Lalmani Verma : 6 ડિસેમ્બર, 1992 ના રોજ બાબરી મસ્જિદના ધ્વંસના 31 વર્ષ પછી, અયોધ્યા રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન માટે તૈયાર છે. જ્યારે મંદિરનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, તેટલી જ ઝડપથી નગરનું પરિવર્તન પણ થયું છે. 2017માં ભાજપ સત્તામાં આવ્યા બાદ અને યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ અયોધ્યાના માળખાગત વિકાસનો પ્રારંભ થયો હતો.
મે 2017માં સત્તામાં આવ્યાના મહિનાઓ પછી, ભાજપ સરકારે ફૈઝાબાદ અને અયોધ્યાના મ્યુનિસિપલ બોર્ડને મર્જ કર્યા અને નવી મ્યુનિસિપલ કોર્પોરેશન, અયોધ્યા નગર નિગમની રચના કરી. અપગ્રેડને કારણે રાજ્ય તેમજ કેન્દ્ર તરફથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે વધુ ભંડોળ મળ્યું. અયોધ્યા નગર પહેલા ફૈઝાબાદ જિલ્લાનો એક ભાગ હતું. પરંતુ નવેમ્બર 2018માં આદિત્યનાથ સરકારે ફૈઝાબાદ જિલ્લા અને વિભાગના નામ બદલીને અયોધ્યા કરી દીધા. ઓક્ટોબર 2021માં સરકારે જાહેરાત કરી કે ફૈઝાબાદ રેલ્વે જંકશનનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવામાં આવશે.
કનેક્ટિવિટીમાં સુધારો
અયોધ્યા સુધી હવાઈ, રેલ અને રોડ કનેક્ટિવિટી સુધારવા માટે વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. યુપી સરકારના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં હાલમાં 37 વિભાગો સાથે સંકળાયેલા 30,923 કરોડ રૂપિયાના 200 થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.
એક મોટો પ્રોજેક્ટ મર્યાદા પુરષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, જે લખનૌ-ગોરખપુર હાઇવે પર આવી રહ્યો છે. એપ્રિલ 2022માં રાજ્ય સરકારે આ એરપોર્ટ માટે 318 એકર જમીન ટ્રાન્સફર કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) સાથે લીઝ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે 1,500-મીટર-લાંબી અને 30-મીટર-પહોળી એરસ્ટ્રીપને – અગાઉ નાના વિમાનો અને ફ્લાઇંગ ક્લબના સંચાલન માટે ઉપયોગમાં લેવાતી – 24 વિમાનોને સમાવવાની ક્ષમતાવાળા આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં રૂપાંતરિત કરવાનો માર્ગ મોકળો કર્યો.
એકવાર રામ મંદિર ખુલ્યા પછી, વહીવટીતંત્રનો અંદાજ છે કે નિયમિત દિવસોમાં 2 લાખ અને વિશેષ મહત્વના દિવસોમાં 5 લાખ સુધીની સંખ્યામાં લોકો આવેશે. તેને ધ્યાનમાં રાખીને રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. આમાં ત્રણ મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે: શ્રી રામ જન્મભૂમિ પથ (5.77-કિમી) રામ મંદિરને સુગ્રીવ કિલા દ્વારા નયા ઘાટ સાથે જોડવા માટે, ભક્તિ પથ (850 મીટર) મુખ્ય માર્ગને હનુમાન ગઢી થઈને મંદિર સાથે જોડવા માટે અને સઆદતગંજને રામજન્મભૂમિ સાથે જોડવા માટે રામ પથ (12.9 કિમી) છે.
આ પણ વાંચો – રામલલાની પ્રથમ ‘મહા આરતી’ માં જોધપુરનું આ ખાસ ઘી વપરાશે
આ વિસ્તારો પહેલા સાંકડા અને ખુલ્લા ગટરવાળા રસ્તાઓ હતા. આ રસ્તાઓ પર રહેતા અને અહીં દુકાનો ચલાવતા સ્થાનિકોએ ગલી પહોળી કરવાની મંજૂરી આપવા માટે તેમની મિલકતોને તોડી પાડ્યા છે અને વહીવટીતંત્ર પાસેથી વળતર મેળવ્યું છે. ઉપરાંત, ઓછામાં ઓછા પાંચ મલ્ટી-લેવલ પાર્કિંગ સ્થાનો વિકસાવવામાં આવી રહ્યા છે.
લખનૌ-ગોરખપુર હાઈવે પરના ધસારાને પહોંચી વળવા માટે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા 65 કિલોમીટરનો આઉટર રિંગ રોડ વિકસાવવામાં આવશે. 2,500 કરોડનો ખર્ચ થવાની ધારણા છે, ચાર માર્ગીય રિંગ રોડ અયોધ્યા, ગોંડા અને બસ્તી જિલ્લામાંથી પસાર થશે. અયોધ્યા રેલ્વે સ્ટેશનને ત્રણ નવા પ્લેટફોર્મ સાથે વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. બીજા તબક્કામાં બીજા રેલવે ટ્રેકનું લેન્ડસ્કેપિંગ અને ડેવલપમેન્ટ કરવામાં આવશે.
