Arvind Kejriwal News: ગુજરાત સહિત દેશભરમાં પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણી 2025 પરિણામ સોમવારે જાહેર થતાં આમ આદમી પાર્ટી ઉત્સાહમાં આવી ગઇ છે. ગુજરાતની વિસાવદર અને પંજાબની લુધિયાણા બેઠક પર ભવ્ય જીત મેળવતાં આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલ કમબેક પોઝમાં દેખાયા.
વિસાવદર અને લુધિયાણા બેઠક પર જીત બાદ અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં કોંગ્રેસની ટોપ લીડરશિપ ઉપર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, વર્ષ 2022 ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં 17 બેઠકો મળી હતી. આમ આદમી પાર્ટીને 5 સીટ મળી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જતા રહ્યા. આમ આદમી પાર્ટીના પાંચ એમએલએ માંથી એક છોડીને ભાજપમાં ગયા. કોંગ્રેસના પાંચ ધારાસભ્યો જે પાર્ટી છોડીને ભાજપમાં ગયા હતા ત્યાં ગત વર્ષે પેટા ચૂંટણી યોજાઇ હતી. જે પાંચેય બેઠકો પર કોંગ્રેસ હારી ગયું અને પાંચેય બેઠકો ભાજપ પાસે જતી રહી.
કેજરીવાલે કહ્યું કે, એક સીટ પર જ્યાં બીજેપીએ અમારા ધારાસભ્યની ચોરી કરી હતી એ બેઠક આજે ફરી અમે એ બેઠક પાછી મેળવી છે. જે બતાવે છે ગુજરાતમાં સીધી ટક્કર બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. હાલમાં જે બે બેઠકો પર પેટા ચૂંટણી થઇ છે એમાં એક બેઠક પર બીજેપી અને એક બેઠક પર આમ આદમી પાર્ટી જીતી છે.
આમ આદમી પાર્ટી વડા અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, આ બંને બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડ્યા છે. કોંગ્રેસ પર મોટા આરોપ લગાવતાં તેમણે કહ્યું કે, આજે કોંગ્રેસ બીજેપીના હાથની કઠપૂતળી બની બીજેપીને જીતાડવા પ્રયાસ કરે છે.
તેમણે કહ્યું કે, દિલ્હીમાં જે રીતે કોંગ્રેસે બીજેપીને જીતાડવા મદદ કરી એ જ રીતે વિસાવદરમાં પણ બીજેપીને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી દીધું. કોંગ્રેસની આખે આખી ટોપ લીડરશીપ બીજેપીના ખિસ્સામાં બેઠી છે. બીજેપીના હાથની કઠપૂતળી છે.
કોંગ્રેસનો સામાન્ય કાર્યકર બીજેપીને હરાવવા મથે છે, કોંગ્રેસનો લોકલ લીડર બીજેપીને હરાવવા ઇચ્છે છે. પરંતુ કોંગ્રેસની ટોપ લીડરશીપ જાણે બીજેપીના ખોળામાં બેઠી છે. આજે હું આ મંચ પરથી કોંગ્રેસના સામાન્ય કાર્યકરોને કહું છું કે, કોંગ્રેસથી અપેક્ષા ન રાખતા કે તે ક્યારેય બીજેપીને હરાવશે.
વિસાવદર અને કડી બેઠક પર હાર બાદ શક્તિસિંહએ આપ્યું રાજીનામુ
કેજરીવાલે કહ્યું કે, માત્રને માત્ર આમ આદમી પાર્ટી જ તન, મન અને ધનથી આ દેશને અને રાજ્યોને બીજેપીથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. જે જે કોંગ્રેસના સારા કાર્યકરો છે એ છોડીને આમ આદમી પાર્ટીમાં આવી જાવ.





