Winter Special Gujarati Lili Tuvar Shak Recipe In Gujarati : શિયાળામાં લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં આવે છે. તેમા લીલી તુવેર માંથી વિવિધ પ્રકારની વાનગી બને છે, જેમ કે લીલી તુવેરની શાક, લીલવાનું કોચરી, મેથી તુવેર વગેરે. જો તમને લીલી તુવેરની વાનગી ખાવી ગમતી હોય તો તમારે સુરતી સ્ટાઇલમાં લીલવાનું શાક ટ્રાય કરવું જોઇએ. લીલી તુવેરના દાણા અને લીલા શાકભાજી માંથી બનતું લીલવાનું શાક પાલક પનીરથી પણ સ્વાદિષ્ટ લાગે છે. અહીં લીલી તુવેરનું લીલવાનું શાક બનાવવાની સરળ રીત આપી છે.
લીલવાનું શાક બનાવવા માટે સામગ્રી
- લીલી તુવેરના દાણા : 2 કપ
- કાચું ટામેટા : 1 નંગ
- પાલકના પાન : 12 થી 15 નંગ
- આદુ મરચાની પેસ્ટ : 1 ચમચી
- તમાલ પત્ર : 2 નંગ
- તજ : 1 નાનો ટુકડો
- જીરું : 1 ચમચી
- હિંગ : 1 ચમચી નાની
- લાલ મરચું પાઉડર : 2 ચમચી
- ગરમ મસાલો : 1 ચમચી
- લીંબુનો રસ : 1/2 ચમચી
- બેકિંગ સોડા – 1 ચપટી
- મીઠું : સ્વાદ અનુસાર
- ખાંડ : સ્વાદ અનુસાર
સુરતી સ્ટાઇલ લીલી તુવેરનું શાક બનાવવાની રીત : Lilva Nu Shaak Recipe
પાલક ગરમ પાણીમાં બાફો
લીલવાનું શાક સુરતી સ્ટાઇલમાં બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરો. તેમા 1 ચમચી મીઠું અને 1 ચમચી ખાંડ ઉમેરી 12 થી 15 નંગ પાલકના પાનને 3 થી 5 મિનિટ સુધી બાફો. બફાઇ ગયા બાદ ગરમ પાણીમાંથી કાઢીને પાલકના પાનને ફ્રિજના ઠંડા પાણીમાં ડુબાડો. તેનાથી પાલકના પાનનો ગ્રીન કલર જળવાઇ રહે છે. મિક્સર જારમાં બાફેલા પાલકના પાનની ઘટ્ટ પેસ્ટ બનાવી બાજુમાં રાખી મૂકો.
લીલી તુવેરના દાણા ગરમ પાણીમાં બાફો
હવે જેમા પાલકના પાન બાફયા તે જ ગરમમાં લીલી તુવેરના દાણાને 8 થી 10 મિનિટ સુધી બાફો. તુવેર દાણા સેહજ નરમ થાય ત્યાં બાફવાના રહેશે. બાફતી વખતે પાણીમાં 1 ચમચી મીઠું, 1 ચમચી બેકિંગ સોડા અને 1 ચમચી ખાંડ ઉમેરવું. તેનાથી તુવેર દાણા ઝડપથી બફાશે અને રંગ પણ લીલો રહેશે.
શાકનો મસાલો તૈયાર કરો
ગેસ ચાલુ કરી એક કઢાઇમાં 2 થી 3 ચમચી તેલ ગરમો કરો. તેમા 1 ચમચી જીરું, તલ અને હિંગનો તડકો લગાવો. પછી તેમા લીલા મરચા અને આદુને પેસ્ટ ઉમેરી બરાબર સાંતળી લો. પછી તેમા ઝીણું સમારેલું ટામેટું અને 1 ચમચી મીઠું ઉમેરી મસાલાને સાંતળી લો. લીલવાનું શાકમાં બધા શાકભાજી લીલા વાપરવાના હોવાથી સહેજ કાચા ટામેટાનો ઉપયોગ કરવો.
તુવેરના દાણા સાંતળો
મસાલા માંથી તેલ છુટું પડવા લાગે એટલે પછી તેમા બાફેલા તુવેરના દાણા સાંતળી લો. ત્યાર બાદ પાલકની પેસ્ટ, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી લાલ મરચું પાઉડર ઉમેરો. હવે 1 કપ પાણી ઉમેરી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી 5 મિનિટ સુધી પકવવા દો.
આ પણ વાંચો | કાઠિયાવાડી કાજુ લસણનું શાક, શિયાળામાં આ રીતે ઘરે બનાવો, એકદમ ઢાબા જેવો સ્વાદ આવશે
સુરતી સ્ટાઇલમાં લી તુવેરનું શાક તૈયાર
લીલવાનું શાક બની જાય એટલે તેમા છેલ્લે ચપટી ખાંડ, લીંબુનો રસ અને તાજા લીલા કોથમીરના પાન ઉમેરી ગાર્નિશ કરો. ગરમાગરમ સુરતી સ્ટાઇલમાં લીલી તુવેરનું રોટલી, ભાખરી, બાજરીના રોટલા સાથે ખાવાની મજા પડશે.





