Punjabi Kadhi Pakora Recipe : કઢી ભારતની પ્રખ્યાત વાનગી છે. કઢી દેશના જુદા જુદા ભાગોમાં અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. પરંતુ પંજાબી કઢી અન્ય પ્રાદેશિક કઢીથી અલગ હોય છે. તે ઘટ્ટ અને મલાઇદાર હોય છે, જ્યારે અન્ય રાજ્યોની કઢી થોડી પાતળી હોય છે. તેમાં મસાલાનું મિશ્રણ પણ અલગ હોય છે. પકોડા બનાવવા અને દહીંમાં વિવિધ મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો સ્વાદ પણ અદભૂત હોય છે. ઉત્તર ભારતમાં તે ખૂબ પસંદ આવે છે.
પંજાબી કઢી પકોડા બનાવવા માટે સામગ્રી
- દહીં : 250-350 ગ્રામ
- બેસન : 100-150 ગ્રામ
- હળદર : એક ચમચી
- ગરમ મસાલા પાવડર : એક ચમચી
- લાલ મરચું પાવડર : 1 ચમચી
- ડુંગળી : ત્રણ નંગ
- અજમો : એક ચમચી
- હીંગ : એક ચપટી
- મીઠું: સ્વાદ અનુસાર
પંજાબી કઢી પકોડા બનાવવાની રીત
એક બાઉલમાં દહીં લો અને તેને સારી રીતે ફેટી લો, જ્યાં સુધી તે ચકણું ન થાય. પછી તેમાં ચણાનો લોટ, લાલ મરચું પાવડર, હળદર, ગરમ મસાલા પાવડર અને મીઠું ઉમેરો. આ પછી, થોડું પાણી ઉમેરો અને તેને સારી રીતે હલાવો, જેથી કોઈ ગઠ્ઠો ન થાય.
આ દરમિયાન, એક બાઉલમાં પાતળી કાપેલી ડુંગળી ઉમેરો. અજમો, ગરમ મસાલા, લાલ મરચાં, ચણાનો લોટ અને મીઠું ઉમેરો અને થોડી વાર માટે છોડી દો. પછી જરૂર મુજબ પાણી ઉમેરો અને જાડા ખીરું બનાવો. આ પછી, પકોડા બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરો. હવે તેલમાં ભજીયા તળો. ભજીયા બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી તળવા.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો, તેમા જીરું, મેથીના દાણા, એક ચપટી હિંગ અને મીઠા લીમડાના પાનનો તડકો લગાવો. ત્યાર બાદ કાપેલી ડુંગળી, આદુ, અને લીલા મરચા સાંતળી લો. હવે તેમા ફેંટેલું દહીં ઉમેરો, તેને 10 થી 15 મિનિટ સુધી મધ્યમ તાપે કઢી ઉકળવા દો. કઢી બરાબર ઉકળી જાય પછી ચણાના લોટના ભજીયા નાંખો. કઢીને 5 મિનિટ સુધી ઉકળવા દો. આ રીતે પંજાબી કઢી પકોડા તૈયાર થઇ જશે. પંજાબી કઢી પકોડા ગરમા ગરમ રોટલી, બાજરી કે મકાઇ સાથે ખાવાની મજા પડશે. કઢી સાથે ભાત પણ ખાઇ શકાય છે.





