Actor Abhinay Kinger dies at 44 Due Liver Infection : પ્રખ્યાત તમિલ ફિલ્મ અભિનેતા અભિનય કિંગરનું સોમવારે સવારે 44 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી લીવરની ગંભીર બીમારીથી પીડાતા હતા. તેમના નિધનના સમાચારથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ચાહકો અને ઘણા સેલેબ્સ સોશિયલ મીડિયા પર તેમને યાદ કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
લીવર શું કામ કરે છે
લીવર એ આપણા શરીરનું સૌથી અગત્યનું, મહેનતુ અને બીજું સૌથી મોટું અંગ છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરે છે, બ્લડ સુગરને નિયંત્રિત કરે છે અને પાચનમાં મદદ કરવા માટે પિત્ત બનાવે છે. આ સાથે જ લીવર શરીર માટે 500થી વધુ કાર્યો કરે છે. આવી સ્થિતિમાં લીવર સ્વસ્થ અને સક્રિય રહેવું ખૂબ જ જરૂરી છે. જો તેનું કાર્ય બગડે છે, તો તે શરીરના લગભગ દરેક ભાગને અસર કરે છે.
2023 ના ડેટા અનુસાર લીવર સંબંધિત રોગોને કારણે દર વર્ષે વિશ્વભરમાં લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે. આ સંખ્યા વૈશ્વિક સ્તરે કુલ મૃત્યુના લગભગ 4% જેટલી છે. આવી સ્થિતિમાં લીવરની સંભાળ રાખવી એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી હૃદય અથવા ફેફસાંની સંભાળ લેવી.
લીવર માટે ખરાબ ડાયેટ શું-શું છે
ખરાબ ડાયેટ લીવરના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે જેનાથી લીવરમાં ચરબી જમા થઇ શકે છે, લીવરમાં સોજો આવી શકે છે. જો આ પ્રકારનો આહાર લાંબા સમય સુધી લેવામાં આવે તો આ સ્થિતિ લીવરને ફેટી લિવર રોગ, સિરોસિસ અથવા લીવરનના કેન્સર જેવી ગંભીર બીમારીઓનો શિકાર બનાવી શકે છે.
લીવર માટે ખરાબ ખોરાકની વાત કરીએ તો આલ્કોહોલને લીવર માટે ઝેર માનવામાં આવે છે. આ સિવાય કૂકીઝ, કેક, સોડા અને મીઠા રસ જેવા અત્યંત સુગરયુક્ત ખોરાક અને પીણાં લીવરમાં ચરબી એકઠી કરે છે અને નોન-આલ્કોહોલિક ફેટી લિવર રોગનું કારણ બને છે
ફ્રેન્ચ ફ્રાઈસ, ફ્રાઈડ ચિકન, બર્ગર અને ડોનટ્સ જેવા તળેલા અને ચરબીયુક્ત ખોરાકમાં ટ્રાન્સ ફેટ વધારે હોય છે, જે લીવરમાં એકઠો થાય છે અને તેને નબળું બનાવે છે. આ ખોરાક ખરાબ કોલેસ્ટ્રોલ (એલડીએલ) વધારે છે. લાલ માંસ જેમ કે ગૌમાંસ, ડુક્કરનું માંસ, ઘેટાંનું માંસ અને પ્રોસેસ્ડ માંસ પણ લીવર માટે ખરાબ છે.
વધુ પડતા નમકીન પ્રોસેસ્ડ નાસ્તા, ડબ્બાબંધ સૂપ, ફાસ્ટ ફૂડ પણ લીવરને નુકસાન કરે છે. વધારે મીઠું સાથેના ખોરાકથી દૂર રહો. આ સિવાય રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ પણ લીવરને નુકસાન પહોંચાડે છે.
લીવરને સ્વસ્થ રાખવા માટે સવારની કેટલીક સરળ આદતો
સવારે એક્ટિવ રહેવા માટે કસરત કરો
સવારે ઉઠીને થોડું ચાલવું, જોગિંગ કરવું અથવા યોગ કરવા લીવરના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સંશોધન મુજબ, રોજની કસરત લીવરની ચરબી અને ટ્રાઇગ્લિસરાઇડ્સ બંનેને ઘટાડે છે.
નાસ્તામાં બ્લુબેરીનો સમાવેશ કરો
આહારની સીધી અસર લીવર પર પડે છે. બ્લુબેરી જેવા ફળોમાં એન્થોસાયનિન ભરપૂર હોય છે, જે ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને બળતરા સામે રક્ષણ આપે છે. સવારે નાસ્તામાં ઓટ્સ, દહીં અથવા સ્મૂધીઝમાં મુઠ્ઠીભર બ્લુબેરી ઉમેરો. તે લીવરના કોષોને સુધારવામાં અને ફેટી લીવર રોગને રિવર્સ કરવામાં મદદ કરે છે.
બ્લેક કોફી પીવો
જો તમે કોફી પીવાના શોખીન છો, તો આ તમારા લીવર માટે સારા સમાચાર છે. 2021ના એક અભ્યાસ મુજબ જે લોકો દરરોજ કોફી પીવે છે તેમને ક્રોનિક લીવર રોગનું જોખમ 21% ઓછું હોવાનું જાણવા મળ્યું છે. જોકે ધ્યાનમાં રાખો કે કોફી બ્લેક અને દૂધ-ખાંડ વગરની હોવી જોઈએ. આ પ્રકારની કોફી લીવરને ડિટોક્સિફાઇ કરે છે.
મુઠ્ઠીભર બદામ ખાઓ
સવારના મિડ સ્નેક્સમાં અખરોટ અથવા બદામ ખાવી લીવર માટે વરદાન છે. તે તંદુરસ્ત ચરબી, વિટામિન ઇ અને એન્ટીઓકિસડન્ટોના ઉત્તમ સ્રોત છે. 2019 ના એક અભ્યાસ મુજબ જે લોકોના આહારમાં દરરોજ બદામ સામેલ હોય છે તેમને નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (એનએએફએલડી) નું જોખમ નોંધપાત્ર રીતે ઓછું હોવાનું જાણવા મળ્યું છે.





