સૂકી દ્રાક્ષ ટેસ્ટની સાથે સાથે હેલ્થ માટે પણ બેસ્ટ છે. ઉનાળામાં પાણીમાં પલાળેલી સૂકી દ્રાક્ષનું સેવન કરવું ઘણું ફાયદાકારક રહે છે. સૂકી દ્રાક્ષ એ ખૂબ જ શક્તિશાળી પૌષ્ટિક ડ્રાયફ્રુટ છે. તેમાં ઘણા પ્રકારના વિટામીન, ખનિજ તત્વો અને ફાઈબર હોય છે. સૂકી દ્રાક્ષ શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. જો કે તેમાં ઘણી બધી સુગર હોય છે, પરંતુ આ સુગર વધારે નુકસાન પહોંચાડતી નથી.
સૂકી દ્રાક્ષ પુષ્કળ આયર્ન હોય છે જે આપણા શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરે છે. જો તમે સૂકી દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે તેનું સેવન કરો તો તેના ફાયદાઓ અનેકગણો વધી જાય છે. સૂકી દ્રાક્ષના નિયમિત સેવનથી પાચનશક્તિ વધે છે અને વજન ઘટાડવામાં પણ રામબાણ સાબિત થઈ શકે છે. હેલ્થલાઈનના સમાચાર મુજબ પોષક તત્વોથી ભરપૂર સૂકી દ્રાક્ષનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી શરીરને ક્યા – ક્યા ફાયદાઓ થાય છે.
સૂકી દ્રાક્ષના સેવનથી થતા ફાયદાઓ
શરીરમાં લોહનું પ્રમાણ વધારે
સૂકી દ્રાક્ષને આખી રાત પલાળીને સવારે તેનું સેવન કરવાથી તેમાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ વધી જાય છે. સૂકી દ્રાક્ષમાં આયર્ન અને વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે. આ જ કારણસર કિસમિસ લોહીમાં આરબીસી વધારવામાં મદદ કરે છે. જ્યારે લોહીમાં આરબીસીની સંખ્યા વધે છે, ત્યારે લોહીનું પ્રમાણ પણ વધશે અને તેની સાથે સાથે હિમોગ્લોબિન પણ વધે છે, જેનો અર્થ છે કે લોહીમાં વધુ ઓક્સિજન હશે. તેનાથી શરીરના દરેક અંગ સુધી લોહી યોગ્ય રીતે પહોંચશે અને નસોમાં તાકાત આવશે. તેથી જ એનિમિયામાં કે લોહીની ઉણય હોય ત્યારે સૂકી દ્રાક્ષનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
પાચનક્રિયાને મજબૂત બનાવે
સૂકી દ્રાક્ષના પાણીનું નિયમિત સવારે સેવન કરવાથી કબજિયાત, એસિડિટી અને થાકમાં રાહત મળે છે. કિસમિસમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે, જ્યારે સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળવામાં આવે છે, ત્યારે તે નેચરલ લેક્સેટિવ બની જાય છે. એટલે કે તે પેટને લગતી તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે.
બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખે
સૂકી દ્રાક્ષમાં પોટેશિયમની પણ ભરપૂર માત્રા હોય છે. તે શરીરમાં મીઠા / સોલ્ટનું પ્રમાણ સંતુલિત કરીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. સૂકી દ્રાક્ષનું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ સામાન્ય થઈ જાય છે. તે તમારા શરીરમાં ટ્રાઇગ્લિસરાઈડ્સનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. જે લોકોનું બીપી હાઈ હોય અથવા બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી રહ્યું હોય તેવા લોકોએ સૂકી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ.
હાડકાં બનાવે મજબૂત
હાડકાંઓને મજબૂત બનાવવા માટે બોરોનની જરૂર હોય છે. પાણીમાં પલાળેલી સૂકી દ્રાક્ષમાં ભરપૂર પ્રમાણમાં બોરોન હોય છે જે હાડકાંની તંદુરસ્તી માટે સારું રહે છે. ઉપરાંત સૂકી દ્રાક્ષમાં કેલ્શિયમ અને ઘણા પ્રકારના મઇક્રોન્યૂટેંટ્સ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
આ પણ વાંચોઃ યોગ દર્શન : ‘નૌકાસન’થી પેટની ચરબી ઘટશે અને પાચનતંત્ર મજબૂત બનશે
રોગપ્રતિકારક શક્તિ વધારે
કિસમિસમાં વિટામિન બી અને વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં એન્ટી – ઇંફ્લામેટરી ગુણ પણ હોય છે જે શરીરને બળતરાથી બચાવે છે. ઉપરાંત તેમાં એન્ટી-બેક્ટેરિયલ પણ હોય છે જે કોઈપણ પ્રકારના ચેપ સામે રક્ષણ આપે છે.