How to watch ISRO Solar Mission Aditya L1 Launching : ઈસરો તેનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L-1 અવકાશયાન 2 સપ્ટેમ્બરના રોજ સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરશે. ઈસરો એ આદિત્ય L-1 મિશનની આંતરિક તપાસ અને પ્રક્ષેપણનું રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. ઈસરોએ જ્યારથી આદિત્ય L-1 લોન્ચ કરવાની તારીખ જાહેર કરી છે, ભારતવાસીઓ જાણવા ઉત્સુક છે, આદિત્ય એલ-1નું લોન્ચિંગ ક્યા જોવા મળશે. ઈસરોના આદિત્ય એલ-1 અવકાશયાન વિશે તમામ વિગતો અહીં જાણો..
ઈસરોનું આદિત્ય એલ-1 મિશન શું છે?
ISRO તેના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 હેઠળ સૂર્યમાંથી નીકળતા કિરણોની તપાસ કરશે. આદિત્ય એલ-1ને સૂર્ય અને પૃથ્વીની વચ્ચે લેરેન્જ પોઈન્ટ-1 પર મૂકવામાં આવશે. આદિત્ય એલ-1માં ફીટ કરાયેલા 7 પેલોડ્સ સૂર્યમાંથી નીકળતા વિવિધ કિરણોનો અભ્યાસ કરશે. આદિત્ય એલ-1 સૂર્યના કિરણોમાંથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરશે. ઈસરો આ મિશનની મદદથી સૌર વાયુમંડળને સમજવાનો પ્રયાસ કરશે. આદિત્ય એલ-1 સૌર હવાના વિભાજન અને તાપમાનનો અભ્યાસ કરશે. આદિત્ય એલ-1 સૌર તોફાન, સૌર તરંગો અને પૃથ્વીના વાતાવરણ પર તેની અસરનું કારણ પણ શોધી કાઢશે.
ઈસરો કયા રોકેટથી આદિત્ય એલ-1 લોન્ચ કરશે?
ઈસરો દ્વારા બનાવવામાં આવેલ સ્વદેશી રોકેટ PSLV XL C-57 આદિત્ય એલ-1ને અવકાશમાં લઈ જશે. આ રોકેટ આદિત્ય એલ-1ને પૃથ્વીની નીચેની કક્ષામાં પહોંચાડશે. ત્યાર પછી આદિત્ય એલ-1 સૂર્ય અને પૃથ્વીની વચ્ચે સ્થિત એલ-1 પોઇન્ટ સુધી પહોંચશે. આદિત્ય એલ-1ને તેના ડેસ્ટિનેશન સુધી પહોંચવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગશે.
L-1 પોઇન્ટ કેટલું દૂર છે?
પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવા કુલ પાંચ પોઇન્ટને ઓળખવામાં આવ્યા છે, જ્યાં અવકાશયાન મૂકવામાં આવે છે અને સૂર્યમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરવામાં આવે છે. આ L-1 પોઇન્ટને લેરેન્જ પોઇન્ટ પણ કહેવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે સૂર્યની સૌથી નજીકનું બિંદુ L-1 બિંદુ છે જ્યાં આપણું સૂર્યયાન જઈ રહ્યું છે. પૃથ્વીથી L-1 પોઇન્ટનું અંતર લગભગ 15 લાખ કિલોમીટર છે. તો સૂર્યથી એલ-1નું અંતર લગભગ 14 કરોડ 85 લાખ કિમી છે. લેરેન્જ પોઈન્ટ 1 એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેના કુલ અંતરનો માત્ર એક ટકા છે.
આદિત્ય એલ-1નું લાઇવ સ્ટ્રિમિંગ જોવા માટેની લિંક : Aditya L1 Mission Live Streaming Like
તમે રોકેટ લોન્ચ ક્યાં જોઈ શકો છો?
સમગ્ર ભારત આ ઐતિહાસિક ક્ષણને પોતાની આંખોમાં કેદ કરવા માટે ઉત્સુક છે. જો તમે પણ આ ક્ષણના સાક્ષી બનવા માંગતા હોવ, તો તમે ઈસરોની વેબસાઈટ પર જઈને લોન્ચ વ્યૂ ગેલેરીમાં સીટ બુક કરી શકો છો. ઈસરો એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યુ છે કે, આદિત્ય એલ-1નું લોન્ચિંગ કરવા માટે દેશવાસીઓ ઈસરોન વેબસાઇટ પર જઇને પોતાની સીટ બુક કરાવી શકે છે. તે ઉપરાંત તમે ઈસરોની વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ પર પણ આદિત્ય એલ-1ના લોન્ચિંગનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.
આ પણ વાંચો | ભારત પહેલા કયા દેશોએ સૂર્ય મિશન મોકલ્યું છે? જાણો શા માટે આદિત્ય L-1 ખાસ છે
આદિત્ય L-1 કેટલા દિવસમાં પહોંચશે?
ISROએ કહ્યું છે કે આદિત્ય-L1 મિશન અંદાજે 120 દિવસમાં L-1 પોઈન્ટ પર પહોંચી જશે. સન મિશન આદિત્ય PSLV XL રોકેટ સાથે ઉડાન ભરશે. આદિત્ય એલ-1 લગભગ 5 વર્ષ સુધી સૂર્યમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરશે. આદિત્ય-એલ1 મિશન બનાવવાનો કુલ ખર્ચ 378 કરોડ રૂપિયા છે.