Rajasthan Besan Gatta Sabji Recipe In Gujarati : લીલું લસણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. શિયાળામાં લીલું લસણ ખાવાથી શરીરને ગરમી મળે છે અને એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. લીલા લસણ માંથી ઘણી વાનગી બને છે જેમ કે લીલા લસણની ચટણી, થેપલા, લસણ અને ઘણી સબ્જીમાં ઉમેરીને સેવન કરી શકાય છે. અહીં લીલા લસણથી ભરપૂર રાજસ્થાની બેસન ગટ્ટાનું શાક કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવવાની રેસીપી આપી છે.
રાજસ્થાની બેસન ગટ્ટાનું શાક બનાવવા માટે સામગ્રી
- લીલું લસણ : 1 વાટકી
- ચણાનો લોટ : 1 વાટકી
- લીલી મેથી : 1/2 વાટકી
- જીરું : 2 ચમચી
- અજમો : 2 ચમચી નાની
- લાલ મરચું પાઉડર : 2 ચમચી
- હળદર પાઉડર : 2 ચમચી
- ગરમ મસાલો : 1 ચમચી
- ધાણા જીરું પાઉડર : 1 ચમચી
- કોથમીર : 1/2 વાટકી
- લીલા મરચા : 5 નંગ
- ટામેટા : 1 નંગ
- ડુંગળી : 1 નંગ
- આદુ : 1 નાનો ટુકડો
- બેકિંગ સોડ : 1 ચમચી નાની
- પાણી : બાફવા માટે
- તેલ : 4 ચમચી
લીલા લસણથી ભરપૂર રાજસ્થાની બેસન ગટ્ટાનું શાક બનાવવાની રીત
બેસનના ગટ્ટા બનાવો
એક વાસણમાં ચણાનો લોટ લો. તેમા ઝીણી સમારેલી લીલું લસણ અને લીલી મેથીની ભાજી, અજમો, જીરું, વિવિધ મસાલા અને બેકિંગ સોડા ઉમેરો, પછી બધી સામગ્રી સારી મિક્સ કરો. હવે પાણી ઉમેરી નરમ લોટ બાંધો.
બેસન ગટ્ટા બાફો
ચણાના લોટમાંથી ગોળ લાંબા ગટ્ટા બનાવો. હવે એક વાસણમાં પાણી ગરમ કરો, પછી બેસનના ગટ્ટા 10 થી 12 મિનિટ સુધી બાફો. ગટ્ટા બહુ બફાય નહીં તેનું ધ્યાન રાખો. ગટ્ટા બાફેલા ગરમ પાણીને ફેંકશો નહીં. આ પાણી શાકનો રસો કરવામાં કામ લાગશે.
સબ્જીનો મસાલો તૈયાર કરો
મિક્સ જારમાં ટામેટા, ડુંગળી, લીલું ચલણ, આદું, કોથમીર. લીલા મરચા મસાલાની પેસ્ટ બનાવો. તેમાં સહેજ પાણી ઉમેરી શકાય છે. હવે ગેસ ચાલુ કરી એક કઢાઇમાં 4 થી 5 ચમચી તેલ ગરમ કરો. તેમા જીરું અને સુકા આખા લાલ મરચાનો તડકો લગાવો. હવે ટામેટા મરચાની પેસ્ટ 3 થી 4 મિનિટ ફ્રાય કરો. હવે લાલ મરચું પાઉડર, હળદર અને ધાણા જીરું પાઉડર ઉમેરો. મસાલા માંથી તેલ છુંટુ પડવા લાગે ત્યાં સુધી મસાલાને ફ્રાય કરો.
આ પણ વાંચો | શુગર ફ્રી ગાજર હલવો રેસીપી, ખાંડ અને ગોળ વગર આ રીતે બનાવો, ડાયાબિટીસ દર્દી માટે ઉત્તમ
બેસન ગટ્ટા ઉમેરો
મસાલો ફ્રાય થાય એટલે બેસન ગટ્ટા અને જરૂરિયાત મુજબ ગરમ પાણી ઉમેરો. સબ્જીને 5 થી 7 મિનિટ રંધાવા દો. બેસન ગટ્ટાની સબ્જી સહેજ ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો. છેલ્લે બેસન ગટ્ટા સબ્જીમાં લીંબુનો રસ અને લીલા કોથમીરના પાન ઉમેરો. લીલા લસણથી ભરપૂર કાઠિયાવાડી સ્ટાઇલની રાજસ્થાની બેસન ગટ્ટાની સબ્જી ગરમાગરમ બાજરીના રોટલા, મકાઇના રોટલા કે પરાઠા સાથે સર્વ કરો.
રેસીપી ટીપ્સ : બેસન ગટ્ટા સબ્જીને વધુ ટેસ્ટી બનાવવા તેમા મોળું દહીં પણ ઉમેરી શકાય છે. જો કે સબ્જી ઠંડી થયા બાદ જ દહીં ઉમેરવું.





