શરદ પવારના રાજીનામાથી એનસીપીમાં ખેંચતાણ, અજિત પવારે કહ્યું – નવા નેતૃત્વને તક મળવી જોઈએ

Sharad Pawar : મહારાષ્ટ્રમાં થયેલા આ મોટા ઘટનાક્રમ બાદ હવે સવાલ એ ઊભો થયો છે કે પવાર બાદ એનસીપીના નવા બોસ કોણ બનશે? આખરે પવાર આ પદ કોને સોંપવાના છે?

Written by Ashish Goyal
May 02, 2023 16:52 IST
શરદ પવારના રાજીનામાથી એનસીપીમાં ખેંચતાણ, અજિત પવારે કહ્યું – નવા નેતૃત્વને તક મળવી જોઈએ
મંગળવારે એનસીપી પ્રમુખ શરદ પવારે પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી (તસવીર - એક્સપ્રેસ)

Sharad Pawar Resigned as NCP Chief : મંગળવારે એનસીપી પ્રમુખ શરદ પવારે પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. શરદ પવારે કહ્યું કે હવે રોટલી ફેરવવાનો સમય આવી ગયો છે, જો રોટલી ફેરવવામાં નહીં આવે તો તે બળી જશે. જે પછી પાર્ટીમાં ખેંચતાણ જોવા મળી રહી છે. શરદ પવારના સમર્થકો ઇચ્છે છે કે તેઓ પાર્ટી અધ્યક્ષ તરીકે યથાવત્ રહે. આ દરમિયાન એનસીપી નેતા અજિત પવારનું નિવેદન પણ સામે આવ્યું છે.

વારંવાર નિર્ણયો પાછા લેવાનું ન કહો: અજિત પવાર

અજિત પવારે કહ્યું કે નવા નેતૃત્વને તક મળવી જોઈએ. પવાર સાહેબ ઇચ્છે છે કે નવી પેઢી નેતૃત્વ કરે. આપણને તેમનો સાથ મળતો રહેશે. નવું નેતૃત્વ પવારની આગેવાનીમાં કામ કરશે. તમામ નિર્ણયો શરદ પવારની સંમતિથી લેવામાં આવશે. વારંવાર નિર્ણય પાછો ખેંચવાનું ન કહો. શરદ પવાર સાહેબે પાર્ટી છોડી નથી, તેમણે આ પદ છોડી દીધું છે.

અજિત પવારે સુપ્રિયા સુલેને કશું ન બોલવાની સલાહ આપી છે. અજિત પવારે કહ્યું કે હું તેનો મોટો ભાઈ છું અને તેથી જ હું તેને આ સલાહ આપું છું. એનસીપીના કાર્યકરોની માંગણી છે કે સુપ્રિયા સુલેએ શરદ પવાર સાથે વાત કરવી જોઈએ. બીજી તરફ પ્રફુલ પટેલે કહ્યું કે શરદ પવાર સાહેબના નિર્ણયનું સન્માન કરવું જરૂરી છે. પવાર સાહેબે સમજી વિચારીને નિર્ણય લીધો છે.

એનસીપી નેતા જયંત પાટિલે કહ્યું કે શરદ પવારના આ નિર્ણય સાથે દેશભરના કાર્યકર્તાઓ સહમત નથી. અમે નક્કી કર્યું છે કે અમે તેમનો વિચાર બદલવાના પ્રયત્નો ચાલુ રાખીશું. અમારો નિર્ણય છે કે તેઓ છેલ્લા શ્વાસ સુધી એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બન્યા રહેશે.

આ પણ વાંચો – શરદ પવારે NCPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત

કોંગ્રેસ નેતા તારિક અનવરે કહ્યું કે શરદ પવાર એક અનુભવી નેતા છે. તેમણે કયા સંજોગોમાં રાજીનામું આપ્યું છે તે શરદ પવાર કે તેમનો પરિવાર જ જણાવી શકે છે. તેઓ 25 વર્ષ સુધી એનસીપીના પ્રમુખ રહ્યા પછી આ ખૂબ મોટું પગલું છે.

