Assembly Election Results 2023: રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી ચાર રાજ્યોમાં આજે મતગણતરી થઈ રહી છે. ચાર રાજ્યોમાંથી ત્રણમાં ભાજપની સરકાર બની રહી છે અને એકમાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ જંગી બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. તો તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.
ઉત્તર ભારતમાં કોંગ્રેસ નબળી પડી
અગાઉ કોંગ્રેસ પાર્ટી રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા પર હતી, પરંતુ હવે ભાજપે બંને રાજ્યોમાં જંગી બહુમતી સાથે વાપસી કરી છે. મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે ઉત્તર ભારતમાં ક્યા રાજ્યોમાં કોંગ્રેસ બચી? જો આપણે જોઈએ તો માત્ર હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી પોતાના દમ પર સરકારમાં છે. જ્યારે બિહાર અને ઝારખંડમાં કોંગ્રેસ પાર્ટી ગઠબંધનનો હિસ્સો છે.
આ રાજ્યોમાં કોંગ્રેસ પોતાના દમ પર
દક્ષિણ ભારતમાં કોંગ્રેસ પાર્ટીના ખાતામાં વધુ એક રાજ્ય ઉમેરાયું છે અને તે છે તેલંગાણા. તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીએ જંગી જીત મેળવી છે. હવે કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટી પોતાના દમ પર સત્તા સંભાળશે. કર્ણાટક અને તેલંગાણા દક્ષિણ ભારતમાં રાજ્યો છે.
પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભાજપે કોંગ્રેસ પાસેથી રાજસ્થાન અને છત્તીસગઢ છીનવી લીધા છે. હાલમાં ભાજપ ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, ગોવા, આસામ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશમાં સત્તામાં છે. આજના વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ભાજપ સત્તામાં આવી રહી છે. એટલે કે 12 રાજ્યોમાં ભાજપની એકલા હાથે સરકાર છે.
મહારાષ્ટ્ર સહિત આ ચાર રાજ્યોમાં ભાજપની ગઠબંધન સરકાર
ઉપરાંત ચાર રાજ્યોમાં ભાજપ ગઠબંધન સરકારમાં છે. આ ચાર રાજ્યોમાં મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ અને સિક્કિમનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર બહુ મોટું રાજ્ય છે. ભાજપ સૌથી મોટી પાર્ટી છે. જો કે રાજ્યના મુખ્યમંત્રી શિવસેનાના એકનાથ શિંદે છે. પરંતુ મહારાષ્ટ્રમાં સૌથી વધુ મંત્રીઓ ભાજપના છે.
આ પણ વાંચો | કોંગ્રેસના કમલનાથથી લઇ ભાજપના બાલકનાથ સુધી, જાણો ક્યા ક્યા સાંસદો વિધાનસભા ચૂંટણી જીત્યા
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 164 બેઠકો પર આગળ છે. તો છત્તીસગઢમાં તે 56 સીટો પર આગળ છે. રાજસ્થાનમાં ભાજપ 117 સીટો પર આગળ છે. ત્રણેય રાજ્યોમાં ભાજપ એકલા હાથે સરકાર બનાવી રહી છે.





