scorecardresearch

મજૂરો આત્મહત્યા કરવા મજબૂર, 7 વર્ષમાં સુસાઇડ કેસ 3 ગણા વધ્યા, આ મામલે દેશભરમાં ગુજરાત 5માં ક્રમે

Daily wage workers Suicides NCRB data : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા અનુસાર દેશમાં વર્ષ 2021 દરમિયાન કુલ 1,64,033 લોકોએ આત્મહત્યા (Suicide) કરી છે, જેમાં 42004 દૈનિક વેતન કામદારો હતા. દેશમાં છેલ્લા સાત વર્ષમાં દૈનિક વેતન કામદારોની આત્મહત્યાની (Daily wage workers Suicides) સંખ્યામાં ચિંતાજનક રીતે 3 ઘણો વધારો થયો છે. સૌથી વધુ શ્રમિકો-મજૂરોએ આત્મહત્યા કરી હોય તેવા દેશના ટોચના 5 રાજ્યોમાં ગુજરાત (Gujarat Suicide data) સામેલ

મજૂરો આત્મહત્યા કરવા મજબૂર, 7 વર્ષમાં સુસાઇડ કેસ 3 ગણા વધ્યા, આ મામલે દેશભરમાં ગુજરાત 5માં ક્રમે

કોરોના મહામારી અને લોકડાઉનથી તમામ લોકોને મુશ્કેલી પડી હતી જો કે તેમાં સૌથી વધારે પરેશાની દૈનિક વેતન મેળતા શ્રમિકો અને પરપ્રાંતિ લોકોને સહન કરવી પડી છે. મહામારી અને લોકડાઉનના કારણે દેશમાં મોટી સંખ્યામાં લોકોએ રોજગારી – નોકરી ગુમાવી હતી અને બેકાર થયા હતા. વર્ષ 2014ની તુલનાએ વર્ષ 2021માં દૈનિક વેતન મેળવતા કામદારોની આત્મહત્યાની ઘટનાઓમાં ત્રણ ગણો વધારો થયો છે.

આર્થિક તંગી બની આત્મહત્યાનું કારણ

બેકારીની સમસ્યા અને આવકનો કોઇ સ્ત્રોત ન હોવાના કારણે આર્થિક તંગીથી કંટાળી મોટી સંખ્યામાં દૈનિક વેતન કામદારો, સ્વરોજગાર મેળવનાર લોકો, બેરોજગાર અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ આત્મહત્યા કરી છે. તેની પુષ્ટી નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા કરી રહ્યા છે.

વર્ષ 2021માં કુલ 1,64,033 લોકોએ જીવન ટૂંકાવ્યું

મંગળવારે લોકસભામાં આત્મહત્યાના આંકડાની જાણકારી આપવામાં આવી હતી. આ માહિતી અનુસાર, વર્ષ 2021 કોવિડ-19 મહામારીનું વર્ષ હતું. NCRBના એક અહેવાલ મુજબ, દેશભરમાં વર્ષ 2021 દરમિયાન કુલ 1,64,033 લોકોએ આત્મહત્યા કરી હતી. આમ દરરોજમાં દરરોજ 449 લોકોએ જીવન ટૂંકાવ્યું છે.

દરરોજ 115 શ્રમિકો અને 63 ગૃહિણીએ આત્મહત્યા કરી

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ કેલેન્ડર વર્ષ 2021 અનુસાર દેશમાં દરરોજ સરેરાશ 115 દૈનિક વેતન મજૂરોએ આત્મહત્યા કરી છે. તો 63 ગૃહિણીઓએ જીવન ટૂંકાવ્યું છે.

લોકસભામાં ડો. મોહમ્મદ જાવેદના પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા રજૂ કરાયેલ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ડેટા અનુસાર વર્ષ 2021માં 23179 ગૃહિણીઓ, 15870 વ્યાવસાયિક/પગારદાર વ્યક્તિઓ, 1898 સરકારી કર્મચારી, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો સાથે જોડાયેલા 11431 વ્યક્તિઓ અને જાહેર ક્ષેત્રની કંપનીઓ સાથે સંકળાયેલા 2541 કર્મચારીઓએ આત્મહત્યા કરી છે.

