Rath Yatra Special Khichdi Recipe: ઓડિશાના પુરીની ભગવાન જગન્નાથની રથયાત્રા દુનિયાભરમાં પ્રસદ્ધ છે. દર વર્ષે અષાઢ સુદ બીજ તિથિ પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, જેના દર્શન કરવા દેશ વિદેશમાંથી લાખો કરોડો લોકો આવે છે. આ મંદિરમાં ભગવાનની પરંપરાગત શાસ્ત્રો વિધિથી પૂજા પાઠ થાય છે અને નૈવેધ ધરાવાય છે. ભગવાન જગન્નાથને દરરોજ સવાર અને સાંજ ખીચડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. તેમાય રથયાત્રાના દિવસે આ ખીચડીનું મહત્વ વધી જાય છે. ભક્તો ખીચડીનો પ્રસાદ મેળવવા લાંબી લાઇનોમાં કલાકો સુધી ઉભા રહે છે.
પુરીના પ્રસિદ્ધ મંદિરમાં ભગવાન જગન્નાથ તેમના મોટાભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. અહીં જગન્નાથને ખીચડીનો ભોગ ધરાવાય છે. આ ખીચડી ઓડિશાની પરંપરાગત રીતે બનાવવામાં આવે છે. અહીં ઓડિશા સ્ટાઇલમાં ખીચડી બનાવવાની રેસીપી આપી છે. આ રથયાત્રા પર ઘરે ખીચડી બનાવી ભગવાન જગન્નાથજીને પ્રસાદમાં ધરાવી શકાય છે.
ઓડિશા સ્પેશિયલ ખીચડી બનાવવા માટે સામગ્રી
- 1 કપ – ચોખા
- 1/2 કપ – મગ દાળ
- 2 ચમચી – ઘી
- 1 ચમચી – જીરું
- 3 નંગ – તમાલ પત્ર
- 1 નંગ – દાલચીની
- 2 નંગ – લવિંગ
- 1 નંગ – આદું
- 4 કપ – પાણી
- મીઠું સ્વાદ અનુસાર
Odisha Style Khichdi Recipe : ઓડિશા સ્પેશિયલ ખીચડી બનાવવાની રીત
- સૌથી પહેલા ગેસ ચાલુ કરી એક કડાઇમાં મગ દાળ શેકી લો. મગ દાળનો રંગ સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાની છે. દાળ શેકાયા બાદ પાણીમાં બરાબર ધોઇ નાંખો
- આ દરમિયાન ચોખા પાણીમાં બરાબર ધોઇને બાજુ રાખી મૂકો
- હવે ગેસ ચાલુ એક એક કડાઇમાં ઘી ઓગાળો. તેમા જીરું, તમાલ પત્ર, આદું, લવિંગ અને દાલચીનીનો તડકો લગાવો, જ્યાં સુધી મસાલાની સુગંઘ ન આવે ત્યાં સુધી સાંતળી લો
- ત્યાર પછી કડાઇમાં ચોખા અને દાળ સાથે 4 કપ પાણી રેડી ગેસ પર મધ્યમ તાપ પર પકવવા દો
- ચોખા અન દાળ બરાબર બફાઇ બધું પાણી શોષાઇ ન જાય ત્યાં સુધી ખીચડી પકવવા દો
- ભગવાન જગન્નાથના પ્રસાદ માટે ઓડિશા સ્પેશિયલ ખીચડી તૈયાર છે
- ભગવાન જગન્નાથને ખીચડી સાથે દાલમા કે શાક પીસવામાં આવે છે
- ભગવાન જગન્નાથને ભોગ ધરાવતી વખતે તુલસી પાન મુકવાનું ભુલશો નહીં.