શારીરિક તંદુરસ્તીની વાત આવે ત્યારે ચાલવું, દોડવુ, કુદવું અને અન્ય વ્યાયામ યાદ આવે છે. વ્યક્તિની ઉંમર અનુસાર ક્ષમતાને ધ્યાનમાં રાખીને વ્યાયામ કરવામાં આવે છે. જેમાં આપણે આજે વાત કરીશું યોગ અભ્યાસની. પ્રાચીન સમાજથી લઇ આજ સુધીના સમાજમાં યોગ અભ્યાસ જોવા મળે છે. યોગ એ બધા માટે છે.
‘યોગ’ એટલે શું અને તેના વિવિધ પ્રકારો

‘યોગ’નો સરળ અને સામાન્ય અર્થ ‘જોડાવવું’ કે ‘જોડવુ’ થાય છે. વિવિધ પ્રકારના યોગ અભ્યાસ હોય છે.
યોગના વિવિધ પ્રકારો નીચે મુજબ છે
- જ્ઞાન યોગ
- ભક્તિ યોગ
- કર્મ યોગ
- મંત્ર યોગ
- લય યોગ
- હઠયોગ
- રાજ યોગ
- પૂર્ણ યોગ
આપણે વાત કરીશું અષ્ટાંગ યોગની, જે નીચે મુજબ છે. અષ્ટાંગ યોગમાં 8 તબક્કા કે બાબતોનો સમાવેશ થાય છે. જેમાં
- યમ
- નિયમ
- આસન
- પ્રાણાયામ
- પ્રત્યાહાર
- ધારણા
- ધ્યાન
- સમાધિ
અષ્ટાંગ યોગનો અભ્યાસ કરીને મનુષ્ય શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે તંદુરસ્ત રહી શકે છે.
‘‘કરે છે યોગ અને ભાગે છે રોગ’’
‘રક્ષાકવચ’ સમાન યોગ બાળકોના વિકાસ માટે મહત્વપૂર્ણ
યોગમાં મુખ્યત્વે આસન, પ્રાણાયામ, બંધ અને મુદ્રાનો સમાવેશ થાય છે. યોગ એક રક્ષાકવચ સમાન છે, જે શારીરિક, માનસિક વિકારોને દૂર કરીને તંદુરસ્તી બક્ષે છે. બાળજીવનમાં યોગ અભ્યાસ ખૂબ જ અનિવાર્ય છે. બાળકો આઠ કે સાડા આઠ વર્ષની ઉંમર પછી યોગ અભ્યાસ કરી શકે છે. એમનો માનસિક અને શારીરિક વિકાસ બહુ જ જરૂરી છે. તેમના વર્તન – વ્યવહારમાં તથા ભાવનાત્મકને નિયંત્રિત કરે છે. તેમનું પાચન અને શ્વસન સુધારે છે.
યોગનું આધ્યાત્મિક મહત્વ
આધ્યાત્મિક દ્રષ્ટિએ યોગ અભ્યાસ માનવ જીવનને સભ્ય બનાવે છે. માનવ શરીરમાં રહેલા પંચવાયુ, પંચતત્વ, પંચકોષ તથા ઉર્જા ચક્રો પર સકારાત્મક અસર જોવા મળે છે. સાથે સાથે તેનું શારીરિક લચીલાપણું અને ભાવો તથા વર્તન વ્યવહારમાં સમત્વ જોવા મળે છે.
યોગ અભ્યાસ નિરંતર કરવાથી માનવીમાં તેની ચેતન અવસ્થામાં પરિવર્તન જોવા મળે છે. તેના જીવનમાં નવી કલા અને કૌશલ્યોનો વિકાસ થાય છે. સમાજમાં યોગ અભ્યાસનું આગવું મહત્વ છે. સમાજને નવી દિશામાં લઇ જવા માટે યોગ એક સૂર્ય સમાન છે. (સુથાર યોગેશ, યોગ ટ્રેનર, અમદાવાદ)