હોસ્પિટાલિટી
યુપી હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ બોર્ડે 1,200 એકર વિસ્તારમાં “નવ અયોધ્યા” ટાઉનશિપ વિકસાવવાની યોજના બનાવી છે, જ્યાં રાજ્યના અતિથિ ગૃહો બાંધવામાં આવશે. હોટલ માટે જમીનની હરાજી કરવામાં આવશે જ્યારે રહેણાંક પ્લોટ પણ આપવામાં આવશે. અયોધ્યામાં આવનારા અન્ય પ્રોજેક્ટ્સમાં ગટર વ્યવસ્થા વિકાસ, પાણી પુરવઠા પ્રોજેક્ટ, નવા પાવર સ્ટેશન અને ભૂગર્ભ કેબલિંગનો સમાવેશ થાય છે.
અયોધ્યામાં 2020 પહેલાં ભાગ્યે જ આકર્ષક હોટલો હતી, જેમાં હોસ્પિટાલિટી સેક્ટરનો મોટો ભાગ ધર્મશાળાઓ ધરાવે છે, હવે લક્ઝરી હોટલો આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2020 માં રામ મંદિરનો શિલાન્યાસ કર્યા પછી આ પ્રોજેક્ટોએ ગતિ પકડી છે.
અયોધ્યાના એક પ્રોપર્ટી ડીલરે જણાવ્યું હતું કે જ્યારે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કોર્ટમાં પેન્ડિંગ હતો, ત્યારે મુખ્યમંત્રી, મંત્રીઓ જેવા વીઆઈપીઓએ અયોધ્યાની મુલાકાત લેવાનું ટાળ્યું હતું. આથી અયોધ્યાના વિકાસની ઉપેક્ષા કરવામાં આવી હતી. 2017માં ભાજપ સત્તામાં આવ્યા પછી વિકાસ શરૂ થયો અને 2019 માં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી વધુ વધારો થયો છે.
નોકરીની તકો
યુપી સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઝડપી વિકાસથી નોકરીની તકો પણ ઊભી થઈ છે, શહેરમાં મજૂરોની ભારે માંગ જોવા મળી રહી છે. ઉપરાંત શહેરમાં વધુ શ્રદ્ધાળુઓ આવતા હોવાથી, સ્થાનિક યુવાનો માર્ગદર્શક તરીકે કામ કરીને સારી કમાણી કરી રહ્યા છે.
આ વર્ષે સપ્ટેમ્બરમાં, પીએમ મોદીએ સીએમ આદિત્યનાથ અને અન્ય અધિકારીઓ સાથે અયોધ્યા જિલ્લામાં મંદિરોનું મ્યુઝિયમ વિકસાવવા માટે ચર્ચા કરી હતી, જેથી દેશભરમાં સ્થિત તમામ મંદિરોના ઇતિહાસ, સ્થાપત્ય અને મહત્વને એક જ જગ્યાએ દર્શાવવામાં આવે.
ઉપરાંત યુપી સરકારને અયોધ્યામાં તેમની ઇમારતો, આશ્રમો અને ધર્મશાળાઓ વિકસાવવા માટે જમીન માટે વિવિધ રાજ્ય સરકારો અને ધાર્મિક સંગઠનો તરફથી વિનંતીઓ મળી છે. મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનાવવા અને ફાળવેલ પ્લોટ સાથે સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
સુરક્ષાના મોરચે, રાજ્ય સરકાર સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવી રહી છે. ઉપરાંત, PACની એક બટાલિયન અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)નું એક યુનિટ અહીં સ્થાપિત કરવામાં આવશે.
અન્ય ધાર્મિક કાર્યક્રમો
આદિત્યનાથ સરકારે 2017 માં શરૂ કરેલી દિવાળીની આસપાસ દીપોત્સવની ઉજવણી એ અયોધ્યાની રૂપરેખા ઉભી કરનાર અન્ય એક ઘટના છે. દર વર્ષે ઉજવણીના ધોરણમાં વધારો કરવામાં આવ્યો છે.
યુપી સરકારે ગયા મહિને તેના પૂરક બજેટમાં “રામોત્સવ 2023-24” માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. અધિકારીઓએ તેના વિશે વિગતો જાહેર કરી ન હતી. આ સિવાય અયોધ્યામાં ઇન્ટરનેશનલ રામાયણ અને વૈદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટે 25 કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે. આ સંસ્થા વૈદિક યુગના સંશોધનની સાથે વિશ્વભરમાં રામાયણના વિવિધ સ્વરૂપોનો અભ્યાસ કરશે.
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિથી બસ્તી જિલ્લાની શ્રી રામ યજ્ઞસ્થળી અને ચોરાસી કોશી પરિક્રમા માર્ગના પ્રારંભિક બિંદુ સુધી વિસ્તરેલા શ્રી રામ અવતાર કોરિડોરની સ્થાપના માટે 1 લાખ રૂપિયાની ટોકન રકમ પણ અલગ રાખવામાં આવી છે.
યુપી સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર અયોધ્યા ધામની ભવ્યતા અને આકર્ષણ વધારવા અને તેને વિશ્વ કક્ષાનું શહેર બનાવવા માટે કામ કરી રહી છે. આ તમામ પ્રોજેક્ટ આને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે.