Aditya L1 ISRO Solar Mission Update : ભારતની અંતરિક્ષ સંસ્થા ઈસરો દ્વારા તેના સૂર્ય મિશન હેઠળ લોંચ કરવામાં આવેલું આદિત્ય એલ-1 હવે સૂર્યની નજીક પહોંચી ગયું છે. તેણે ત્રીજી અર્થ બાઉન્ડ મેન્યૂવર પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ છે. આદિત્ય-એલ1 હવે 296 કિલોમીટરના પેરીજી (સૌથી નજીકનું અંતર) અને 71,767 કિલોમીટરના અપેજી (મહત્તમ અંતર)માં પહોંચી ગયું છે. ઈસરોએ ટ્વિટર પર આ માહિતી આપી છે. ઈસરોનું ‘સૂર્યયાન’ હવે પૃથ્વીથી તેની સૌથી નજીકના 296 કિલોમીટર અને મહત્તમ 71,767 કિલોમીટરના અંતરે છે.
ઈસરો આદિત્ય એલ-1 પર સતત નજર રાખી રહ્યું છે. મેન્યૂવર દરમિયાન ITRAC/ISROના મોરેશિયસ, બેંગલુરુ અને પોર્ટ બ્લેયર સ્થિત ગ્રાઉન્ડ સ્ટેશનોએ આ ઓપરેશન દરમિયાન સેટેલાઇટનું નિરીક્ષણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આદિત્ય એલ-1નું બીજું પૃથ્વી બાઉન્ડ મેન્યુવર 5 સપ્ટેમ્બરે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. હવે આદિત્ય એલ-1નો વધુ એક મેન્યુવર છે, જે 15 સપ્ટેમ્બરે થશે.
આદિત્ય એલ-1ને લેગ્રેન્જ-1 પોઈન્ટમાં સ્થાપિત કરવામાં આવશે. આ બિંદુ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે. અહીંથી સૂર્યનું ખૂબ જ સચોટ દૃશ્ય ઉપલબ્ધ છે અને તે સૂર્યના અવલોકનોમાં મદદ કરશે. તમને જણાવી દઈએ કે ઈસરો દ્વારા આદિત્ય એલ1 સૂર્યયાનને ગત 2 સપ્ટેમ્બરે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યુ હતું.
આ પણ વાંચો | ચંદ્રયાન 3 અને આદિત્ય એલ1 બાદ પછી ઈસરો ક્યુ અવકાશયાન લોન્ચ કરશે? કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આપ્યા મોટા સમાચાર
ઈસરોના જણાવ્યા અનુસાર, ઉપગ્રહ આદિત્ય એલ1ને હવે 15 સપ્ટેમ્બરે સવારે 2 વાગ્યે ચોથી ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. ત્યારબાદ આદિત્ય એલ1 ને ફરી એકવાર ભ્રમણકક્ષા બદલવી પડશે. આ પછી ઉપગ્રહ ટ્રાન્સ-લેગ્રાંગિયન1 ભ્રમણકક્ષામાં જશે. 18 સપ્ટેમ્બરે, આદિત્ય એલ1 પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રમાંથી બહાર નીકળી જશે. પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળ્યા બાદ ક્રુઝ ફેઝની શરૂઆત થશે, અહીંથી આદિત્ય એલ-1 લેંગ્રેસ પોઈન્ટ તરફ જશે. ત્યારબાદ આદિત્ય એલ-1 હેલો ઓર્બિટ તરફ જશે. અહીં કેટલાક મેન્યૂવર કર્યા પછી આદિત્ય એલ-1 ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે.