(કંચન વાસદેવ) પંજાબમાં ખાલિસ્તાન સમર્થક સંગઠન ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે પોલીસ ચારેય બાજુ શોધખોળ કરી રહી છે. પોલીસે અમૃતપાલ સિંહને ‘ભાગેડુ’ જાહેર કર્યો છે અને રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમૃતસરના જલ્લૂપુર ખેડા ગામમાં અમૃતપાલના ઘરની બહાર પણ મોટી સંખ્યામાં પોલીસ દળ ખડકી દેવામાં આવ્યું છે. આ સાથે કલમ-144 લાગુ કરવાની સાથે સાથે રાજ્યમાં મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ બંધ કરવામાં આવી છે.
વારિસ પંજાબ ડેના વડા અમૃતપાલ સિંહની ધરપકડ મામલે જલંધર સીપી કેએસ ચહલે કહ્યું કે, “પોલીસે લગભગ 20-25 કિલોમીટર સુધી તેનો પીછો કર્યો પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો. અમને એક નંબર મળ્યો છે. હથિયારો સહિત 2 કાર જપ્ત કરવામાં આવી છે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે અને અમે ટૂંક સમયમાં તેની ધરપકડ લઇ કરીશું. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવાઇ રહે તેની પૂરેપુરી તકેદારી રાખવામાં આવશે.”
ભગવંત માન અને અમિત શાહ વચ્ચે 2 માર્ચે મુલાકાત થઇ
હકીકતમાં, પંજાબ પોલીસની ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહની ધરપકડ કરવાની યોજના રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માન અને દેશના ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે થયેલી મુલાકાત બાદ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભંગવત માન અને અમિત શાહ વચ્ચે 2 માર્ચ, 2023ના રોજ તેમની મુલાકાત દરમિયાન આ અંગે ચર્ચા કરી હતી. 2 માર્ચના રોજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કર્યું હતું કે, તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા અને રાજ્ય અને કેન્દ્ર બંને કાયદો અને વ્યવસ્થાના મામલે સાથે મળીને કામગીરી કરવા સંમત થયા હતા.
120 સૈન્ય દળોની માંગણી કરી
28 ફેબ્રુઆરીએ પંજાબ સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી રાજ્ય માટે કેન્દ્રીય દળોની 120 સૈન્ય ટુકડીઓની માંગ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે તેની પાસે અમૃતપાલ સામે તાત્કાલિક પગલાં લેવાની યોજના છે જેના સમર્થકોએ તેના એક સહયોગીને કસ્ટડીમાંથી મુક્ત કરવા માટે 23 ફેબ્રુઆરીએ અમૃતસર નજીકના અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.
અમૃતપાલ સિંહની ધરપકડ કરવાની યોજના
પ્રાપ્ત અહેવાલો અનુસાર, પંજાબમાં પોલીસ કાયદો અને વ્યવસ્થાની કોઈપણ કટોકટીને ટાળવા માટે અમૃતપાલ સિંહને આત્મસમર્પણ માટે તૈયાર કરવા હેતુ તેના પરિવાર સાથે વાતચીત ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે શનિવારે તેને શોધવા માટે પંજાબમાં વધારાના સૈન્ય દળોને મોકલ્યા હતા. શુક્રવારના રોજ પંજાબ G-20ની બેઠક પૂરી થયા બાદ ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહની ધરપકડ કરવાની યોજના હતી.
અમૃતપાલ સિંહ જેણે પાછલા મહિને તેના મુખ્ય સહયોગીની ધરપકડ મામલે થયેલા આંદોલનની આગેવાની લીધી હતી, તે હાલ પંજાબમાંથી ફરાર છે. જ્યારે તેને કાફલામાં જલંધર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસે તેનો પીછો કર્યો. અમૃતપાલ સિક્યોરિટી ગાર્ડ્સ સાથે ફરે છે અને તેના સમર્થકો તેને ખાલિસ્તાની અલગતાવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલે પછી ‘ભિંડરાનવાલે 2.0’ તરીકે ઓળખાવે છે. કોંગ્રેસના સાંસદ સંતોખ ચૌધરીના નિધન બાદ અમૃતપાલ સિંહ શનિવારે જલંધર જઈ રહ્યો હતો.