હૈદરાબાદમાં કાળજુ કંપાવી તેવી ઘટના સામે આવી છે. રખડતા કૂતરાએ ચાર વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકનું મોત થયું છે. અંબરપેટના તે પરિસરના એક સીસીટીવી કેમેરામાં આ કરુણ ઘટના કેદ થઇ ગઇ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો તમને વિચલિત કરી શકે તેવો છે.
નિઝામાબાદના રહેવાસી ગંગાધર હૈદરાબાદમાં રહીને સિક્યોરિટી ગાર્ડનું કામ કરે છે. ગંગાધર ચાર વર્ષ પહેલાં તેની પત્ની અને બે બાળક સાથે કામ અર્થે હૈદરાબાદ આવ્યો હતો. તે અંબરપેટના એક કાર સર્વિસ સેન્ટરમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો. રવિવારે ગંગાધર નોકરી પર જતા ચાર વર્ષીય પુત્રને પણ પોતાની સાથે લઈ ગયો હતો. દીકરાને તેની કેબિનમાં મુકીને ગંગાધર કામ માટે બહાર ગયો હતો.
ત્રણ કૂતરાએ બાળક પર કર્યો હુમલો
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે બાળક એકલો જતો હોય છે ત્યારે ત્રણ કૂતરા બાળક તરફ આવે છે અને તેને ઘેરી વળે છે. ગભરાયેલો બાળક ભાગવાનો પ્રયત્ન કરે છે પણ કૂતરા તેને ખેંચીને પાડી દે છે અને પછી તેના પર તુટી પડે છે. ત્રણેય કૂતરા બાળકના કપડા ખેંચવા લાગે છે. આ દરમિયાન બાળક છુટવાનો પ્રયત્ન કરે છે પણ કૂતરા હુમલો કરીને નીચે પછાડે છે. કૂતરાઓના હુમલામાં ઘેરાયેલો બાળક રડી રહ્યો હતો પણ તેની મદદ માટે કોઈ પહોંચ્યું હતું નહીં. ત્રણ કૂતરાઓ જે રીતે બાળક પર તુટી પડે છે તે જોઇને લાગે છે કે સ્થળ પર જ બાળકનું મોત થઇ ગયું હશે. આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે.
આ કાળજુ કંપાવે તેવી ઘટનાએ ફરી રખડતા કૂતરાની સમસ્યાને બધાની સામે લાવી દીધી છે. થોડા દિવસો પહેલા સુરતમાં કૂતરાના હુમલા પછી ચાર વર્ષના બાળકનું મોત થયું હતું. બિહારના આરામાં પણ કૂતરાના કરડવાના સમાચાર સામે આવ્યા હતા.
આ ઘટના પર તેલંગાણાના મંત્રી કેટી રામારાવે કહ્યું હતું કે અમે નગરપાલિકાઓમાં સ્ટ્રીટ ડોગના ખતરાથી નિપટવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પરિવાર પ્રત્યે મારી સંવેદના છે અને અમે સુનિશ્ચિત કરીશું કે આવી ઘટના ફરી ના થાય.