Assembly Election Results 2023: રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલુ છે. ચૂંટણી પરિણામના વલણ ધીમે ધીમે સ્પષ્ટ થઇ રહ્યા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી જે ટ્રેન્ડ સામે આવ્યા છે તે મુજબ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ આગળ છે જ્યારે કોંગ્રેસ છત્તીસગઢ અને તેલંગાણામાં આગળ છે. ટ્રેન્ડમાં ઘણા મોટા ફેરફાર પણ જોવા મળી રહ્યા છે. આ વખતે ઘણા સાંસદોએ ધારાસભ્ય બનવા માટે ચૂંટણી પણ લડી હતી. ચાલો જાણીએ વિધાનસભા ચૂંટણી લડી રહેલા સાંસદોની શું છે સ્થિતિ
કમલનાથ, મધ્યપ્રદેશ (Kamalnath, Madhya Pradesh)
મધ્યપ્રદેશમાં 9 વખત સાંસદ રહી ચૂકેલા કમલનાથ છિંદવાડા વિધાનસભા બેઠક પર આગળ ચાલી રહ્યા છે. તો તેમની સામે આ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપ ઉમેદવાર વિવેક બંટી પાછળ છે. જો કે શરૂઆતમાં કમલનાથ પાછળ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે ગત ચૂંટણીમાં છિંદવાડા જિલ્લાની પાંચેય બેઠકો જીતી હતી. કમલનાથ પણ છિંદવાડાથી લોકસભા ચૂંટણી જીતતા આવ્યા છે.
રાજ્યવર્ધન સિંહ રાઠોડ (રાજસ્થાન) (Rajyavardhan Singh Rathore, Rajasthan)
ભાજપના સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ રાજસ્થાનની ઝોટવાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર તેઓ કોંગ્રેસ ઉમેદવાર અભિષેક ચૌધરીથી આગળ ચાલી રહ્યા છે.
બાબા બાલકનાથ (રાજસ્થાન) (Baba Balak Nath, Rajasthan)
રાજસ્થાનમાં અલવરના ભાજપ સાંસદ બાબા બાલકનાથે રાજ્યની તિજારા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી છે. આ તિજારા બેઠક પર ભાજપના બાબા બાલકનાથની સામે કોંગ્રેસે ઈમરાન ખાનને ઉમેદવાર બનાવ્યા હતા. શરૂઆતના ટ્રેન્ડ્સમાં બાલકનાથ ઈમરાનથી આગળ ચાલી રહ્યા છે.
આ પણ વાંચો | કોણ છે રાજસ્થાનના યોગી? ભાજપ જીતશે તો મુખ્યમંત્રી પદના દાવેદાર બની શકે
ભગીરથ ચૌધરી, રાજસ્થાન (bhagirath Choudhary, Rajasthan)
ભાજપના સાંસદ ભગીરથ ચૌધરી રાજસ્થાનની કિશનગઢ વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં હતા. રિઝલ્ટના ટ્રેન્ડ્સમાં તેઓ કોંગ્રેસના હરીફ વિકાસ ચૌધરીથી આગળ છે.
દેવજી પટેલ, રાજસ્થાન (Devji Patel, Rajasthan)
ભાજપે રાજસ્થાનની સાંચોર વિધાનસભા બેઠક પરથી પોતાના સાંસદ દેવજી પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. તેમની સામે કોંગ્રેસના સુખરામ વિશ્નોઈ ચૂંટણી લડ્યા હતા. ભાજપના સાંસદો ટ્રેન્ડમાં પાછળ છે. કોંગ્રેસ અહીંથી જીતતી હોય તેવું લાગી રહ્યું છે.
દિયા કુમારી, રાજસ્થાન (Diya Kumarti, Rajasthan)
ભાજપે રાજસ્થાનની વિદ્યાધર નગર વિધાનસભા બેઠક પરથી પોતાના સાંસદ રાજકુમારી દિયા કુમારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર સીતારામ અગ્રવાલને હરાવી દિયા કુમારીએ જીત હાંસલ કરી છે.
આ પણ વાંચો | કોણ બનશે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી? ચૂંટણીમાં જીત બાદ ભાજપ નેતા રાજકુમારી દીયા કુમારીએ આપ્યો આ જવાબ
નરેન્દ્ર કુમાર, રાજસ્થાન (Narendra Kumar, Rajasthan)
ઝુનઝુનુના બીજેપી સાંસદ નરેન્દ્ર કુમાર રાજસ્થાનની મંડાવા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. અહીં તેમની ટક્કર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય રીટા ચૌધરી સાથે થઈ હતી. ટ્રેન્ડમાં નરેન્દ્ર કુમાર રીટા કરતા પાછળ છે.





