Kerala Accident: કેરળના પલક્કડ જિલ્લાના વડક્કનચેરીમાં ગુરુવારે વહેલી સવારે કેએસઆરટીસીની એક બસની ટૂરિસ્ટ બસ સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં નવ લોકોના મોત નીપજ્યા હતા. આ ઉપરાંત 38 લોકો ઘાયલ થયા હતા. પર્યટક બસ એર્નાકુલમ જિલ્લાની બસેલિયોસ વિદ્યાનિકેતન શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈને ઉટી જઈ રહી હતી. આ અકસ્માત રાષ્ટ્રીય રાજમાર્ગ 544 (NH-544) ઉપર થયો હતો.
કેરળના રાજ્ય મંત્રી એમબી રાજેશે જાણકારી આપી હતી કે પલક્કડ જિલ્લાના વડક્કનચેરીમાં કેરળ રાજ્ય માર્ગ પરિવહન નિગમની (KSRTC) બસનો અકસ્માત થવાથી કુલ નવ લોકોના મોત થયા છે. જ્યારે 38 લોકો ઘાયલ થયા છે. પર્યટક બસ બસલિયોસ વિદ્યાનિકેતન સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈને એર્નાકુલમથી ઉટી તરફ જઈ રહી હતી. જ્યારે કેએસઆરટીસીની બસ કોયંબતૂર તરફ જઈ રહી હતી.
મૃતકોમાં પાંચ વિદ્યાર્થી, એક શિક્ષક અને ત્રણ યાત્રીનો સમાવેશ થાય છે. જ્યારે કુલ 38 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવયા છે. રાજ્યમંત્રી એમબી રાજેશના જણાવ્યા પ્રમાણે દુર્ઘટનામાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે. જોકે, તેઓ ખતરાની બહાર છે.
જામનગરમાં હિટ એન્ડ રન: કાર ચાલકે સાત લોકોને અડફેટે લીધા
જામનગરમાં દશેરાની મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક કાર ચાલકે સાત લોકોને અડફેટે લીધા હતા. દરેડના રાંદલ માતાજીના મંદિર નજીક નશાની હાલતમાં કાર ચાલકે સાતથી વધારે લોકોને અડફેટે લીધા હતા. લોકોને અડફેટે લીધા બાદ ભાગવા જતાં કારની સ્પીડ વધારે હોવાના કારણે કાર પલટી માગી ગઈ હતી. હિટ એન્ડ રનની આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકોની હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે.