Manipur violence : મણિપુરમાં ચાલી રહેલા તણાવ વચ્ચે વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. હવે I.N.D.I.A ગઠબંધન તરફથી મણિપુર જનારા 20 નેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ તમામ નેતાઓ આવતીકાલે અને પરમ દિવસે મણિપુરમાં રહેશે.
વિપક્ષી I.N.D.I.A ગઠબંધન દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી અને ગૌરવ ગોગોઈ, જેડીયુના રાજીવ રંજન સિંહ, ટીએમસીના સુષ્મિતા દેવ, ડીએમકેના કનિમોઝી કુરુનાનિધિ, સીપીઆઈના સંદોશ કુમાર, સીપીઆઈના એએ રહીમ, આરજેડીના મનોજ ઝા, સપાના જાવેદ અલી ખાન, જેએએમના મહુઆ માઝીનો સમાવેશ થાય છે.
વિપક્ષની યાદીમાં આ નેતાઓ ઉપરાંત એનસીપીના પીપી મોહમ્મદ ફૈઝલ, જેડી(યુ)ના અનિલ પ્રસાદ હેગડે, આઈયુએમએલના ઇટી મોહમ્મદ બસીર, આરએસપીના એન કે પ્રેમચંદ્રન, આપના સુશીલ ગુપ્તા, શિવસેનાના યુબીટીના અરવિંદ સાવંત, વીસીકેના ડી રવિકુમાર અને થોલ થિરુમાવાલાવન, આરએલડીના જયંત સિંહ અને કોંગ્રેસના ફૂલો દેવી નેતામનો પણ સમાવેશ થાય છે.
10 સાંસદો રાજ્યપાલને મળશે
આ પહેલા કોંગ્રેસ સાંસદ નસીર હુસૈને મીડિયાને જણાવ્યું હતું કે આવતીકાલે ઇન્ડિયા એલાયન્સનું એક પ્રતિનિધિમંડળ મણિપુરની પહાડીઓ અને ખીણ વિસ્તારોમાં હિંસા પ્રભાવિત લોકો માટે બનાવવામાં આવેલી રાહત શિબિરોની મુલાકાત લેશે. તેમણે કહ્યું અમે તેમને સંદેશ આપવા માંગીએ છીએ કે અમે તેમની સાથે ઉભા છીએ અને અમે દેશમાં શાંતિ સ્થાપિત કરવા માટે બધું જ કરીશું. પરમ દિવસે ગઠબંધનના 10 સાંસદો પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે.
આ પણ વાંચો – મણિપુર હિંસા : 35,000 સુરક્ષાકર્મીઓ તૈનાત, બફર ઝોન બનાવવામાં આવશે
મણિપુર હિંસાને લઈને લંડનમાં વિરોધ પ્રદર્શન
મણિપુરમાં ચાલી રહેલી હિંસા વિરુદ્ધ ગુરુવારે ભારતીય મૂળના લોકોએ બ્રિટનની રાજધાની લંડનમાં મૌન સરઘસ કાઢ્યું હતું. ધ વુમન ઓફ નોર્થ ઇસ્ટ ઇન્ડિયા સપોર્ટ નેટવર્ક સંગઠન સાથે જોડાયેલા પુરુષો અને મહિલાઓએ લંડનમાં ભારતીય હાઇકમિશનની સામે મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચહેરા પર માસ્ક લગાવેલા પ્રદર્શનકારીઓએ હાથમાં પ્લેકાર્ડ પણ સાથે રાખ્યા હતા.
કુકી-જો વુમન્સ ફોરમે દિલ્હીમાં કર્યું વિરોધ પ્રદર્શન
મણિપુરમાં થયેલી હિંસા વિરુદ્ધ નવી દિલ્હીમાં કુકી-જો વુમન્સ ફોરમે શુક્રવારે અહીંના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મણિપુરના પહાડી જિલ્લાઓમાં રહેતા આદિવાસી લોકો માટે અલગથી પ્રશાસનની માંગ કરી હતી. પ્રદર્શનમાં સામેલ લોકોએ ખાસ ટી-શર્ટ પહેર્યા હતા, જેમાં લખ્યું હતું કે અલગ વહીવટ એ જ એકમાત્ર ઉપાય છે.





