World Rabies Day 2025 History Significance And Theme : વિશ્વ હડકવા દિવસ દુનિયાભરમાં દર વર્ષે 28 સપ્ટેમ્બરે ઉજવાય છે.હડકવા વિશે જાગૃતિ લાવવા અને લોકોને આ જીવલેણ રોગથી બચાવવા માટે હડકવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયા અને આફ્રિકામાં હડકવાનું જોખમ સૌથી વધુ જોવા મળે છે. આજના સમયમાં હડકવાની રસી પણ ઉપલબ્ધ છે. આ દિવસ માત્ર એક તારીખ નથી પણ એક ખાસ ઉદ્દેશ્યને સમર્પિત છે – હડકવા મુક્ત દુનિયાનું સપનું. ચાલો જાણીયે વિશ્વ હડકવા દિવસનો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ
વિશ્વ હડકવા દિવસનો ઇતિહાસ : World Rabies Day 2025 History
વર્લ્ડ રેબીજ ડે ઉજવવાની શરૂઆત વર્ષ 2007માં લાયન હાર્ટ્સ ફાઉન્ડેશન અને સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનની ભાગીદારીથી થઇ હતી. 28 સપ્ટેમ્બર ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી અને માઇક્રોબાયોલોજિસ્ટ લુઇસ પાશ્ચરની પુણ્યતિથિ છે, જેમણે 1885 માં પ્રથમ હડકવાની રસી વિકસાવી હતી. આજે આ વેક્સિન પશુઓ અને મનુષ્યોના સ્વાસ્થ્ય માટે મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. તેનો ઉપયોગ મનુષ્યમાં હડકવાનું જોખમ ઘટાડી શકે છે. તેના યોગદાનને સમ્માનિત કરવા અને હડકવા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ હડકવા દિવસ ઉજવાય છે.
દુનિયાભરમાં હડકવાના 36 ટકા કેસ ભારતમાં
ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર, એશિયા અને આફ્રિકામાં આ ઝૂનોટિક રોગનું સૌથી વધુ જોખમ છે. ભારતમાં હડકવાના સૌથી વધુ કેસ છે. દુનિયાભરમાં હડકવાના 36 ટકા કેસ ભારતમાં છે. આ વર્ષે 19મો વિશ્વ હડકવા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.
World Rabies Day 2025 Theme : વિશ્વ હડકવા દિવસ થીમ
દર વર્ષે વિશ્વ હડકવા દિવસની નવી થીમ સાથે ઉજવવામાં આવે છે અને આ વર્ષની થીમ છે ‘Act Now : You, Me, Community’ – જે એક બહુ જ મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે, હડકવા રોકથામ કોઇ એક વ્યક્તિનું નામ નથી, પરંતુ તે આપણા બધાની સામૂહિક જવાબદારી છે.
કૂતરાના કરડવાથી હડકવા ફેલાય છે
ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર, હડકવાનો ચેપ લાસા વાયરસથી સંક્રમિત પ્રાણીના કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે. તે એક ઝૂનોટિક રોગ છે જે ચેપગ્રસ્ત બિલાડીઓ, કૂતરાઓ અને વાંદરાઓના કરડવાથી મનુષ્યોમાં ફેલાઈ શકે છે. તે મગજમાં બળતરા પણ પેદા કરી શકે છે. એવું માનવામાં આવે છે કે હડકવાના 99 ટકા કેસો કૂતરા માંથી માણસોમાં સંક્રમિત થાય છે, જે હડકવાથી મૃત્યુની સંખ્યામાં વધારો કરે છે.
કૂતરું કે અન્ય જાનવર કરડે ત્યારે સૌથી પહેલા આ કામ કરો
ડોક્ટર પાસે જતા પહેલા ઘા કે ઇજાન ને સાબુ અને પાણીથી સારી રીતે ધોઈ લો. ઘા પર બળતરા કરનાર ચીજ લગાવવાનું ટાળો. લોહી સાથે વાયરસ બહાર આવશે એમ વિચારીને વધુ પડતું લોહી ન નીકાળવું. ઉપરાંત, ઘા હોય ત્યાં ટાંકા લેવા નહીં. આમ કરવાથી વાયરસ નસ માંથી થઇ કરોડરજ્જુ સુધી જઈ શકે છે. તેની સારવાર એક મહિના સુધી કરવી પડે છે. સારવાર દરમિયાન સાવચેતી રાખવી, કોઈપણ પ્રકારનો નશો કરવો નહીં. ડોક્ટરની સલાહ બાદ જ હડકવા વિરોધી રસી લેવી જોઈએ. જો તમને હડકવાથી ચેપગ્રસ્ત કૂતરું કરડે, તો તાત્કાલિક યોગ્ય સારવાર શરૂ કરવી જોઈએ.