Dungaliyu Sabji Banavani Rit In Gujarati : શિયાળામાં લીલું લસણ અને લીલી ડુંગળી પુષ્કળ આવે છે. આ બંને શાકભાજી ખાવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. જો તમે દરરોજ એક જ પ્રકારની સબ્જી ખાઇને કંટાળી ગયા છો, તો તમારે મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું ટ્રાય કરવું જોઇએ. લીલા લસણ સાથે લીલી અને સુકી ડુંગળીનું કોમ્બિનેશન અદભુત સ્વાદ આપે છે. ડુંગળીયું ઓછી સામગ્રીમાં સરળતાથી બની જાય છે. અહીં ડુંગળીયું બનાવવાની રીત આપી છે, જે તમારે ઘરે જરૂર ટ્રાય કરવી જોઇએ.
ડુંગળીયું બનાવવા માટે સામગ્રી
- તેલ : 4 ચમચી
- રાઇ : 1 ચમચી
- જીરું : 1 ચમચી
- હિંગ : 1 નાની ચમચી
- ડુંગળી : 2 વાટકી
- લીલી ડુંગળી : 2 વાટકી
- લીલું લસણ : 2 વાટકી
- ટામેટા : 1 નંગ
- આદુ, લસણ, લીલા મરચાની પેસ્ટ : 1 વાટકી
- લાલ મરચું પાઉડર : 2 ચમચી
- અથાણાનો મસાલો : 2 ચમચી
- હળદર પાઉડર : 1 ચમચી
- ધાણા જીરું પાઉડર : 1 ચમચી
- મીઠું : સ્વાદ અનુસાર
- પાણી : જરૂર મુજબ
- સીંગદાણાનો ભુક્કો : 1/2 વાટકી
- પાપડીનો ભુક્કો : 1/2 વાટકી
- કાજુ : 1/2 કપ
- ગોળ : 1 ચમચી
- દહીં : 1 વાટકી
Dungaliyu Recipe In Gujarati : ડુંગળીયું બનાવવાની રીત
ડુંગળીયું બનાવવા માટે સૌ પ્રથમ સુકી ડુંગળી સહેજ મોટા કદમાં કાપીને બાજુમાં રાખી મૂકો. લીલી ડુંગળી, લીલું લસણ અને ટામેટા ઝીણા ઝીણા સમારી લો. હવે એક કઢાઈમાં 4 થી 5 ચમચી તેલ ગરમ કરો, તેમા રાઇ, જીરું અને હિંગનો તડકો લગાવો.
હવે જાડી કાપેલી ડુંગળી તેલમાં સહેજ સાંતળી લો. પછી તેમા ઝીણી કાપેલી લીલી ડુંગળી, લીલું લસણ અને ટામેટાને ઉમેરો, પછી બધા શાકભાજીને બરાબર મિક્સ કરી કઢાઈને ઢાંકી દો. તેને 5 મિનિટ સુધી ઢાંકીને પકવવા દો.
બધા શાકભાજી નરમ થાય પછી તેમા આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ, લાલ મરચા પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો, ત્યાર પછી અડધો ગ્લાસ પાણી ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરો. ફરી કઢાઈને ઢાંકી 5 થી 7 મિનિટ સુધી પકવવા દો. શાક માંથી તેલ છુંટું પડે પછી તેમા 1 ચમચી ગોળ, સીંગદાણાનો ભુક્કો, કાજુના ટુકડા અને ચણાના લોટની પાપડીનો ભૂક્કો મિક્સ કરો. બધી સામગ્રી હલાવો અને શાકને પકવવા દો.
આ પણ વાંચો | બાજરીના વડા નહીં હવે બાજરી અપ્પે બનાવો, ઓછું તેલ અને અદભુત સ્વાદ, બાળકો હોંશે હોંશે ખાશે
હવે ગેસની આંચ ધીમી કરી શાકમાં 1 વાટકી દહીં ઉમેરો. શાકને બરાબર હલાવો. જો શાક કોરું થઇ ગયું હોય તો તેમા થોડુંક પાણી ઉમેરવું. કઢાઇને ઢાંકી 3 થી 5 મિનિટ સુધી પકવવા દો. શાક એકદમ રસાદાર બને એટલે ગેસ બંધ કરી દો. શાકમાં લીલા કોથમીરના તાજા પાન ઉમેરી સર્વ કરો. ગરમાગરમ ડુંગળીયું રોટલી, ભાખરી કે બાજરીના રોટલા સાથે ખાવાની મજા પડશે.





