Assembly Election Results: મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ બહુમત સાથે સરકાર બનાવશે. કોંગ્રેસ પાર્ટીને ત્રણેય રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આમ આદમી પાર્ટીએ પણ ત્રણેય રાજ્યોમાં ચૂંટણી લડી હતી. ત્રણેય રાજ્યોમાં આમ આદમી પાર્ટીએ કારમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આમ આદમી પાર્ટીને નોટા કરતા ઓછા મત મળ્યા છે.
આપને મધ્ય પ્રદેશમાં નોટા કરતા ઓછા મત મળ્યા
મધ્ય પ્રદેશમાં આમ આદમી પાર્ટીએ 65 સીટો પર ચૂંટણી લડી અને 63 સીટો પર પોતાની ડિપોઝીટ ગુમાવી દીધી છે. મધ્ય પ્રદેશમાં આમ આદમી પાર્ટીને કુલ 2,33,458 મત મળ્યા છે. મધ્ય પ્રદેશમાં નોટાને 4,27,710 મત મળ્યા હતા. આમ મધ્ય પ્રદેશમાં નોટાને આમ આદમી પાર્ટી કરતા 1,90,000 વધુ મત મળ્યા છે.
છત્તીસગઢમાં તમામ બેઠકો પર ડિપોઝીટ જપ્ત
છત્તીસગઢમાં આમ આદમી પાર્ટીએ 54 બેઠકો પર ચૂંટણી લડી હતી. આમ આદમી પાર્ટીએ તમામ 54 બેઠકો પર પોતાની ડિપોઝિટ ગુમાવી હતી. છત્તીસગઢમાં પણ આમ આદમી પાર્ટીને નોટા કરતા ઓછા વોટ મળ્યા હતા. રાજ્યમાં આમ આદમી પાર્ટીને 1,44,770 વોટ મળ્યા હતા. જ્યારે નોટાને 1,77,678 મત મળ્યા હતા. આમ નોટાને આમ આદમી પાર્ટી કરતાં લગભગ 53,000 વધુ મત મળ્યા હતા.
આ પણ વાંચો – રેવંત રેડ્ડી તેલંગાણાના નવા મુખ્યમંત્રી બનશે, 7 ડિસેમ્બરે શપથ ગ્રહણ
રાજસ્થાનમાં પણ કંગાળ પ્રદર્શન
રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીએ 85 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી હતી અને તમામ બેઠકો ગુમાવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે રાજસ્થાનની 84 બેઠકો પર તેના ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી હતી. ફક્ત એક જ ઉમેદવાર તેની ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યો છે. રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીને કુલ 1,48,709 મત મળ્યા છે, જ્યારે નોટાને 3,82,066 મત મળ્યા છે. એટલે કે નોટાને આમ આદમી પાર્ટી કરતા 2,30,000 વધુ વોટ મળ્યા છે.
ત્રણેય રાજ્યોમાં ભાજપને બહુમત મળી
રાજસ્થાનમાં ભાજપે 115 સીટો પર જીત મેળવી છે. કોંગ્રેસને 69 સીટો પર જીત મળી છે. મધ્ય પ્રદેશમાં ભાજપને 163 સીટો મળી છે જ્યારે કોંગ્રેસને 66 સીટો મળી છે. છત્તીસગઢમાં બીજેપીએ 54 સીટો પર જીતી છે જ્યારે કોંગ્રેસે 35 સીટ જીતી છે.