ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ગમે ત્યારે ઘોષણા થવની તૈયારી છે તેની પહેલા જ ભાજપ સરકારે યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ઉઠાવ્યો છે. ભાજપ સરકારે ચૂંટણીઓમાં મતદારોને આકર્ષવા વોટ બેન્ક મેળવવા માટે આ મુદ્દો ઉઠાવ્યો હોવાનો દાવો AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી કર્યો છે.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મત મેળવવા અને તેના હિંદુત્વના એજન્ડાને આગળ વધારવા માટે સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ)નો મુદ્દો ઉઠાવી રહી છે.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે શનિવારે એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યુ કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂંછવા માંગીશ કે હિંદુ અવિભાજિત કુટુંબ હેઠળ આવકવેરા મુક્તિના લાભમાંથી મુસ્લિમો અને ખ્રિસ્તીઓને શા માટે બાકાત રાખવામાં આવ્યા છે? શું તે સમાનતાના અધિકારની વિરુદ્ધ નથી?” .
ગુજરાતમાં ભાજપ સરકારે શનિવારે જાહેરાત કરી હતી કે તે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) ના અમલીકરણના તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવા માટે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હેઠળ એક સમિતિની રચના કરશે.
2018માં કાયદા પંચે શું કહ્યું...
AIMIMના પ્રમુખે કહ્યું કે કાયદા પંચે 2018માં કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ ન તો જરૂરી છે અને ન તો ઈચ્છનીય છે. તેણે પૂછ્યું, ‘મુસ્લિમ માટે લગ્ન એક કરાર છે, હિંદુ માટે તે કાયમી એકબીજા સાથે જીવન વિતાવવા માટે છે, એક ખ્રિસ્તી માટે તે ‘હું કરું છું’ છે. તે ભારતનું બહુમતીવાદ છે જે કલમ 25, 26, 14, 19 અને 20 દ્વારા શક્ય બન્યું છે. શું કોઈ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરીને કલમ 29 (જે લઘુમતી જૂથોના હિતોનું રક્ષણ કરે છે) વિરુદ્ધ કાયદો બનાવી શકે છે?”