ડાયાબિટીસના દર્દીઓએ તેમના ડાયટનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. શરીરમાં સુગર લેવલને કંટ્રોલ કરવા માટે આપણે ખાણીપીણી ઉપર નિયંત્રણ રાખીયે છીએ. ઘણીવાર ડાયાબિટીસના દર્દીઓ દિવસની શરૂઆત ચા પીવાની સાથે કરે છે. પરંતુ સવાલ એ છે કે શું રોજ સવારે ખાલી પેટ ચા પીવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે?
લગભગ 10 લાખ લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે દિવસમાં ત્રણથી ચાર કપ ચા પીવાથી ડાયાબિટીસનું જોખમ 17 ટકા ઓછું થઈ જાય છે. જ્યારે એકથી ત્રણ કપ જેટલી ચા પીવાથી ડાયાબિટીસનું જોખમ ચાર ટકા સુધી ઘટી જાય છે. ચાલો જાણીએ કે કેવી રીતે દરરોજ ચા પીવાથી ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે.
શું ચા પીવાથી ડાયાબિટીસનું જોખમ ઘટે છે?
ભારતમાં ચા પીનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. મોટાભાગના લોકો સવારે ઉઠીને ખાલી પેટ ચા પીને દિવસની શરૂઆત છે. ગુરુ તેગ બહાદુર હોસ્પિટલના એન્ડોક્રિનોલોજીના પ્રોફેસર ડૉ. એસ.વી. મધુ એ ધી ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે ચા અને કોફી પીવા અંગે ઘણા વર્ષો સુધી સંશોધન કરવા છતાં નિર્ણાયક પુરાવા સામે આવ્યા નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં, ચા અને કોફીનું સેવન કરતા લોકોમાં ડાયાબિટીસનું જોખમ ઓછું હોવાનું દર્શાવતા ઘણા અભ્યાસો થયા છે.
ડૉક્ટર મધુએ કહ્યું કે, એવા કોઈ નિર્ણાયક પુરાવા નથી કે ચા અને કોફી પીવાથી ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે. નિષ્ણાતે કહ્યું કે જે વ્યક્તિ સ્વસ્થ છે અથવા પ્રી-ડાયાબિટીસ છે અને ચા અને કોફીનું સેવન કરી રહ્યા છે, તો અમે કહીશું કે તેઓ ચા અને કોફી પીવાનું ચાલુ રાખી શકે છે. ઘણા રિસર્ચમાં એવી વાત સામે આવી છે કે કોફી કે ચા પીનારાઓ લોકો જો નિયમિત કસરત કરે તો ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે.
કઈ પ્રકારની ચા સૌથી ફાયદાકારક : -
ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે ચા પીવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે કયા પ્રકારની ચા પીવાથી ડાયાબિટીસનું જોખમ ઓછું થઈ શકે છે. જો તમારે ડાયાબિટીસનું જોખમ ઓછું કરવું હોય તો ખાંડ અને દૂધવાળી ચાને બદલે ગ્રીન ટી પીવી જોઇએ.
ભારતમાં ચા દૂધ અને ખાંડ નાંખીને બનાવવામાં આવે છે. દિવસમાં ચાર વખત ખાંડવાળી ચા પીવાથી લોહીમાં સુગરનું પ્રમાણ ઝડપથી વધી શકે છે. નિષ્ણાતોના મતે, ડાયાબિટીસને કન્ટ્રોલ કરવા અથવા ડાયાબિટીસના જોખમથી બચવા માટે લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવો જોઇએ. તમારા ડાયટમાં સુધારો કરવો જોઇએ. શરીરને એક્ટિવ રાખો. તમારા ભોજનમાં પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળવું જોઇએ. ભોજન કે નાસ્તામાં મીઠાનું પ્રમાણ ઓછું કરો. સ્ટ્રેસ ન લેવું, ચિંતા કરવી નહીં, આવી રીતે તમે ડાયાબિટીસનું જોખમ ટાળી શકાય છે.