Criminal Laws Bill Passed Lok Sabha : લોકસભામાં બુધવારે ત્રણ ક્રિમિનલ લો બિલ પસાર કરવામાં આવ્યા છે. હવે આ બિલો રાજ્યસભામાં રજૂ થવાના છે. આ ત્રણ બિલો – ભારતીય ન્યાય (દ્વિતીય) કોડ 2023, ઇન્ડિયન સિવિલ ડિફેન્સ (દ્વિતીય) કોડ 2023 અને ઇન્ડિયન એવિડન્સ (દ્વિતીય) બિલ 2023ને ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પાછલા સપ્તાહે લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા.
બુધવારે, આ ત્રણ બિલો પર ચર્ચા દરમિયાન, ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ત્રણ ફોજદારી કાયદાની સ્થાને લાવવામાં આવેલા બિલો ગુલામીની માનસિકતાને નાબૂદ કરવા અને તેને સંસ્થાનવાદી કાયદાઓથી મુક્ત કરવાની નરેન્દ્ર મોદી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ગૃહમાં ચર્ચાનો જવાબ આપતા તેમણે એવું પણ કહ્યું કે, આ પ્રસ્તાવિત કાયદાઓ ‘વ્યક્તિગત સ્વતંત્રતા, માનવ અધિકાર અને તમામ સાથે સમાન વ્યવહાર’ના ત્રણ સિદ્ધાંતોના આધારે લાવવામાં આવ્યા છે. કોઈનું નામ લીધા વિના તેમણે આડકતરી રીતે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘જો મન ઈટાલીનું હોય તો આ કાયદો ક્યારેય નહીં સમજાય, પરંતુ જો મન અહીંયાનું હશે તો સમજાઇ જશે.’
ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે સંસદમાં નવા ત્રણ ક્રિમિનલ લો બિલ વિશે કહ્યું કે, ભારતીય નાગરિક સુરભા સંહિતા (સીઆરપીસી)માં અગાઉ 484 કલમો હતી, હવે 531 કલમ હશે. જેમાં 9 નવી કલમ ઉમેરાઇ છે અને 39 નવી પેટા-કલમનો સમાવેશ કરાયો છે.
અમિત શાહે કહ્યુ કે, સીઆરપીસીની 177 કલમોમાં ફેરફાર કરાયો છે. 44 નવી જોગવાઇ અને સ્પષ્ટીકરણ ઉમેરવામાં આવ્યા છે. 35 સેક્શનમાં ટાઇમ લાઇન ઉમેરવામાં આવી છે અને 14 કલમને હટાવી દેવામાં આવી છે.
મોબ લિચિંગના ગુનામાં હવે ફાંસીની સજા થશે
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે, મોબ લિચિંગ ધુણાસ્પદ અપરાધ છે અને આ કાયદામાં મોબ લિચિંગ અપરાધ માટે ફાંસીની સજાની જોગવાઇ કરી છે. પરંતુ હું વિપક્ષને પૂછવા માંગીશ કે તમે (કોંગ્રેસ) પણ વર્ષો સુધી દેશમાં શાસન કર્યુ છે. તમે મોબ લિચિંગની વિરુદ્ધ કાયદો કેમ બનાવ્યો નહીં. તમે મોબ લિચિંગ શબ્દનો ઉપયોગ માત્ર તમે ગાળ આફવા માટે કર્યો, પરંતુ સત્તામાં રહેતા તમે કાયદો બનાવવાનું ભૂલી ગયા.
ત્રણ બિલ અંગે અમિત શાહે શું કહ્યું? જાણો મહત્વપૂર્ણ બાબતો
- અમિત શાહે કહ્યું કે આઝાદી પછી પહેલીવાર ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સાથે સંબંધિત ત્રણેય કાયદાઓનું માનવીકરણ કરવામાં આવશે.
- ગૃહમંત્રી શાહે એમ પણ કહ્યું હતું કે નવા કાયદાઓમાં મહિલાઓ અને બાળકોને અસર કરતા કાયદાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે, ત્યારબાદ માનવ અધિકાર સંબંધિત કાયદાઓ અને દેશની સુરક્ષાને લગતા કાયદાઓ છે.
- ગૃહમંત્રીએ ગૃહમાં કહ્યું કે ‘મોબ લિંચિંગ’ એ જઘન્ય અપરાધ છે અને આ કાયદામાં મોબ લિંચિંગના ગુના માટે મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે.
- તેમણે કહ્યું કે સરકાર રાજદ્રોહને દેશદ્રોહમાં બદલવા જઈ રહી છે. તેમણે કહ્યું, “આતંકવાદને અત્યાર સુધી કોઈ કાયદામાં સમજાવવામાં આવ્યું ન હતું. હવે પહેલીવાર મોદી સરકાર આતંકવાદને સમજાવવા જઈ રહી છે.”
- અમિત શાહે કહ્યું કે આ બિલો દ્વારા સરકારે ત્રણેય ફોજદારી કાયદાઓને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કર્યા છે. તેમણે કહ્યું, “પહેલાના કાયદાઓ હેઠળ, બ્રિટિશ રાજની સુરક્ષા પ્રાથમિકતા હતી, હવે માનવ સુરક્ષા, દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે.”