તે ઉપરાંત વર્ષ 2021માં 13089 વિદ્યાર્થીઓ, 13714 બેરોજગાર વ્યક્તિઓ, 4532 નાના વેપારીઓ, 3633 હસ્ત કારીગરો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા 10881 લોકોએ જીવન ટુંકાવ્યું છે.

સરકારી આંકડા અનુસાર વર્ષ 2021માં, 5318 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આંકડા મુજબ પાછલા વર્ષે 42004 દૈનિક વેતન કામદારો અને 1518 નિવૃત્ત વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી.

છ વર્ષમાં કામદારોની આત્મહત્યામાં 3 ગણો વધારો

વર્ષ 2014 બાદથી દેશમાં દૈનિક વેતન કામદારોની આત્મહત્યાની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે. કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવદ દ્વારા દૈનિક વેતન કામદારો દ્વારા આત્મહત્યાની સંખ્યા પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, વર્ષ 2014 થી 2021 દૈનિક વેતન કામદારોની આત્મહત્યાની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે.

ગૃહ મંત્રાલયે માહિતી આપેલી માહિતી અનુસાર વર્ષ 2014માં 15,735 દૈનિક વેતન કામદારોએ આત્મહત્યા કરી હતી, આ સંખ્યા વર્ષ 2021માં વધીને 42004 થઇ છે. આત્મહત્યાને દૈનિક ધોરણે જોઇયે તો વર્ષ 2014માં દરરોજ 43 દૈનિક વેતન કામદારોની આત્મહત્યા સામે વર્ષ 2021માં 115 કામદારોએ જીવન ટૂંકાવ્યું છે.

NCRBના આંકડા અનુસાર વર્ષ 2014થી 2021ની વચ્ચે જે પાંચ રાજ્યોમાં આત્મહત્યાની ઘટનામાં ઝડપી વધારો જોવા મળ્યો છે તેમાં – તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગાણા અને ગુજરાતનો સમાવેશ થાય છે.

આંકડા અનુસાર તમિલનાડુમાં વર્ષ 2014માં દૈનિક વેતન કામદારોની આત્મહત્યાની કુલ 3880 ઘટના નોંધાઇ હતી, જ્યારે વર્ષ 2021માં 7673 કામદારોએ આત્મહત્યા કરી છે.

તેવી જ રીતે મહારાષ્ટ્રમાં વર્ષ 2014 2239 દૈનિક વેતન મજૂરોએ તેમના જીવનનો અંત લાવ્યો હતો અને વર્ષ 2021માં આ સંખ્યા વધીને 5270 પહોંચી છે. મધ્ય પ્રદેશમાં દૈનિક મજૂરી મેળનાર શ્રમિકોની આત્મહત્યાની ઘટના વર્ષ 2014ના 1248 થી વધીને વર્ષ 2021માં 4657 થઈ છે.

ગુજરાતમાં શ્રમિકોની આત્મહત્યાની ઘટનાઓ વધી

તેલંગાણામાં વર્ષ 2014માં દરરોજ વેતન મેળવનાર 1242 લોકોએ આત્મહત્યા કરી હતી જેની સંખ્યા સતત વધી અને વર્ષ 2021માં 4223 કામદારોએ જીવન ટૂંકાવ્યુ છે. ગુજરાતમાં શ્રમિકોની આત્મહત્યાની ઘટનામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. વર્ષ 2014માં 669 દૈનિક વેતન કામદારોએ આત્મહત્યા કરી હતી અને વર્ષ 2021માં તેમની સંખ્યા પણ વધીને 3206 થઈ છે.

Web Title: Around 1 64 lakh people committed suicid in 2021 daily wage workers suicides spike three times in last 7 year