Sadhguru Heart Attack Prevent Tips : હૃદય આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે, જ્યાં સુધી તે ધબકે છે, આપણે શ્વાસ લઈએ છીએ અને જીવંત છીએ. શરીરના આ મહત્વપૂર્ણ અંગની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે આહારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. રેડ મીટ અને પ્રોસેસ્ડ મીટનું સેવન હૃદયના સ્વાસ્થ્યને બગાડી શકે છે. આ ખાદ્યચીજોમાં વધારે સ્ટેચ્યુરેટેડ ફેટ હોય છે, જેનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે અને હૃદય રોગનું જોખમ વધે છે.
હૃદયને સ્વસ્થ રાખવાનો અર્થ છે હૃદય સંબંધિત બીમારીઓથી બચવું. જો ખાસ આહાર લેવામાં આવે તો હાર્ટ એટેકથી કાયમ માટે બચી શકાય છે. સદગુરુ જગ્ગી વાસુદેવના જણાવ્યા અનુસાર, જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો દરરોજ પૂરતું પાણી પીવો. સદગુરુના કહેવા પ્રમાણે, જો લોકો દરરોજ પૂરતું પાણી પીવે તો દુનિયામાંથી હાર્ટ એટેકનો અંત આવશે. ચાલો જાણીએ કે ખાણીપીણીમાં પાણીનું સેવન કેવી રીતે હાર્ટ એટેકથી બચાવે છે.
પાણી હાર્ટ એટેકને કેવી રીતે અટકાવે છે?
પાણી હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. જ્યારે આપણા શરીરમાં પૂરતું પાણી નથી હોતું ત્યારે તે હૃદયને ઘણું નુકસાન પહોંચાડે છે. સદગુરુના મતે પાણીનો અર્થ માત્ર સામાન્ય પાણી નથી. તમારા શરીરમાં પાણીના પ્રમાણને સંતુલિત કરવા માટે, તમારા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરો જેમાં પુરતા પ્રમાણમાં પાણી હોય.
જો તમે ફળ ખાઓ છો, તો તેમાં લગભગ 90 ટકા પાણી હોય છે. શાકભાજી અને અન્ય ખાદ્યચીજોમાં 70 ટકા પાણી હોય છે. તમારા ખોરાકમાં ઓછામાં ઓછું 70 ટકા પાણી હોવું જોઈએ.
જો તમે ખૂબ ઓછા પાણી વાળું ખોરાક જમો છો, તો તે તમારા પેટમાં પથ્થરની જેમ જામી જાય છે. જો તમે આવો ખોરાક ખાધા પછી પુષ્કળ પાણી પીશો તો પણ તે તમને મદદ કરશે નહીં. તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે તમારે એવી વસ્તુઓ ખાવી જોઈએ જેમાં પુષ્કળ પાણી હોય. તમારા ખોરાકમાં પાણીનું પ્રમાણ ઓછામાં ઓછું તમારા શરીરમાં રહેલા પાણીના પ્રમાણ જેટલું હોવું જોઈએ.
તમે જે પણ ખાદ્યચીજોનું સેવન કરો છો, તેમાં ઓછામાં ઓછું 70 ટકા પાણી હોવું જોઈએ. ફળો અને શાકભાજીનું સેવન તમારા શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરશે અને તમારું હૃદય સ્વસ્થ રહેશે.
સદગુરુએ જણાવ્યું કે, જ્યારે પણ તરસ લાગે ત્યારે પાણી પીવું જોઈએ. શરીરને પાણીની જરૂર હોય છે ત્યારે શરીરને ખાસ રીતે સિગ્નલ આપે છે. તમારે 20 મિનિટ અથવા અડધા કલાકમાં પૂરતું પાણી પીવું જોઈએ. જો તમે પૂરતું પાણી પીઓ છો, તો તમારું શરીર નક્કી કરશે કે કેટલું પાણી જાળવી રાખવું અને કેટલું દૂર કરવું.
આ પણ વાંચો | 11 વર્ષની વયે યોગ કરનાર જગ્ગી વાસુદેવ કેવી રીતે સદગુરુ બન્યા, જાણો યોગમાંથી આધ્યાત્મિકતા તરફ જવાની તેમની સફર
પાણીથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે – સંશોધનમાં દાવો
યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ રિપોર્ટ મુજબ, જ્યારે શરીર સારી રીતે હાઇડ્રેટેડ રહે છે, ત્યારે હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. અભ્યાસ મુજબ, શરીરને હાઇડ્રેટ રાખવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે.