Jammu Kashmir: જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર આર્ટિકલ 370ને રદ કર્યા પછી ઘાટી (બારામુલા)માં બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)પોતાની પ્રથમ સાર્વજનિક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે પાકિસ્તાન સાથે કોઇ પ્રકારની વાતચીત કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. સાથે તેમણે કહ્યું કે કેન્દ્રની બીજેપી સરકારમાં ત્રણ વર્ષની અંદર 56 હજાર કરોડનું રોકાણ થયું છે. જમ્મુ કાશ્મીરમાં ત્રણ પરિવારે 70 વર્ષ શાસન કર્યું પણ આ ત્રણ પરિવારોએ જમ્મુ કાશ્મીર લોકો માટે કશું કર્યું નથી.
અમિત શાહે રેલીમાં કહ્યું કે કેટલાક લોકો મને સલાહ આપી રહ્યા છે કે મારે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ, જે અહીં સત્તર વર્ષથી શાસન કરી રહ્યા છે તે મને સલાહ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે હું સ્પષ્ટ કરું છું કે હું પાકિસ્તાન સાથે વાત કરવા માંગતો નથી. હું બારાબુલાના ગુર્જરો અને પહાડીયો સાથે વાત કરીશ. હું કાશ્મીરના યુવાઓ સાથે વાત કરીશ. પાકિસ્તાને અહીં આતંકવાદ ફેલાવ્યો છે. તેમણે કાશ્મીર માટે શું સારું કર્યું છે.
આ પણ વાંચો – 10-15 દિવસ પહેલા નીતિશ કુમારે ફરી આપી હતી ઓફર, મેં ના પાડી દીધી – પ્રશાંત કિશોર
ગૃહમંત્રીએ કહ્યું કે મેં મહબુબા મુફ્તિનું એક ટ્વિટ જોયું. તેમણે કહ્યું કે ગૃહમંત્રીએ હિસાબ આપ્યા પછી જ પાછું જવું જોઈએ, જે તેમણે કર્યા છે. અમિત શાહે કહ્યું કે મહબુબા મુફ્તિ તમે કાન ખોલીને સાંભળો, અમે જે કર્યું છે તેનો હિસાબ અમે આપીશું પણ તમે અને ફારુક સાહબ બતાવો કે કાશ્મીરમાં 70 વર્ષમાં કેટલું રોકાણ આવ્યું, કેટલા ઉદ્યોગ લાગ્યા, કેટલા કારખાના ખુલ્યા અને કેટલા યુવાઓને રોજગાર આપવામાં આવ્યો છે. 70 વર્ષમાં ફક્ત 15000 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. જ્યારે ફક્ત ત્રણ વર્ષની અંદર પીએમ મોદી 56 હજાર કરોડ રૂપિયાનું રોકાણ લઇને આવ્યા.
અમિત શાહે કહ્યું કે મોદી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ જમ્મુ કાશ્મીરમાં લોકતંત્રને જમીની સ્તર પર લઇ જવાનું છે. તેમણે દાવો કર્યો કે પહેલા લોકતંત્ર ફક્ત ત્રણ પરિવારો, 87 ધારાસભ્યો અને 3 સાંસદો સુધી સિમિત હતું. અમે તેને ગામડા સુધી લઇ ગયા છીએ. 30000 પંચો અને સરપંચો સુધી લઇ ગયા છીએ.