AAP MP Sushil Kumar Rinku suspended from Lok Sabha : ગુરૂવારનો લોકસભાનો દિવસ આમ આદમી પાર્ટી માટે ગોઝારો દિવસ બની રહ્યો હતો. એક તરફ વિવાદીત દિલ્હી સેવા બિલ પાસ થયું તો બીજી તરફ આપ પાર્ટીના એકમાત્ર સાંસદ સુશીલ કુમાર રિંકુને લોકસભામાંથી સમગ્ર ચોમાસું સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. મોટી વાત એ છે કે આ અગાઉ રાજ્યસભાના સાંસદ સંજય સિંહને પણ ચોમાસુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આપના સાસંદ સુશીલ કુમાર રિંક લોકસભામાંથી સસ્પેન્ડ
હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે લોકસભામાં દિલ્હી સર્વિસ બિલ પર વોટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે વિરોધ કરી રહેલા આપ પાર્ટીના સાંસદ સુશીલ કુમાર રિંકુ વેલમાં ધસી આવ્યા અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર કાગળ ફાડીને ફેંક્યા હતા. આ ઘટના બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ તેમને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો | દિલ્હી વિધેયક 2023 મામલે અમિત શાહે વિપક્ષોને લીધા આડે હાથ, કહ્યું – નહેરુ પટેલે પણ કર્યો હતો વિરોધ
આપ પાર્ટી હવે કાયદાકીય લડાઇ લડશે
લોકસભામાં વિવાદીત દિલ્હી સર્વિસ બિલ પસાર થયા બાદ હવે આપ પાર્ટીએ તે વિરોધ કાયદાકીય લડાઇ લડવાની તૈયારી કરી છે. આપ પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે, કોંગ્રેસ અને બીજુ જનતા દળની કોઇ મજબૂરી હશે અને આથી જ તેમણે દિલ્હી સેવા બિલનો વિરોધ ન કરવાનો નિર્ણય કર્યો છે. અમે સુપ્રીમ કોર્ટની સંવિધાનિક ખંડપીઠ સમક્ષ પોતાની દલીલ રજૂ કરીશું. ભારત સરકાર દ્વારા વટહૂકમ ઓર્ડિનન્સ લાવ્યા બાદ જ તરત જ અમે એક પિટિશન દાખલ કરીને સુપ્રીમ કોર્ટમાં તેને પડકાર્યુ છે. અમે કોર્ટમાં તેની વિરુદ્ધ કાયદાકીય લડાઇ લડીશું.





