દેશમાં વધી રહી છે સડક દુર્ઘટના, એક વર્ષમાં 1 લાખ 55 હજારથી વધારે લોકોના થયા મોત, જાણો ગુજરાતની શું છે સ્થિતિ

NCRB Accident Report 2021 : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર નબીરા તથ્ય પટેલે કરેલા અકસ્માતના પગલે ફરી એક વખત દેશમાં અકસ્માતની ચર્ચા ચાલી રહી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે 2021માં દેશમાં એક વર્ષમાં 4,03,116 અકસ્માતો થયા હતા. જેમાં 1,55,662 લોકોના મોત થયા હતા અને 3,71,884 લોકો ઇજાગ્રસ્ત થયા હતા

Written by Ashish Goyal
Updated : July 21, 2023 19:18 IST
દેશમાં વધી રહી છે સડક દુર્ઘટના, એક વર્ષમાં 1 લાખ 55 હજારથી વધારે લોકોના થયા મોત, જાણો ગુજરાતની શું છે સ્થિતિ
અમદાવાદ, ઇસ્કોન બ્રિજ પર કાર અકસ્માત

Ahmedabad Iskcon Bridge Accident : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આરોપી તથ્ય પટેલે બુધવારે મોડી રાત્રે 160ની સ્પીડે જેગુઆર કાર ઇસ્કોન બ્રીજ પર ઉભેલા લોકો પર ચડાવી દીધી હતી. જેમાં 9 લોકોના કરુણ મોત થયા હતા. ભારતમાં અકસ્માતના કારણે ઘણા લોકો જીવ ગુમાવે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે 2021માં દેશમાં એક વર્ષમાં 4,03,116 અકસ્માતો થયા હતા. જેમાં 1,55,662 લોકોના મોત થયા હતા અને 3,71,884 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કુલ અકસ્માતોમાં ઓવરસ્પીડિંગનો હિસ્સો 58.7 ટકા હતો, જ્યારે બેફામ ડ્રાઇવિંગ અથવા ઓવરટેકિંગનો હિસ્સો 25.7 ટકા હતો.

2021માં 1,55,622 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો

એનસીઆરબીના આંકડા પ્રમાણે વધારે અકસ્માતો સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે થાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે માર્ગ અકસ્માતના કેસ 2020માં 3,64,796થી વધીને 2021માં 4,03,116 થઈ ગયા છે. મૃત્યુમાં 16.8 ટકાનો વધારો થયો છે. 2020માં 1,33,201 અને 2021માં 1,55,622 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. વિશ્લેષણ દર્શાવે છે કે મોટાભાગના માર્ગ અકસ્માતો ઓવર-સ્પીડિંગને કારણે થયા છે.

જોખમી અથવા ઓવરટેકિંગને કારણે 1,03,629 અકસ્માતો (કુલ 25.7%) થયા હતા. આના પરિણામે 2021 દરમિયાન 42,853 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 91,893 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ખરાબ હવામાનને કારણે થતા અકસ્માતો માત્ર 2.8% જ હતા.

આ પણ વાંચો – ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ, આરોપી તથ્ય પટેલ અને તેના પિતાને ઘટના સ્થળે ઉઠક બેઠક કરાવી

દ્વિચક્રી વાહનોમાં સૌથી વધુ મૃત્યુ

રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાં 30.3 ટકા અકસ્માતો નોંધાયા છે. અકસ્માતોમાં રાજ્ય ધોરીમાર્ગોનો હિસ્સો 23.9 ટકા હતો. એક્સપ્રેસ વે પર કુલ 1,899 માર્ગ અકસ્માતો થયા હતા. જેમાં 1214 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 1356 લોકોના મોત થયા છે. 2021માં અન્ય રસ્તાઓ પર અકસ્માતોને કારણે કુલ 62,967 (40.5%) લોકોનાં મોત નીપજ્યાં હતાં. 2021માં દ્વિચક્રી વાહનોમાં સૌથી વધુ 69,240 મૃત્યુ થયા હતા. જે કુલ મોતના 44.5 ટકા હતા. આ પછી કાર દુર્ઘટનામાં 23,531 અને ટ્રકો કે લોરીઓથી 14,622 લોકોના મોત થયા છે. કુલ અકસ્માતોના લગભગ 59.7% ગ્રામીણ વિસ્તારો (2,40,747) અને 40.3% શહેરી વિસ્તારો (1,62,369) માં થયા હતા.

એનસીઆરબીના આંકડા પ્રમાણે 2021માં અકસ્માતમાં સૌથી વધારે મોત તમિલનાડુમાં (8529) થયા છે. આ પછી ઉત્તર પ્રદેશ 7429, મહારાષ્ટ્ર 3996, રાજસ્થાન 3653 અને આંધ્ર પ્રદેશ 3602નો સમાવેશ થાય છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 36,788 લોકોના મોત થયા

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના 2021ના આંકડા પ્રમાણે ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં 82,155 અકસ્માત થયા છે, જેમાં 36,788 લોકોના મોત થયા છે. જ્યારે 77256 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં 2021માં 7457 મોત, 2020માં 6200, 2019માં 7428, 2018માં 8040 અને 2017માં 7663 લોકોના મોત થયા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