maharashtra : મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારે શુક્રવારે કહ્યું કે તેમના પુત્રની હિસ્ટ્રીશીટર સાથે મુલાકાત એક ભૂલ હતી. આને ટાળવું જોઈતું હતું. અજીત પવારે આ વાત ત્યારે કહી જ્યારે તેમના પુત્ર પાર્થ પવારની ગેંગસ્ટર ગજાનન માર્ને સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે તેઓ પાર્થ પવાર અને ગેંગસ્ટર ગજાનન માર્ને વચ્ચેની બેઠકની તમામ વિગતો એકત્રિત કરશે.
અજિત પવારે એમ પણ કહ્યું હતું કે પાર્ટીના કાર્યકરો તેમના પુત્રને ત્યાં લઈ ગયા હશે. આ ઘટના પછી મેં પોલીસને સ્પષ્ટપણે કહ્યું હતું કે આવા તત્વોએ તેમની નજીક ન આવવું જોઈએ. તે કોઈપણ નેતા સાથે થઈ શકે છે. જે બન્યું તે ખોટું હતું. હું બધી વિગતો એકઠી કરી રહ્યો છું. લાગે છે કે પાર્ટીના કાર્યકર્તાઓ પાર્થને ત્યાં લઈ ગયા હશે. આવું ન થવું જોઈતું હતું. હું તેની સાથે વાત કરીશ.
અજિત પવારે કહ્યું હતું કે એક વખત હિસ્ટ્રીશીટરને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે તેનો ભૂતકાળ જાહેર થયા પછી તરત જ તેને દૂર કરવામાં આવ્યો હતો. એનસીપીના અનેક કાર્યકરો સાથે પાર્થ પવાર અને ગજાનન માર્ને વચ્ચેની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
કોણ છે ગજાનન માર્ને?
ગજાનન માર્ને પૂણે સિટીનો જાણીતો ગેંગસ્ટર છે. હત્યાના બે કેસમાં તે તલોજા જેલમાં બંધ હતો. ફેબ્રુઆરી 2021માં તે બહાર આવ્યા પછી તણે તલોજાથી પૂણે સુધી 300થી વધુ કારની રેલી કાઢી હતી. તે કારનો સનરૂફ ખુલ્લો રાખીને ઊભો હતો અને લોકોનું અભિવાદન કરી રહ્યો હતો. આ પછી તે હેડલાઇન્સમાં આવ્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.
આ પણ વાંચો – ટાટા અને એરબસ મળીને ભારતમાં હેલિકોપ્ટર બનાવશે, ફ્રાન્સ સાથે મોટી ડીલ
શરદ પવારે એનસીપીમાં અજિત પવારનો વિકલ્પ તૈયાર કરી લીધો?
આ સાથે જ મહારાષ્ટ્રના રાજકીય કોરિડોરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય રોહિત પવાર આજકાલ હેડલાઇન્સમાં છે. રોહિત ચર્ચામાં રહેવાના બે કારણો છે. પહેલું કારણ બારામતી એગ્રોના કેસમાં ઇડી સમન્સ છે. બીજું કારણ રોહિત માટે શરદ પવારની મોર્ચેબંધી છે. એનસીપીના જણાવ્યા અનુસાર બુધવારે જ્યારે ઈડી દ્વારા રોહિતની પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે શરદ પવાર તેના માટે લગભગ 12 કલાક સુધી ઓફિસમાં બેઠા હતા.
એટલું જ નહીં જ્યારે રોહિત ઇડી ઓફિસમાંથી બહાર આવ્યો ત્યારે શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે તેની સાથે દેખાઇ હતી. બંનેએ કાર્યકર્તાઓ સાથે ઇડી ઓફિસની બહાર રાજકીય શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. રોહિત બીજા દિવસે એટલે કે ગુરુવારે શરદ પવાર સાથે પણ જોવા મળ્યો હતો. આ દિવસે શરદ પવાર એનસીપીના ધારાસભ્યોના સભ્યપદને લઈને વિધાનસભા અધ્યક્ષને મળવા ગયા હતા. પવારની સાથે રોહિત અને સુપ્રિયા સુલે હાજર હતા.