અમરનાથ યાત્રા ત્રણ દિવસ બાદ ફરી શરૂ થઈ, ભારે વરસાદને કારણે રામબનમાં 6000 હજારથી વધુ તીર્થયાત્રી ફસાયા

Amarnath Yatra : ઘાટીમાં ભારે વરસાદના કારણે ફસાયેલા 700થી વધુ અમરનાથ યાત્રીઓને સેનાએ અનંતનાગ જિલ્લાના કાજીગુંડ સ્થિત એક કેમ્પમાં આશરો આપ્યો છે

Written by Ashish Goyal
July 09, 2023 18:16 IST
અમરનાથ યાત્રા ત્રણ દિવસ બાદ ફરી શરૂ થઈ, ભારે વરસાદને કારણે રામબનમાં 6000 હજારથી વધુ તીર્થયાત્રી ફસાયા
જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે ત્રણ દિવસ સુધી સ્થગિત રહ્યા બાદ રવિવારે અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ છે (તસવીર - એએનઆઈ)

Amarnath Yatra 2023 : જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે ત્રણ દિવસ સુધી સ્થગિત રહ્યા બાદ રવિવારે અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હવામાનની સ્થિતિમાં સુધારો થયા બાદ પહેલગામ માર્ગ પરની વાર્ષિક અમરનાથ યાત્રા રવિવારે બપોરે ફરી શરૂ થઈ હતી. બીજા રૂટ બાલટાલ પર યાત્રા હજુ શરૂ થઇ નથી. આ પહેલા જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાનના કારણે શુક્રવારથી યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી.

પંજતરણી અને શેષનાગ બેઝ કેમ્પથી યાત્રા ફરી શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે અમરનાથ ગુફાની આસપાસ આકાશ સ્વચ્છ દેખાયા બાદ સત્તાવાળાઓએ ગુફા મંદિરના દરવાજા ખોલી નાખ્યા હતા અને ફસાયેલા યાત્રાળુઓને બરફના શિવલિંગની એક ઝલક જોવાની મંજૂરી આપી હતી. પંજતરણી બેઝ કેમ્પના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે જે યાત્રાળુઓ પહેલા જ દર્શન કરી ચુક્યા હતા તેમને બાલટાલ બેઝ કેમ્પમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી છે.

ઘાટીમાં ભારે વરસાદને કારણે 700થી વધુ અમરનાથ યાત્રીઓ ફસાયા

અધિકારીઓએ જણાવ્યું કે યાત્રા સ્થગિત થયા બાદ રામબનમાં 6000 તીર્થયાત્રીઓ ફસાયેલા છે. ઘાટીમાં ભારે વરસાદના કારણે ફસાયેલા 700થી વધુ અમરનાથ યાત્રીઓને સેનાએ અનંતનાગ જિલ્લાના કાજીગુંડ સ્થિત એક કેમ્પમાં આશરો આપ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા દિવસે ખરાબ હવામાન અને જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ હોવાને કારણે યાત્રાળુઓની કોઈ નવી ટુકડીને જમ્મુથી ખસેડવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ભૂસ્ખલનના કારણે બંધ થયેલા હાઇવે પર ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો – હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી, 9 લોકોના મોત, ઘણા રસ્તાઓ ધોવાઇ ગયા

જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ

રામબન જિલ્લામાં ભૂસ્ખલનના કારણે આશરે 40 મીટરનો રસ્તો તૂટી પડતાં 3,500થી વધુ વાહનો ફસાયા હતા. અમરનાથ ગુફાના ઊંચાઈવાળા વિસ્તાર સહિત જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં ગુરુવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારથી આ વિસ્તારમાં હવામાનમાં સુધારો થવાની શક્યતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સતત વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર કાટમાળ સાફ કરવાનું કામ ખોરંભે પડ્યું છે.

રસ્તો કાર્યરત થયા બાદ ફસાયેલા વાહનોને પ્રાથમિકતાના ધોરણે બહાર કાઢવામાં આવશે

ટ્રાફિક વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનનો કાટમાળ સાફ કરવા અને જૂના રસ્તા પરથી પંથિયાલ ટનલ નજીક ક્ષતિગ્રસ્ત રસ્તા સુધી પહોંચીને તેનું સમારકામ કરવાની કામગીરી ચાલી રહી છે. પંથિયલમાં પર્વતીય વિસ્તારમાંથી પસાર થતા હાઈવે પર પહાડો પરથી સતત ખડકો પડવાના કારણે ટ્રાફિક રિસ્ટોરેશનનું કામ ખોરવાઈ રહ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર રસ્તો કાર્યરત થયા બાદ ફસાયેલા વાહનોને પ્રાથમિકતાના ધોરણે બહાર કાઢવામાં આવશે. ત્યારબાદ જમ્મુ અને શ્રીનગરથી નવા વાહનોને આવવાની મંજૂરી આપવામાં આવશે. અધિકારીના જણાવ્યા અનુસાર માર્ગ પરથી કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