એનસીપીના બોસ હવે કોણ બનશે?

મુંબઈમાં એનસીપીના કાર્યકરો શરદ પવારના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. એનસીપીના કાર્યકરો કહી રહ્યા છે કે પવારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લેવો જોઈએ. જ્યાં સુધી શરદ પવાર પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે ત્યાં સુધી અમે અહીંથી જઇશું નહીં. મહારાષ્ટ્રમાં થયેલા આ મોટા ઘટનાક્રમ બાદ હવે સવાલ એ ઊભો થયો છે કે પવાર બાદ એનસીપીના નવા બોસ કોણ બનશે? આખરે પવાર આ પદ કોને સોંપવાના છે?

શરદ પવારે પોતાના રાજીનામાના પત્રમાં શું કહ્યું

શરદ પવારે પાર્ટી પદ પરથી રાજીનામું આપતા લખ્યું કે મારા સાથીઓ! હું એનસીપીના પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યો છું, પરંતુ સામાજિક જીવનમાંથી નિવૃત્તિ લઈ રહ્યો નથી. સતત મુસાફરી એ મારા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. હું જાહેર સભાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેવાનું ચાલુ રાખીશ. હું પૂણે, બારામતી, મુંબઈ, દિલ્હી કે પછી ભારતના કોઈ પણ ભાગમાં રહું પણ હું હંમેશાની જેમ તમારા બધા માટે હાજર રહીશ. હું લોકોની સમસ્યાઓ હલ કરવા માટે દરેક સમયે કામ કરીશ. લોકોનો પ્રેમ અને વિશ્વાસ મારો શ્વાસ છે. હું જનતા સાથે હતો અને મારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહીશ. તો આપણે લોકો મળતા રહીશું. આભાર.

ગયા અઠવાડિયે શરદ પવારે આપ્યા હતા સંકેત

ગયા અઠવાડિયે શરદ પવારે કહ્યું હતું કે કોઈએ મને કહ્યું હતું કે રોટલી યોગ્ય સમયે ફેરવવી પડે છે અને જો તેને યોગ્ય સમયે ફેરવવામાં ન આવે તો તે કડવી થઈ જાય છે. હવે રોટલી ફેરવવાનો યોગ્ય સમય છે, તેમાં મોડું ન કરવું જોઈએ. આ અંગે હું પાર્ટીના વરિષ્ઠ નેતાઓને આગ્રહ કરું છું કે તેઓ તેના પર કામ કરે. શરદ પવારના આ નિવેદનથી એવી અટકળો વહેતી થઈ હતી કે આગામી દિવસોમાં એનસીપીમાં મોટો ફેરબદલ થઈ શકે છે.

સુપ્રિયા સુલેએ 17 એપ્રિલના રોજ આ જાહેરાત કરી હતી

શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ 17 એપ્રિલે કહ્યું હતું કે 15 દિવસમાં મહારાષ્ટ્રના રાજકારણમાં બે મોટા ધડાકા થશે. આ નિવેદનના 16 દિવસ પછી 2 મેના રોજ બપોરે શરદ પવારે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ પદ છોડવાના નિર્ણયની જાહેરાત કરી હતી.

શરદ પવારે 1999માં કોંગ્રેસથી છેડો ફાડીને એનસીપી બનાવી હતી

દેશમાં હાલમાં એનસીપીના નવ સાંસદ છે. જેમાં લોકસભાના પાંચ સભ્યો અને રાજ્યસભાના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. સાથે જ પાર્ટી પાસે દેશભરમાં 57 ધારાસભ્યો છે. મહારાષ્ટ્રમાં 54, કેરળમાં બે અને ગુજરાતમાં એક ધારાસભ્ય છે. એનસીપીની સત્તાવાર વેબસાઈટ મુજબ દેશમાં પાર્ટીના 20 લાખ કાર્યકર્તા છે. શરદ પવારે 1999માં કોંગ્રેસથી છેડો ફાડીને એનસીપીની રચના કરી હતી. ત્યારથી તેઓ પાર્ટીના પ્રમુખ હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