Assembly Elections 2023 : વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષની જાતિવાદી રાજનીતિમાં સેંધ લગાવવા માટે ભાજપે તેની વ્યૂહરચના ઝડપી બનાવી છે. બિહારમાં તાજેતરના જાતિ સર્વેક્ષણમાં પછાત વર્ગોની સંખ્યા જાહેર થયા પછી અન્ય વિપક્ષ શાસિત બીજા રાજ્યોમાં પણ તેને લઇને અવાજો ઉઠવા લાગ્યા છે. આ દરમિયાન છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની ચૂંટણીમાં ઓબીસી અનામત જેવા મુદ્દા ઉઠાવવાના કોંગ્રેસના પ્રયાસો પહેલા ભાજપે મોટી સંખ્યામાં ઓબીસી ઉમેદવારોને મેદાનમાં ઉતારીને માહોલ બદલવાની નવી ચાલ કરી છે. તેનાથી કોંગ્રેસ પર ઓબીસી ઉમેદવારોની સંખ્યા વધારવાનું દબાણ વધી ગયું છે.
SC, ST અને મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું
છત્તીસગઢની કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે અત્યાર સુધી જાહેર કરાયેલા 85 ઉમેદવારોમાંથી 31 પર OBC ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત 30 બેઠકો પર એસટી સમાજના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. 10 બેઠકો પર SC સમુદાયના ઉમેદવારો છે. પાર્ટીએ કુલ 14 મહિલાઓને પણ મેદાનમાં ઉતારી છે. બાકીની પાંચ બેઠકો સામાન્ય બેઠકો છે. ભાજપે રાજ્યમાં કુલ 36.5 ટકા OBC ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જે ગત વખત કરતા 10 ટકા વધુ છે.
પાર્ટી ઓબીસી મુદ્દે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવાના મૂડમાં નથી
મધ્ય પ્રદેશમાં પણ આવી જ સ્થિતિ છે. ભાજપે ત્યાંની કુલ 230 બેઠકોમાંથી 136 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ 136 ઉમેદવારોમાંથી 40 ઓબીસી છે. એટલે કે પાર્ટીએ અત્યાર સુધી 29 ટકા સીટો પર ઓબીસી ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ સમગ્ર કવાયત પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ OBC મુદ્દે કોઈ પણ પ્રકારની ઢીલાશ દાખવવાના મૂડમાં નથી.
આ પણ વાંચો – છત્તીસગઢમાં હિન્દુત્વની પીચ તૈયાર કરી રહ્યું છે ભાજપ, હિંસામાં માર્યા ગયેલા યુવકના પિતાને આપી ટિકિટ
મધ્યપ્રદેશમાં આ વખતે ભાજપે ST સમુદાયના 30 અને SC સમુદાયના 18 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત 16 મહિલા ઉમેદવારો પણ પાર્ટી તરફથી ટિકિટ મેળવવામાં સફળ રહી હતી. અત્યાર સુધી જાહેર થયેલી ટિકિટોમાં 28 યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
જાતિના મુદ્દાનો ફાયદો ઉઠાવવા માટે કોંગ્રેસ પાર્ટી બંને રાજ્યોમાં ઓબીસી સમુદાય માટે જાતિ અનામત વધારવાની વાત કરી રહી હતી. અન્ય પક્ષો પણ તેના સમર્થનમાં એકસાથે આવી રહ્યા હતા, પરંતુ તેના ઉમેદવારોમાં ઓબીસી સમુદાયની સંખ્યામાં વધારો કરીને ભાજપે સ્પષ્ટ કર્યું કે તે કોંગ્રેસને આનો ફાયદો ઉઠાવવા દેશે નહીં.