/indian-express-gujarati/media/media_files/2025/12/26/kumbhaniya-bhajiya-recipe-in-gujarati-2025-12-26-12-39-50.jpg)
Kumbhaniya Bhajiya Recipe In Gujarati : કુંભણીયા ભજીયા બનાવવાની રીત. Photograph: (nehascookbook.com)
Kumbhaniya Bhajiya Recipe In Gujarati : સુરતના કુંભણીયા ભજીયા પ્રખ્યાત વાનગી છે. શિયાળાની ઠંડીમાં ગરમાગરમ કુંભણીયા ભજીયા ખાવાની મજા પડે છે. લગ્ન પ્રસંગો અને વાડીમાં કુંભણીયા ભજીયાની પાર્ટી યોજાય છે. અહીં લીલા લસણથી ભરપૂર કુંભણીયા ભજીયા બનાવવાની ખાસ રીત આપી છે. સૌથી ખાસ વાત આ કુંભણીયા ભજીયા બેકિંગ સોડા વગર નરમ અને ક્રિસ્પી બને છે. જે ખજૂર આમલી અને ગોળની ચટણી સાથે ખાઇ શકાય છે.
Kumbhaniya Bhajiya : કુંભણીયા ભજીયા બનાવવા માટે સામગ્રી
- લીલું લસણ : 250 ગ્રામ
- વઢવાણી મરચા : 250 ગ્રામ
- લીલી કોથમીર : 2 કપ
- આદું : 2- 3 ચમચી
- ચણાનો લોટ : 2 કપ
- લીલુંનો રસ : 1 ચમચી
- મીઠું : સ્વાદ અનુસાર
- પાણી : જરૂર મુજબ
Kumbhaniya Bhajiya Recipe : કુંભણીયા ભજીયા બનાવવાની રીત
સૌથી પહેલા લીલી લસણ, વઢવાણી લીલા અને લાલ મરચા તેમજ લીલી કોથમીરને પાણીમાં સારી રીતે ધોઇ લો. પછી તેને ઝીણી બારીક કાપી લો. હવે એક વાસણમાં સમારેલું લીલી લસણ, મરચા, લીલી કોથમીર અને ખમણેલું આદું નાંખો. પછી તેમા 1 ચમચી મીઠું અને લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. આ બાઉલ ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. આ દરમિયાન તેમાથી પાણી છુંટું પડશે.
હવે બાઉલમાં ચણાનો લોટ ઉમેરો. પછી બધી સામગ્રીને બરાબર મિક્સ કરો. હવે ધીમે ધીમે થોડુંક પાણી ઉમેરી ભજીયા માટે સહેજ જાડું ખીરું તૈયાર કરો. એક વાતનું ધ્યાન કુંભણીયા ભજીયાનું ખીરું બહુ પાતળું રાખવાનું નથી, તેથી જરૂર મુજબ જ પાણી ઉમેરવું
ગેસ ચાલુ કરી એક કઢાઇમાં તેલ ગરમ કરો. પછી ભજીયાનું ખીરું હાથમાં લઇ તેલમાં નાના નાના ભજીયા મૂકો. ભજીયા મૂકવા ચમચીનો પણ ઉપયોગ કરી શકાય છે. મીડિયમ તાપે કુંભણીયા ભજીયા સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. કુંભણીયા ભજીયા તેલમાં બરાબર તળી જાય પછી તેને બટર પેપર મૂકો. જેથી વધારાનું તેલ શોષાઇ જશે.
ખજૂર આમલી ગોળની ચટણી બનાવવાની રીત
- ખજૂર : 1 કપ
- આમલી : 1/2 કપ
- ગોળ : 1/2 કપ
- તજ પાઉડર : 1 ચમચી
- શેકેલું જીરું પાઉડર : 1 ચમચી
- વરિયાળી પાઉડર : 1 ચમચી
- ધાણા પાઉડર : 1 ચમચી
- લાલ મરચું પાઉડર : 1 ચમચી
- સૂંઠ પાઉડર : 1/2 ચમચી
- મીઠું : સ્વાદ મુજબ
એક વાસણમાં ગોળ, આમલી અને ખજૂરને પાણી સાથે 30 મિનિટ સુધી પલાળી રાખો. ત્યાર બાદ હાથ વડે ખજૂર અને આમલીને મસળી લો. આમલી ગોળ વાળા પાણીને એક બીજા વાસણ ગાળી લો. પછી તેમા 1 -1 ચમચી તજ પાઉડર, શેકેલું જીરું પાઉડર, વરિયાળીનું પાઉડર, ધાણા પાઉડર, લાલ મરચું પાઉડર, અડધી ચમચી સુંઠ પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું નાંખો. ચટણીને બરાબર મિક્સ કરો. આ ખજૂર, આમલી અને ગોળની ચટણી કુંભણીયા ભજીયા સાથે ખાવાની મજા પડશે. જો તમારી પાસે વધારે સમય ન હોય તો તેને ગેસ પર ઉકાળીને પણ ચટણી બનાવી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us