Assembly Elections 2023 : મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પુરી તાકાત સાથે લડવા તૈયાર જણાય છે. AAP આ રાજ્યોમાં તેના ઉમેદવારોના નામ પણ ટૂંક સમયમાં જાહેર કરશે. આ જાણકારી ખુદ સીએમ અરવિંદ કેજરીવાલે આપી છે. ચૂંટણી પંચે પણ આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે મિઝોરમ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી 7 નવેમ્બરથી અલગ-અલગ દિવસોમાં યોજાશે અને મતગણતરી 3 ડિસેમ્બરે થશે.
AAP કોંગ્રેસની રમત બગાડશે?
જ્યારે આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલને તૈયારીઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પૂરી તાકાત સાથે ચૂંટણી લડવા તૈયાર છીએ. પૂછવામાં આવ્યું કે શું તેમની પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના ભાગ રૂપે ચૂંટણી લડશે. તો AAPના રાષ્ટ્રીય સંયોજકે કહ્યું કે જે પણ થશે તેની જાણ કરવામાં આવશે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં હાલમાં કોંગ્રેસનું શાસન છે અને બંને પક્ષો ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે.
અલકા લાંબાએ શું કહ્યું?
કેજરીવાલની ટિપ્પણીનો જવાબ આપતા, કોંગ્રેસ નેતા અલકા લાંબાએ એક પોસ્ટમાં કહ્યું આ ત્રણ રાજ્ય એ જ છે જ્યાં કોંગ્રેસે 2018માં ભાજપને સીધા મુકાબલામાં હરાવીને બહુમતી મેળવી હતી અને સરકાર બનાવી હતી. આ વખતે પણ કોંગ્રેસ સીધી હરીફાઈમાં ભાજપને હરાવીને પોતાના દમ પર સરકાર બનાવવા જઈ રહી છે. અમે લડીશું, જીતીશું.
આ પણ વાંચો – મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી: BJP કોઈપણ ભોગે જીતવા માંગે છે, જાણો MPમાં ભગવા પાર્ટીની તાકાત અને નબળાઇ
બીજી તરફ AAPના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) સંદીપ પાઠકે કહ્યું કે પાર્ટી સંપૂર્ણ રીતે તૈયાર છે. લોકોએ તમામ પક્ષોને તક આપી છે. હવે લોકો આમ આદમી પાર્ટીને તક આપવા માંગે છે. પાઠકે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન લોકસભાની ચૂંટણી માટે રચાયું હતું, વિધાનસભા ચૂંટણી માટે નહીં.
જ્યારે AAPના ચૂંટણી મુદ્દાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે 24 કલાક મફત વીજળી, સારું શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ અને સુશાસન તેમના એજન્ડામાં હશે.