Gyanvapi News: જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને હાઇકોર્ટ તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે. વ્યાસજીના ભોંયરામાં પૂજાની મંજૂરી આપવાના વારાણસી કોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે હાઈકોર્ટે કહ્યું છે કે ભોંયરામાં પૂજા ચાલુ રહેશે. આ કેસની આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ થશે. હાઈકોર્ટમાં મસ્જિદ કમિટી વતી પૂજા પર પ્રતિબંધ મુકવાની માગણી કરવામાં આવી હતી. કોર્ટે આના પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો.
હાઇકોર્ટમાં શું થયું?
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે જ્ઞાનવાપી સંકુલમાં ચાર ભોંયરા છે. આમાંથી કયા ભોંયરામાં હિન્દુ પક્ષ પૂજા કરવા માગે છે? મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે ચાર ભોંયરામાંથી એક વ્યાસજીનું ભોંયરું છે. હિન્દુ પક્ષ આમાં પૂજા કરવાની પરવાનગી માંગે છે. કોર્ટે કહ્યું કે રિસીવરની નિમણૂકમાં આટલી ઉતાવળ કેમ કરવામાં આવી તેને પણ જલ્દી જોવામાં આવશે. કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચુકાદામાં 7 દિવસમાં કાર્યવાહી કરવા જણાવ્યું હતું જ્યારે 7 કલાકમાં જ આ આદેશનો અમલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – જ્ઞાનવાપી : વ્યાસજીનું ભોંયરું શું છે? હિન્દુઓને 31 વર્ષ પછી મળ્યો પૂજાનો અધિકાર
કોર્ટે મુસ્લિમ પક્ષ તરફથી હાજર રહેલા વકીલ એસએફએ નકલીને પૂછ્યું હતું કે તેમણે 17 જાન્યુઆરીના આદેશને કેમ પડકાર્યો નથી. તેમના તરફથી કહેવામાં આવ્યું કે 31 જાન્યુઆરીના આદેશ બાદ અમારે તરત જ આવવું પડશે. મુસ્લિમ પક્ષે કહ્યું કે જિલ્લા અદાલતના આદેશ બાદ જિલ્લા મેજિસ્ટ્રેટે રાત્રે તૈયારી શરૂ કરીને પૂજા કરાવી દીધી હતી. મુસ્લિમ પક્ષે કહ્યું કે કોર્ટના આદેશના 9 કલાકની અંદર જ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી હતી.
પૂજા અને નમાઝ માટે અલગ-અલગ રસ્તા
કોર્ટના આદેશ બાદથી જ્ઞાનવાપી સંકુલમાં પૂજા-અર્ચના ચાલુ છે. અગાઉ શ્રદ્ધાળુઓને દૂરથી જ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જોકે બાદમાં તેમને નજીકમાંથી પણ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જ્ઞાનવાપીમાં પૂજા અને નમાજ માટે અલગ-અલગ રસ્તા બનાવવામાં આવ્યા છે. શુક્રવારે જુમ્માની નમાઝ અને મુસ્લિમ સંગઠનો દ્વારા વારાણસી બંધના આદેશ બાદ સુરક્ષા વ્યવસ્થા કરવામાં વધારી દેવામાં આવી હતી. દરેક સ્થળે પોલીસનો પહેરો છે. ડ્રોન દ્વારા સંવેદનશીલ વિસ્તારો ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે.





