Assembly Elections 2023 Results : ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતના લોકોનો વિશ્વાસ ફક્ત અને ફક્ત સુશાસન અને વિકાસની રાજનીતિમાં છે, તેમનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીમાં છે.
અમે લોકોના કલ્યાણ માટે કામ કરીશું : પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની જનતાને નમન કરતા કહ્યું કે ભાજપ પર પોતાનો સ્નેહ, વિશ્વાસ અને આશીર્વાદ વરસાવવા માટે હું આ તમામ રાજ્યોના પરિવારો, ખાસ કરીને માતાઓ, બહેનો અને પુત્રીઓ, આપણા યુવા મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે જ હું તમને વિશ્વાસ અપાવું છું કે અમે તમારા કલ્યાણ માટે અથાક પરિશ્રમ કરતા રહીશું.
આ પણ વાંચો – શું પ્રથમ ટેસ્ટમાં જ ફેઇલ થયું ઇન્ડિયા ગઠબંધન, એમપી-છત્તીસગઢ અને રાજસ્થાનના પરિણામો શું સંકેત આપે છે?
પીએમ નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકર્તાઓનો આભાર માન્યો
પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં પાર્ટીના કાર્યકર્તાઓને પણ પ્રોત્સાહન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ પ્રસંગે પક્ષના તમામ મહેનતુ કાર્યકરોનો વિશેષ આભાર! તમે બધાએ એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. જે રીતે તમે ભાજપની વિકાસ અને ગરીબોના કલ્યાણની નીતિઓને લોકો સુધી પહોંચાડી છે, તેની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે. અમે વિકસિત ભારતના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. આપણે ના અટકવાનું છે, ના થાકવાનું છે. આપણે ભારતને વિજયી બનાવવાનું છે. આજે આપણે આ દિશામાં એક મજબૂત પગલું ભર્યું છે.
ભાજપ ત્રણેય રાજ્યોમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે
ભારતીય જનતા પાર્ટીએ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં એક તરફી જીતી મેળવી છે. મધ્ય પ્રદેશમાં ભાજપ 160થી વધુ સીટો પર આગળ છે, જ્યારે છત્તીસગઢમાં ભાજપ 57 સીટો પર આગળ છે. રાજસ્થાનમાં પણ ભાજપ 117 સીટો પર આગળ ચાલી રહી છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહી છે.