World Hepatitis Day 2024: હિપેટાઇટિસ એક એવો રોગ છે જે આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અવયવોમાંના એક, લિવરને અસર કરે છે. હિપેટાઇટિસ વાયરલ ચેપને કારણે થાય છે. આ સાથે જ હેરાન કરનારી વાત એ છે કે દુનિયાભરમાં 35.4 કરોડથી વધુ લોકો હિપેટાઇટિસ બી અથવા હિપેટાઇટિસ સીથી પીડાય છે અને જો આ રોગની સમયસર કાળજી લેવામાં ન આવે તો તેનાથી લીવર ફેલ્યોર, સિરોસિસ અને કેન્સર જેવી ગંભીર સ્થિતિ પણ થઇ શકે છે. આ ગંભીર રોગ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 28 જુલાઈને વિશ્વ હિપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
હિપેટાઇટિસ એટલે શું? (What Is Hepatitis Disease)
આ બાબતે દિલ્હીની ધરમશિલા નારાયણ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટરોલોજીના સિનિયર કન્સલ્ટન્ટ ડો.મહેશ ગુપ્તા જણાવે છે કે, હિપેટાઇટિસ એ લિવરમાં સોજો આવવાની બીમારી છે.
ડો.ગુપ્તાના જણાવ્યા અનુસાર, ‘આપણા શરીરના જરૂરી 500થી વધુ કાર્યમાં લિવર મહત્વનો ભાગ ભજવે છે. જો કે, જ્યારે હિપેટાઇટિસની અસર થાય છે ત્યારે આ કાર્યોને અસર થવાનું શરૂ થાય છે. સાથે જ જો આ સ્થિતિનું સમયસર ધ્યાન રાખવામાં ન આવે તો તે ફાઈબ્રોસિસ, સિરોસિસ અથવા લીવર કેન્સર જેવા જીવલેણ રોગમાં ફેરવાઈ જાય છે. આવી સ્થિતિમાં, પ્રારંભિક લક્ષણો પર ધ્યાન આપવું અને હેપેટાઇટિસથી બચવા માટે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. ’
હિપેટાઇટિસના લક્ષણ (Hepatitis Symptoms)
ડો.ગુપ્તા આગળ જણાવે છે કે, ‘હિપેટાઇટિસના શરૂઆતના લક્ષણોમાં શારીરિક નબળાઈ, થાક લાગવો, ભૂખ ન લાગવી, કમળો થવો, પેશાબના રંગમાં ફેરફાર, પેટમાં દુખાવો, સોજો આવવો અને ક્યારેક હળવો તાવ આવે છે. આવી સ્થિતિમાં, જો તમને આવા લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. ’
હિપેટાઇટિસના પ્રકાર (Types Of Hepatitis)
આ પ્રશ્ન અંગે શ્રી બાલાજી એક્શન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, દિલ્હીના ગેસ્ટ્રોએન્ટેરોલોજી એન્ડ હેપેટોલોજીના સિનિયર કન્સલ્ટન્ટ ડો.સાવન બોપન્ના જણાવે છે, હિપેટાઇટિસ મોટે ભાગે વાયરલ ઇન્ફેક્શનને કારણે થાય છે. સાથે જ આ વાયરસના 5 સ્ટ્રેન છે, જેમના નામ A થી E સુધી છે. સાથે જ હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી સૌથી ખતરનાક માનવામાં આવે છે. હેપેટાઇટિસ બી અને સી ચેપગ્રસ્ત લોહીના સંપર્કમાં આવવાથી ફેલાય છે અને તેનાથી પીડિત દર્દીના યકૃતમાં ગાંઠ પણ થઇ શકે છે. જ્યારે હિપેટાઇટિસ એ અને ઇ થોડા જ સમયમાં મટી જાય છે. આ સ્ટ્રેન પાણી અને ખરાબ ખોરાક મારફતે ફેલાય છે. આ બધા ઉપરાંત આલ્કોહોલનું વધુ પડતું સેવન, ડ્રગ્સ કે ઓટોઇમ્યુન રોગો પણ હિપેટાઇટિસનું કારણ બની શકે છે. ’
હિપેટાઇટિસથી બચવાના ઉપાય (Hepatitis Prevention)
કોલકાતાની નારાયણ હોસ્પિટલના કન્સલ્ટન્ટ- ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ અને હેપેટોલોજિસ્ટ ડો.વિવેક મોહન શર્માના જણાવ્યા અનુસાર, આ ગંભીર લીવર રોગથી પોતાને બચાવવા માટે આસપાસ સ્વચ્છતા રાખવી અને ખોરાક પર ધ્યાન આપવું સૌથી મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, ખાસ કરીને બહાર બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાનું ટાળો, વધુ પડતા તળેલા અને પ્રોસેસ્ડ ફૂડ તેમજ આલ્કોહોલનું વધુ પડતું સેવન ટાળો.
આ પણ વાંચો | વેટ લોસ માટે આ સમયે પાણી પીવાથી થશે ફાયદો, કબજિયાત પણ મટશે
ઉપરાંત ડો.મોહન હિપેટાઇટિસથી રક્ષણ માટે રસીકરણને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવે છે. ખાસ કરીને નાના બાળકોને રસી આપવી જ જોઇએ. હિપેટાઈટિસના લક્ષણો પર ધ્યાન આપો અને તેમાં બેદરકારી ન દાખવો, જેવા જ તમને તેના લક્ષણો જણાય કે પછી કોઈ પરિચિત વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. ’
(Disclaimer: આ લેખમાં સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)