Assembly Election Result 2023 : રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. આ ટ્રેન્ડમાં તેલંગણાને બાદ કરતાં ભાજપ ત્રણેય રાજ્યોમાં આગળ હોય તેમ લાગી રહ્યું છે. ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમર્થકોનું કહેવું છે કે હવે ભાજપની જીત નિશ્ચિત છે, હવે મુખ્યમંત્રીના ચહેરા પર ચર્ચા થવી જોઇએ.
રાજસ્થાન, અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હતી, જ્યાં કોંગ્રેસ વાપસીના દાવા કરી રહી હતી. પરંતુ ટ્રેન્ડમાં ભાજપનો વિજય થતો દેખાઈ રહ્યો છે. સાથે જ મધ્ય પ્રદેશમાં ફરી એકવાર ભાજપ સરકાર પરત ફરી રહી છે. ભાજપના કાર્યકરો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. રિપોર્ટ છે કે પરિણામો સ્પષ્ટ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ભાજપના મુખ્યાલય પહોંચી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી સાંજે 6 વાગ્યે ભાજપના મુખ્યાલય પહોંચશે અને કાર્યકર્તાઓને સંબોધિત કરી શકે છે. ટ્રેન્ડ પ્રમાણે ભાજપ ત્રણ રાજ્યોમાં આગળ ચાલી રહી છે. જો ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર બનશે તો લોકસભા ચૂંટણી પહેલા મોટી જીત થશે.
આ પણ વાંચો – પરિણામો પહેલા હનુમાન અને શ્રી રામનો વેશ ધારણ કરીને કાર્યકરો પહોંચ્યા કોંગ્રેસ કાર્યાલય, જુઓ વીડિયો
મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું પરિણામ પણ 3 ડિસેમ્બરે આવવાનું હતું પરંતુ કેટલાક કારણોસર મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે 4 ડિસેમ્બર, સોમવારે આવશે. મધ્ય પ્રદેશની 230, તેલંગાણાની 119, રાજસ્થાનની 199 અને છત્તીસગઢની 90 બેઠકો માટે પરિણામ સામે આવશે.
મધ્ય પ્રદેશના પરિણામો અંગે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે આપણા પીએમ નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશના મનમાં છે અને મોદીજીના મનમાં મધ્ય પ્રદેશ છે. અહીં તેમણે જે સભાઓ કરી અને જનતાને અપીલ કરી તે લોકોના દિલને સ્પર્શી ગઈ અને એટલા માટે જ આ ટ્રેન્ડ આવી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે અમને મોટી બહુમતી મળશે.