Acharya Pramod Krishnam : કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રવિવારે તેમની ભાવિ યોજનાઓ તરફ સંકેત આપ્યો હતો. ઉત્તર પ્રદેશના સંભલમાં મીડિયા સાથે વાત કરતા તેમણે પીએમ નરેન્દ્ર મોદીના કામના વખાણ કર્યા અને કહ્યું કે તેઓ તેમને પોતાના નેતા માને છે. તેમણે કહ્યું કે હું નરેન્દ્ર મોદીજીની સાથે છું અને મોદીજી દેશની સાથે છે. ભાજપમાં સામેલ થવા પર તેમણે કહ્યું કે મને ખબર નથી કે હું ક્યાં જઈશ. મને ઈશ્વર પર ભરોસો છે, જ્યાં ઈશ્વર મને લઈ જશે, હું જઈશ. હું નરેન્દ્ર મોદીજીની સાથે છું અને મોદીજી દેશની સાથે છે.
આચાર્યએ જીવનભર મોદીજીની સાથે ઉભા રહેવાની પ્રતિજ્ઞા લીધી
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કોંગ્રેસમાંથી હાંકી કાઢવા પર કહ્યું કે દરેક નેતા મને પૂછી રહ્યા છે કે આચાર્ય પ્રમોદ કૃષ્ણમની શું ભૂલ હતી? તેમણે કહ્યું કે તેઓ લાંબા સમયથી અપમાનનો સામનો કરી રહ્યા હતા, પરંતુ તેઓ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને આપેલા વચનથી બંધાયેલા હતા. તેમણે કહ્યું કે રાજીવ ગાંધીને મેં 16-17 વર્ષની ઉંમરે જે વચન આપ્યું હતું તે આજ સુધી પાળવામાં આવ્યું છે અને આજે આ ઉંમરે હું સંકલ્પ લઈ રહ્યો છું કે હું જીવનભર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રહીશ.
જેમણે ચાલવાનું શીખવાડ્યું, રાહુલ ગાંધીએ તેમનું જ અપમાન કર્યું
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ મારું અપમાન કરવાનું શરૂ કર્યું. મેં ખૂબ અપમાનનો સામનો કર્યો છે, તેમ છતાં મેં પાર્ટી છોડી નથી. રાજીવ ગાંધીને જે વચન આપ્યું હતું તે વચ્ચે આવી જતું હતું તેથી છોડી ન હતી. મેં એમ પણ વિચાર્યું કે જે વ્યક્તિને પોતાના દાદા-દાદી, માતા, પિતાની પડખે ઊભા રહેનારા લોકોનું સન્માન કરવાનું આવડતું નથી. ગુલામ નબી આઝાદ, કમલનાથ, ભૂપિંદર સિંહ હુડ્ડા, દિગ્વિજય સિંહ અને આનંદ શર્મા જેવા નેતાઓ ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી સાથે રહેતા હતા. આ એ જ લોકો હતા જેમણે રાહુલ ગાંધીનો હાથ પકડીને તેમને ચાલવાનું શીખવ્યું હતું. મેં મારી જાતને સવાલ કર્યો હતો કે જે વ્યક્તિ આવા મોટા નેતાઓનું સન્માન નથી કરતા, તો તે જીતી ગયા, તો પછી મારું અપમાન કરવું તે તેના માટે મોટી વાત નહીં ગણાય.
કૃષ્ણમે પૂછ્યું – કોના ઇશારા પર પ્રિયંકાનું પણ થઈ રહ્યું છે અપમાન
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે પાર્ટીમાં સચિન પાયલટનું ઘણું અપમાન થયું છે પરંતુ તે ભગવાન શિવની જેમ ઝેર પી રહ્યા છે. તેવી જ રીતે પ્રિયંકા ગાંધીનું પણ ઘણું અપમાન થઇ રહ્યું છે. દેશની આઝાદી બાદ કોઇ પદાધિકારીની સામે આવી કોઇ વાત લખવામાં આવી ન હતી, જે પ્રિયંકા ગાંધીની સામે લખવામાં આવી હતી. તેમની આગળ લખવામાં આવ્યું પ્રિયંકા ગાંધી, કોઈ પણ પોર્ટફોલિયો વગરના જનરલ સેક્રેટરી’. સવાલ એ છે કે કોના ઈશારે આ અપમાન થઈ રહ્યું છે?
આ પણ વાંચો – જયંત ચૌધરીની ભાજપ સાથે ‘4 + 1 + 2’ ફોર્મ્યુલા પર બની વાત? ગઠબંધનની જાહેરાત માત્ર એક ઔપચારિકતા
તેમણે કહ્યું કે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે મને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. મને આ પદ પરથી મુક્ત કરવા બદલ હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. ભગવાન રામને પણ 14 વર્ષ માટે વનવાસ માટે મોકલવામાં આવ્યા હતા કારણ કે હું રામ ભક્ત છું, હું ઇચ્છું છું કે કોંગ્રેસ પાર્ટી મને 6 વર્ષના બદલે 14 વર્ષ માટે હાંકી કાઢે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલે જણાવવું જોઈએ કે કઈ ગતિવિધિઓ પાર્ટી વિરોધી છે? શું ભગવાન રામનું નામ પાર્ટી વિરોધી છે? શું અયોધ્યા જવું પાર્ટી વિરોધી છે?
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેની સાથે હું સંમત ન હતો. જેમ કે કલમ 370 નાબૂદ કરવાનો વિરોધ કરવો. કોંગ્રેસે તેનો વિરોધ ન કરવો જોઈએ. જ્યારે કોંગ્રેસે ડીએમકે નેતાનું સમર્થન ના કરવું જોઈએ જ્યારે તેમણે સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ, મેલેરિયા સાથે કરી હતી.





