે વધી શકે છે,
- ઉધરસ આવવી
- શ્વાસ લેવામાં તકલીફ
- થાક લાગવો
- ભૂખ ન લાગવી
- વજન ઘટવું
ક્રોનિક એચપીના લક્ષણો
- સતત ઉધરસ
- શ્વાસમાં તકલીફ
- થાક લાગવો
- વજન ઘટવું
- આંગળીઓના નખમાં વિકૃતિ (ગંભીર કિસ્સાઓમાં)





