Aditya L1 mission : ચંદ્રયાન 3 ના સફળ ઉતરાણ પછી, ISRO એ બીજી મોટી જાહેરાત કરી છે કે, આદિત્ય-L1, દેશનું પ્રથમ સૂર્ય મિશન, 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. ISRO નું આદિત્ય L1 મિશન સૂર્યમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરશે. ઈસરોના સ્પેસ એપ્લીકેશન ડાયરેક્ટર એમ. દેસાઈએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, આદિત્ય એલ1 મિશન સંપૂર્ણ રીતે તૈયાર છે અને તેના લોન્ચની રાહ જોવાઈ રહી છે. PSLV રોકેટની મદદથી સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આદિત્ય L1 મિશન લોન્ચ કરવામાં આવશે.
પીએસએલવી રોકેટ આદિત્ય-એલ1 ને લંબગોળ ભ્રમણકક્ષામાં મૂકશે. આની મદદથી તે સૂર્યમાંથી નીકળતા કિરણોને નજીકથી તપાસી શકશે. તેમણે જણાવ્યું કે, આદિત્ય L1 સૂર્યની ગતિવિધિ પર નજર રાખી શકશે અને પૃથ્વી પર જીવન ટકાવી રાખતા તારાઓ વિશે પણ જાણકારી મેળવી શકાશે. આદિત્ય એલ-1 ને સૂર્યયાન પણ કહેવામાં આવે છે.
શું છે આદિત્ય-L1 મિશન?
ISRO ભારતનું પ્રથમ સન મિશન આદિત્ય-L1 લોન્ચ કરવા જઈ રહ્યું છે. ISROના જણાવ્યા અનુસાર, અવકાશયાન આદિત્ય-L1ને સૂર્યની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં અને પૃથ્વી સિસ્ટમના લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1)માં મૂકવામાં આવશે. L1 ને અંતરીક્ષની પાર્કિંગ જગ્યા પણ કહેવામાં આવે છે. આ બિંદુ પૃથ્વીથી 1.5 મિલિયન કિમી દૂર સ્થિત છે. ISRO આદિત્ય-L1 મિશન હેઠળ સૂર્યમાંથી નીકળતા રેડિયેશનનો અભ્યાસ કરશે. તમને જણાવી દઈએ કે આદિત્ય-L1ને તેના ગંતવ્ય સુધી પહોંચવામાં 127 દિવસનો સમય મળશે. આદિત્ય-L1 7 પેલોડ વહન કરે છે. આદિત્ય-એલ1 મિશન બનાવવાનો ખર્ચ 378 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો – ISRO Next Mission : ચંદ્રયાન 3 પછી શું છે ઈસરો આગામી મિશન? સૂર્યયાન, શુક્રયાન સહિત 10 વર્ષ માટે છે મોટી તૈયારીઓ
આદિત્ય-એલ1 મિશન વિશે માહિતી આપતાં, ઈસરોના વડા એસ. સોમનાથે કહ્યું કે, આ ભારતનું પ્રથમ સૌર મિશન છે, જે સૂર્યનો અભ્યાસ કરશે. આ અવકાશયાનને 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રોજેક્ટને એસેમ્બલ કરીને શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર પર લઈ જવામાં આવ્યો છે. ISROના જણાવ્યા અનુસાર, આદિત્ય-L1 અવકાશયાનમાં ફીટ કરાયેલા પેલોડ્સ અલગ અલગ રીતે સૂર્યનો વૈજ્ઞાનિક અભ્યાસ કરશે. આદિત્ય-એલ1 લગભગ 5 વર્ષ સુધી સૂર્યના કિરણોનો અભ્યાસ કરશે.