હિન્દુ દેવી-દેવતાઓ વિરોધી કથિત શપથના વિવાદ વચ્ચે દિલ્હી સરકારમાં મંત્રીપદે રહેલા આપ પાર્ટી (AAP party)ના નેતા રાજેન્દ્ર પાલ ગૌત્તમે (Rajendra Pal Gautam) કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું (resignation) આપ્યુ છે. તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ એક ધર્માંતરણ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
આ વીડિયો અંગે ભારે વિવાદને પગલે રાજકારણ ગરમાયુ છે. રાજેન્દ્ર પાલની આ કાર્યક્રમમાં હાજરી અને હિન્દુ દેવી-દેવતાઓ (hindu gods) વિશેના કથિત નિવેદનોની ભાજપે કડક નિંદા કરી હતી. એવું કહેવાય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) પણ રાજેન્દ્ર પાલની આ ઘટનાથી નારાજ છે.
રાજીનામાં અંગે ટ્વિટર પર જાણકારી આપી
રાજેન્દ્ર પાલ ગૌતમ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારમાં મંત્રી હતા, તેમણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. રાજેન્દ્ર પાલ ગૌતમે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ જાણકારી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, “આજે મહર્ષિ વાલ્મીકિજીનો પ્રાગટ્ય દિવસ છે અને બીજી તરફ માન્યાવર કાશીરામ સાહેબની પુણ્યતિથિ પણ છે. આવા સંયોગમાં આજે હું અનેક બંધનોમાંથી મુક્ત થયો છું અને આજે મારો નવો જન્મ થયો છે. હવે હું કોઈપણ બંધનો વિના વધુ મક્કમતાથી સમાજ પરના અધિકારો અને અત્યાચાર સામે લડતો રહીશ.
રાજેન્દ્ર પાલ ગૌતમે પોતાના રાજીનામામાં લખ્યું છે કે, ‘છેલ્લા કેટલાક વર્ષોથી હું સતત જોઈ રહ્યો છું કે મારા સમાજની બહેન-દીકરીઓની ઈજ્જત લૂંટાઈ રહી છે અને તેમને મારી નાખવામાં આવી રહી છે. ઘોડા પર બેસીને વરઘોડો નીકાળનાર પર હુમલો કરીને મારી નાખવામાં આવે છે. દરરોજ આવા જ્ઞાતિ ભેદભાવની ઘટનાઓથી મારું હૃદય છિન્નભિન્ન થાય છે. મે 5 ઓક્ટોબર 2022 ના રોજ અશોક વિજયાદશમી નિમિત્તે મિશન જય ભીમ અને બૌદ્ધ સમાજ ઓફ ઈન્ડિયા દ્વારા આંબેડકર ભવન રાણી ઝાંસી રોડ ખાતે આયોજિત બૌદ્ધ દીક્ષા સમારોહમાં હાજરી આપી હતી. તેને આમ આદમી પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી.”
મેં પણ 10 હજારથી વધુ લોકો સાથે બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાઓ લીધીઃ રાજેન્દ્ર પાલ
આપ પાર્ટીના નેતા રાજેન્દ્ર પાલે વધુમાં જણાવ્યું કે, આ ધર્માંતરણ કાર્યક્રમ દરમિયાન તેમણે 10 હજાર લોકો સાથે બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાઓ લીધી હતી. આ કાર્યક્રમનો વીડિયો વાયરલ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ મામલે આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધી રહ્યા છે, તે મારા માટે દુઃખદ છે.
ધર્માંતરણના વીડિયોથી રાજેન્દ્ર પાલ ગૌત્તમ મુ્શ્કેલીમાં મુકાયા
રાજેન્દ્ર પાલ ગૌતમે દિલ્હીના કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. 10,000 લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો તે કાર્યક્રમમાં રાજેન્દ્ર પાલે હાજરી આપી હોવાનો એક વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે વિરોધ સર્જાયો છે. આ વીડિયોની ઘટનાના એક દિવસ બાદ તેમણે દિલ્હીના મંત્રીમંડળ પદેથી રાજીનામું આપ્યુ છે. આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપે ગૌતમના રાજીનામાની માંગ કરી હતી.
દિલ્હીમાં 5 ઓક્ટોબરે લગભગ 10,000 હિન્દુઓએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, જેમાં દિલ્હી સરકારના મંત્રીમંડળના નેતા રાજેન્દ્ર પાલ ગૌત્તમ હાજર રહ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં રાજેન્દ્ર પાલ ગૌતમને આ કાર્યક્રમના સ્ટેજ પર જોઈ શકાય છે જ્યાં હાજર રહેલા લોકો શપથ લીધા હતા ક તેઓ હવે વિષ્ણુ, શિવ, બ્રહ્મા, રામ, કૃષ્ણ, ગૌરી અને ગણપતિ જેવા હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરશે નહીં.