Congress Bharat Jodo Nyay Yatra : કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાને આસામના ગુવાહાટી શહેરમાં પ્રવેશ મળ્યો ન હતો. પોલીસે બેરીકેટ લગાવીને કોંગ્રેસના કાર્યકરોને અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના સમાચાર પણ મળ્યા હતા. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવશે.
આસામના સીએમએ લખ્યું છે કે, “આ આસામી સંસ્કૃતિનો ભાગ નથી, અમે એક શાંતિપ્રિય રાજ્ય છીએ, આવી “નકસલવાદી રણનીતિ” આપણી સંસ્કૃતિથી સંપૂર્ણપણે અલગ છે. મેં ડીજીપી આસામ પોલીસને રાહુલ ગાંધી સામે ટોળાને ઉશ્કેરવા બદલ કેસ નોંધવા અને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરના ફૂટેજનો પુરાવા તરીકે ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. “કોંગ્રેસ દ્વારા તમારા અનિયંત્રિત વર્તન અને સંમત માર્ગદર્શિકાના ઉલ્લંઘનને કારણે હવે ગુવાહાટીમાં મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થયો છે.”
શું છે સમગ્ર મામલો?
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આસામના ગુવાહાટી શહેરમાં પહોંચી ગઈ છે અને કોંગ્રેસના કાર્યકરો શહેરની મધ્યથી યાત્રા કાઢવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન સાંસદ રાહુલ ગાંધીએ ભાષણમાં કહ્યું હતું કે, બજરંગ દળની રેલીથી લઈને જેપી નડ્ડાની રેલી આ રીતે પસાર થઈ ચૂકી છે, તો માત્ર કોંગ્રેસને જ કેમ રોકવામાં આવી રહી છે.
મીડિયા અહેવાલો અનુસાર, યાત્રાને ગુવાહાટી શહેરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા બાદ પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, તેમને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા રોકવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો – Ram Lalla: રામ લલ્લાએ ધારણ કર્યો 2 કિલોનો સોનાનો હાર, જાણો પ્રભુ રામના દિવ્ય આભૂષણ અને વસ્ત્રોની ખાસિયતો
બેરીકેટ્સ દ્વારા રોકવામાં આવતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “આસામમાં જે રૂટ પરથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કાઢવામાં આવનાર છે. બજરંગ દળ અને જેપી નડ્ડાની રેલી આ માર્ગે થઈ હતી પરંતુ, અમારી કૂચ અટકાવી દેવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર લગાવેલા બેરીકેટ્સ હટાવી દીધા છે. કોંગ્રેસના કાર્યકરને નબળા ન સમજો. કોંગ્રેસ કાર્યકર બબ્બર શેર છે. હવે આ મામલાને લઈને આસામના સીએમનું નિવેદન આવ્યું છે, જેમાં તેઓ રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની વાત પણ કરી રહ્યા છે.