Manipur Violence : મણિપુરના ત્રણ વખતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી સિંહે શનિવારે કહ્યું હતું કે જો મણિપુરને ભારતનો ભાગ માનવામાં આવે છે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મે મહિનાથી રાજ્યમાં ભડકેલા હિંસક સંઘર્ષ પર તેમની ચિંતા વ્યક્ત કરવી જોઈએ. ઓકરામ ઇબોબી સિંહ મણિપુરના 10 પાર્ટી પ્રતિનિધિમંડળનો એક ભાગ છે જે PMને મળવા માટે નવી દિલ્હીમાં છે. પ્રતિનિધિમંડળે 12 જૂને પીએમ મોદી સાથે મુલાકાતની માંગ કરી હતી પરંતુ હજુ સુધી મુલાકાત થઇ નથી. પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસ, જેડી(યુ), સીપીઆઈ, સીપીએમ, આરએસપી, ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના (યુબીટી), આમ આદમી પાર્ટી અને એનસીપી સામેલ છે.
નવી દિલ્હીમાં એઆઈસીસીના મુખ્યાલયમાં મીડિયાને સંબોધિત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે 3 મે થી મણિપુર સળગી રહ્યું છે જે આજ સુધી ચાલુ છે. દરરોજ હિંસાની ઘટના બનતી રહે છે. કેન્દ્રીય મંત્રી આર કે રંજનના ઘર ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. રાજ્યમાં અને ખાસ કરીને રાહત શિબિરોમાં હાહાકાર મચી ગયો છે, જ્યાં મહિલાઓ અને બાળકો સહિત 20 હજારથી વધુ લોકોએ આશરો લીધો છે. પરંતુ આજ સુધી વડાપ્રધાને મણિપુરની હિંસા વિશે કોઇ વાત કરી નથી. અમને (મણિપુરના લોકો તરીકે) લાગે છે કે મણિપુર ભારતનો ભાગ છે કે નહીં? જો તે ભારતનો ભાગ છે, તો પછી વડા પ્રધાને ઓછામાં ઓછું એક ટ્વિટ દ્વારા કંઈક કહેવું જોઈએ.
ઓકરામ ઇબોબી સિંહે કહ્યું કે પ્રતિનિધિમંડળે એક મેમોરેન્ડમ તૈયાર કર્યું છે જે ટૂંક સમયમાં જ પીએમ મોદીને સુપરત કરવાની આશા છે. અમે અહીં પરિસ્થિતિનું રાજકારણ કરવા આવ્યા નથી. અમે અહીં ફક્ત એટલું જ કહેવા માટે આવ્યા છીએ કે શક્ય તેટલી વહેલી તકે શાંતિ પુન:સ્થાપિત કરવામાં આવે. મહેરબાની કરીને અમારી મદદ કરો. શાંતિ સ્થાપિત થયા પછી આગળનું પગલું લઈ શકાય છે અને બંને સમુદાયો વચ્ચે વાતચીત શરૂ કરી શકાય છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સરકારે કયા પ્રકારનાં પગલાં ભરવાની જરૂર છે ત્યારે ઓકરામ ઇબોબી સિંહે કહ્યું કે તે નક્કી કરવાનું કામ કેન્દ્રનું છે.
આ પણ વાંચો – મણિપુરના ઇમ્ફાલ સુરક્ષાદળો અને ભીડ વચ્ચે અથડામણમાં બે ઘાયલ, બીજેપી નેતાના ઘરને આગચંપીની કોશિશ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મણિપુરના પ્રભારી જયરામ રમેશે કહ્યું કે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમયમાં પણ મણિપુરમાં પણ આવી જ કટોકટી ઊભી કરી હતી. એનએસસીએન (આઈ-એમ) સાથે યુદ્ધવિરામની સમજુતીનો રાજ્યમાં વિસ્તાર પછી મણિપુરમાં તે સમયે હિંસા ફાટી નીકળી હતી. તે સમયે મણિપુરના એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે પણ વાજપેયીને મળવા કહ્યું હતું.
બરાબર 22 વર્ષ પહેલાં 18 જૂન 2001ના રોજ મણિપુર સળગી રહ્યું હતું. ઈમ્ફાલ સળગી રહ્યું હતું. વિધાનસભાને આગ ચાંપી દેવામાં આવી હતી. સ્પીકરના બંગલાને આગ ચાંપી દેવામાં આવી હતી. સચિવાલયને આગ ચાંપી દેવામાં આવી હતી. આ પછી ત્રણ મહિનાની નાકાબંધી કરવામાં આવી હતી. જ્યારે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે વાજપેયીને બેઠક માટે વિનંતી કરી ત્યારે છ દિવસની અંદર જ તેઓ વાજપેયીને મળ્યા હતા. તે સમયે પ્રતિનિધિમંડળે એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું અને મણિપુરની પરિસ્થિતિની માહિતી આપી હતી. વડા પ્રધાન વાજપેયીએ મણિપુરના લોકોને શાંતિ જાળવવા અને શાંતિ પુન:સ્થાપિત કરવામાં વહીવટીતંત્રને મદદ કરવાની અપીલ કરી હતી.
જયરામ રમેશે કહ્યું કે હિંસા ચાલુ રહી તો પીએમ વાજપેયીએ 8 જુલાઈએ બીજી વખત પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી, જે પછી તેમણે રાજ્યમાં થયેલી જાનહાનિ અંગે પોતાની તરફથી અને દેશની જનતાનું વ્યક્તિગત દુઃખ વ્યક્ત કરીને ફરી એકવાર શાંતિની અપીલ કરી હતી. વાજપેયીએ યુદ્ધવિરામ સમજૂતીની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જયરામ રમેશે કહ્યું કે આજે અમે 40 દિવસથી બેઠા છીએ અને રાહ જોઈ રહ્યા છીએ. પ્રધાનમંત્રી તરફથી કોઈ નિવેદન, કોઈ સંદેશ કે કોઇ અપીલ કરવામાં આવી નથી. મણિપુરમાં ભાજપના નેતૃત્વવાળી રાજ્ય સરકારની સંપૂર્ણ નિષ્ફળતા ગણાવી હતી. તેમણે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહની રાજ્યની મુલાકાત છતાં હિંસા સતત ચાલુ રહી છે.
રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પાંચ વખતના ધારાસભ્ય અને ચાર વખત મંત્રી રહી ચુકેલા નિમાઈચંદ લુવાંગે જણાવ્યું હતું કે મણિપુરમાં શું થયું છે તે બધા જાણે છે. ત્યાં 120થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે સંભવિત આંકડો વધી શકે છે કારણ કે ઘણા લોકો ગુમ થયા છે. 400થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 60 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. ઘણા લોકો મિઝોરમ, આસામ, દિલ્હી વગેરે સ્થળોએ ભાગી ગયા છે. 5000થી વધુ ઘરો બળીને ખાખ થઈ ગયા છે જેના કારણે ઘણા લોકો બેઘર થઈ ગયા છે. ગૃહ મંત્રી સંઘર્ષના 26 દિવસ બાદ રોજ મણિપુર આવ્યા હતા. તેઓ કર્ણાટકની ચૂંટણીમાં ખૂબ જ વ્યસ્ત હતા. ગૃહમંત્રીની મુલાકાત બાદ મણિપુરના લોકોને થોડી શાંતિની આશા હતી પરંતુ એવું થયું નહીં. રાજ્યના ભાજપના નેતાઓને એ વાતનો ખૂબ ગર્વ છે કે ગૃહમંત્રી મણિપુર આવ્યા અને પૂરા ત્રણ દિવસ રોકાયા. તેમની મુલાકાત બાદ હિંસા ચાલુ જ રહી છે. લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
રાજ્યના વહીવટ પર ખરાબ રીતે નિષ્ફળ હોવાનો આરોપ લગાવતા લુવાંગે ઉમેર્યું હતું કે રાજ્યના લોકો માને છે કે મણિપુરમાં કોઈ સરકાર નથી. અમારું માનવું છે કે જો વડા પ્રધાન પગલાં લેશે તો મણિપુરમાં 24 કલાકમાં શાંતિ પુન:સ્થાપિત થઈ શકે છે. શું કાર્યવાહી હશે તે અમે મોદીજીના વિવેક પર છોડીએ છીએ. જયરામ રમેશે ચીની ઘૂસણખોરી સહિત ઘણા મુખ્ય મુદ્દાઓ પર વડા પ્રધાનના મૌનની તુલના કરી અને કહ્યું હતું કે આ લોકોને નુકસાન પહોંચાડે છે.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો